ભાવ–વીચારના પલટાઓ જોવા માટે જ.
ગયા હપ્તે એક બાજુ આપણે મંદાક્રાન્તા છંદની વધુ વાત આગળ ચલાવી, તો બીજી બાજુ સૉનેટમાં કેટલામી પંક્તીએ ભાવ–વીચાર પલટો આવે એનીય વાત કરી હતી…
આજે અહીં આ બન્ને બાબતોને સાથે રાખીને મંદાક્રાન્તામાંનું મારું એક સૉનેટ મુકીને બન્ને બાબતો સૌ સમક્ષ મુકવા માંગું છું. ‘મ્હારાં સૉનેટ’નું આ ચોથું સૉનેટ પણ એ રીતે મુકાઈ રહ્યું છે. અલબત્ત, આને હું ‘સૉનેટડું’ નહીં કહું ! જોકે આમાં પ્રાસના કોઈ નીયમો જળવાયા જ નથી પણ ભાવ–વીચારના પલટાને ધ્યાને લઈને જોઈશું તો આ કાવ્યમાં પંક્તી નં.૫ અને સાત પર મોટા પલટા જોવા મળશે, જ્યારે પંક્તી નં. ૫,૭,૧૦ અને ૧૨ પર પણ પલટાઓ જોવા મળશે !!
છેંલ્લી બે પંક્તીઓમાં પ્રાસ અને ચોટ પણ જોવા મળશે. હવે જોઈશું, આ પહેલાં પણ પ્રગટ થઈ ગયેલું આ ‘મ્હારુ સૉનેટ’–૪.
ઉજળીયાત (મંદાક્રાન્તા)
પ્રાત:કાળે સુરજ ચડતો થાય આભે હજી , ત્યાં
આવી પહોંચે સમયસર શાં શેરિયું વાળનારાં!
સ્નાનાદીથી સહજ પરવારી, શુચી વસ્ત્ર પ્હેરી ,
ગંદું, મેલું, અહીં તહીં બધાંનું પડ્યું કાલનું , તે
વાળી ચોળી, ઝગમગ કરી જાય, સૌ આંગણાંને !
ચોખ્ખાંચોખ્ખાં તન,મન અને વાણી સંગાથ આવે,
સૌની દીધી, સહજ ધરમે, ગંદકીને સ્વીકારે.
“આપી જાજો બહન, કચરો” સાંભળી સાદ, જાગે-
આંખો ચોળી અલસગૃહિણી મોં બગાડી, પછાડી,
આપી દેતાં ગૃહ–ભીતરની ગંદકી બેઉ, સાથે!!
રોજીંદો આ ક્રમ બદલી નાખે જુની માન્યતાઓ;
‘ઉંચાં-નીચાં કરમ’તણી સૌ ક્ષુદ્ર વીભાવનાઓ.
રેલાવે જે અણુ અણુ શુચીતા, નકી, ‘શુદ્રતા’ ના !


