સ્મૃતી [ઉપજાતી]
વાતાયને ઝુકી રહેલ પેલો
અષાઢનો શ્યામલ મેઘ -ઘેલો-
ગંભીર ઘેરે રવ ગર્જતો જ્યાં,
તારી સ્મૃતી દંશ દીયે મને હ્યાં.
પ્રફુલ્લ કો પુષ્પ થકી પતંગીયું
કરી રહે નર્તન અંગ અંગથી;
એ નૃત્યમાં ગંધ મીઠી રમી રહે-
તારી ઉરે યાદ ભમી ભમી રહે.
ને આમ્રકુંજે રવ પંખીઓના
વીંધી, સુણાયે જ્યમ કોકીલાનો
ટ્હૌકો મીઠો, એમ અહીં ધમાલમાં
ટ્હૌકી રહે શો સ્મૃતી-સાદ તારો !
તારી સ્મૃતી સ્વપ્ન મીઠાં રચી રહે;
ને સ્વપ્નમાં તારી સ્મૃતી લચી રહે!!
મનીષા (ઉપજાતિ)
પેલો પડ્યો પથ્થર કાળમીંઢ ત્યાં-
કાળાંતરે જે ન તજે કઠોરતા
એ રુક્ષનું ભાગ્ય રુડું ; મળે શો
સુસ્પર્શ તારી પગપાની કેરો !
ને કાષ્ટ આ, ઉંબર રુપ લેઈને
ઝીલી રહે શી પગઠેસ તાહરી !
એ કાષ્ટયે બંધીત જીંદગીમાં
માણી રહે ધન્ય ક્ષણો સુખોની.
તારે પદે જીવનતાલી લેવા
ઝંખી રહું હુંય ક્ષણો ભવીષ્યની;
એ ઝંખના પુર્ણ થતાં થતાંમાં-
આયુષ્ય જો અંતરીયાળ આથમે,
તો પથ્થરે ને તવ ઉંબરે અહીં
વસીશ હું; પાયલ તું બજાવજે !
–જુગલકીશોર.


