–વલ્લભભાઈ ઈટાલીયા
મહાન ચાઈનીઝ ફીલસુફ લીન–યુ–ટાંગને શીષ્યોએ પુછયું, ‘ગુરુદેવ, આ વીજ્ઞાન તે શું અને આ ધર્મ તે શું ?’ લીને કહ્યું, ‘માણસને કુતુહલ થયું, તે વીચારતો થયો, પ્રશ્નો કરતો થયો, સત્ય શોધવા લાગ્યો ત્યારે વીજ્ઞાનનો જન્મ થયો અને જ્યારે માણસ માણસને પ્રેમ કરતો થયો, બીજાનો આદર કરતો થયો ત્યારે ધર્મનો જન્મ થયો.’ ધર્મના મુળમાં કદાચ આવી ઉંચી ભાવના હશે; પણ આજે એ ભાવના લુપ્ત થઈ છે. ઉલટાનું ક્યારેક તો એક ધર્મના લોકો બીજાધર્મના લોકોને ધીક્કારતા જોવા મળે છે.
આ અંગે મારું મંતવ્ય એ છે કે, ધર્મ એ કલ્પના પર આધારીત છે જ્યારે વીજ્ઞાન એ સત્ય પર આધારીત છે. ધર્મના નીયમો સ્થળ–કાળને આધારીત છે. દા. ત. એક ધર્મમાં કીડીને મારવી એ પણ ઘોર પાપ ગણાય, તો બીજા ધર્મમાં વળી માંસાહાર માન્ય હોઈ–બલી પણ ચડાવે તો પણ પુણ્ય ગણાય ! જ્યારે વીજ્ઞાનના નીયમો સર્વકાળે, સર્વસ્થળે અને સર્વને માટે એક સરખા જ હોય છે. ધર્મમાં ગુરુ, સ્થાપક અને ગ્રંથનું એવું વર્ચસ્વ કે તેની એક વાતનેય પડકારી ન શકાય, તેનો વીરોધ ન કરી શકાય જ્યારે વીજ્ઞાનમાં જ્યાં સુધી એકદમ નાનકડીય શંકાને સ્થાન હોય, ત્યાં સુધી વીજ્ઞાન તેને સત્ય તરીકે ન જ સ્વીકારે. વીજ્ઞાનમાં શંકા થાય ત્યારે વીજ્ઞાનીઓ ભુલ શોધે અને ભુલ જડી જાય, એટલે તો જાણે મહોત્સવ ! ધર્મમાં ભુલ શોધવી એ અપરાધ ગણાય, ભુલ શોધનારને સજા પણ થાય. ઈટલીમાં વૈજ્ઞાનીક બ્રુનોએ ‘પૃથ્વી સપાટ નથી; પણ ગોળ છે’ એમ જાહેર કર્યું અને ધર્મના ધુરંધરોએ એ વૈજ્ઞાનીકને જીવતો સળગાવી દીધેલો. આવાં કારણોસર જ ધર્મ સ્થગીત અને બંધીયાર બન્યો છે, જ્યારે વીજ્ઞાન ગતીશીલ છે, પ્રગતીશીલ પણ છે.
વીજ્ઞાન, સત્યશોધન માટે ત્રણ માપદંડો અચુક પ્રયોજે છેઃ (૧) તર્ક (૨) નીરીક્ષણ–પરીક્ષણ અને (૩) પ્રયોગ. આ ત્રણેયનો જવાબ, ત્રણેયનું પરીણામ જો બરાબર – તંતોતંત સરખું આવે, તો જ વીજ્ઞાન તેને સત્ય તરીકે સ્વીકારે છે. જ્યારે ધર્મ ‘શ્રદ્ધા’ને આધારીત છે. ધર્મમાં સ્થળ અને કાળ પ્રમાણે જુદાં જુદાં સત્યો સ્વીકૃત બને છે. જેમ કે, શુકન–અપશુકનના નીયમો દરેક પ્રજા અને દરેક દેશમાં અલગ અલગ જોવા મળે છે.
સૌથી વધારે મહત્ત્વની વાત એ કે વીજ્ઞાનમાં કોઈ શાખા, કોઈ પંથો કે સંપ્રદાયો હોતા નથી. તે સાર્વત્રીક, સર્વકાલીન એકસરખું જ હોય છે. તમે ક્યાંય સાંભળ્યું છે કે, આ લોકો ‘ન્યુટનવાળા’ કે આ લોકો ‘આઈનસ્ટાઈનવાળા’ ? વીજ્ઞાની ગમે તેટલો મહાન હોય તો પણ કદી તે ‘ગુરુ’ બની બેસતો નથી. પોતાનો આશ્રમ સ્થાપતો નથી કે પોતાનું મંદીર બંધાવતો નથી.
વીજ્ઞાનનો સર્વોચ્ચ હેતુ તે માનવજાતનાં સુખ–સગવડમાં વધારો કરવાનો છે. સુખ–સગવડનાં જે સાધનો અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ તે વીજ્ઞાનને આભારી છે. દા.ત. કાર, વીમાન, મોબાઈલ, વીજળી, ટીવી, કમ્પ્યુટર, અદ્ભુત આધુનીક તબીબી શસ્ત્રક્રીયાઓ વગેરે અનેક સુવીધાઓ બદલ સમગ્ર જગત વીજ્ઞાનનું ૠણી છે. જ્યારે ધર્મમાંથી અનેક અનીષ્ટો નીકળ્યાં. દા.ત. અર્થહીન યજ્ઞ–હોમ–હવન, મરણોત્તર વીધીઓ, શુભ–અશુભ ચોઘડીયાંઓ, ખર્ચાળ અને ખોટાં અનેક કર્મકાંડો, અને આવાં તો અનેક અનીષ્ટો અસ્તીત્વમાં આવ્યાં.
વીજ્ઞાન આ જન્મમાં જ, આ જીવનમાં જ, વીદ્યમાન સંસારમાં માને છે અને એને જ સુખી બનાવવાનો પુરુષાર્થ કરે છે, જ્યારે ધર્મ પરલોકની, બીજા જન્મની કાલ્પનીક વાતો કરી લોકોને ખોટાં વીધીવીધાન અને કર્મકાંડોમાં પરોવે છે. ધર્મ નીતી પર ભાર મુકે છે એ સાચું. વીજ્ઞાન નીતી લાદતું નથી અને તે સદ્વીચાર કે સદ્ગુણોનો વીરોધ પણ કદી કરતું નથી. વધુમાં વીજ્ઞાન સત્ય અને કેવળ સત્ય ઉપર જ ભાર મુકે છે. અને મીત્રો, મને બતાવો કે સત્યથી મોટી નીતી બીજી કોઈ હોઈ શકે ?
કાર્લમાર્ક્સે કહેલુ. ‘ધર્મ એવું અફીણ છે, જે પ્રજાને નશામાં બેહોશ રાખી મુકે છે.’ જ્યારે વીજ્ઞાન પ્રજામાં જાગૃતી બક્ષે છે. માણસને વીચારતો કરે છે. ધર્મે માણસ માણસ વચ્ચે ભેદ પાડ્યા, વર્ણભેદ પણ પાડ્યા. ‘સ્ત્રી ઉતરતી કોટીનું માનવપ્રાણી છે,’ એવા એવા સીદ્ધાંત કેટલાક ધર્મોએ બનાવ્યા અને ચલાવ્યા, જ્યારે આધુનીક વીજ્ઞાને ડીએનએ(DNA) જેવી શોધો વડે પુરવાર કર્યું કે, સમગ્ર માનવજાત એક જ છે અને આપણે સૌ સમાન જ છીએ.
( –વલ્લભભાઈ ઈટાલીયા – vallabhitaliya@yahoo.com
‘ડાયમન્ડ સીટી’(વીશ્વના હીરા–ઝવેરાત ઉદ્યોગના ગુજરાતીઓનું પાક્ષીક વર્તમાનપત્ર–વર્ષ–૩, અંક–૧૧, તા. ૨૦ મે ૨૦૦૮, ઈ–મેઈલ– diamondcity@rediffmail.com -૧૦૭–૧૧૨, રત્નસાગર એપાર્ટમેન્ટ, વરાછા રોડ, સુરત–૩૯૫ ૦૦૬)માંથી સાભાર..
અક્ષરાંકન – uttamgajjar@hotmail.com
June 15, 2008 )


