ડૉ. વિવેકની એક સબળ-સફળ ગઝલ અંગે માંડીને વાત ! --જુગલકીશોર======================================================= દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો, ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો. શબ્દમા માઈ શકે એવી બધી પીડા નથી, આંગળી બે શે’ર વચ્ચે મૂકી ગઝલો વાંચજો. ખુરશી-ટેબલ, પેન-કાગળ લઈ ગઝલ લખતો નથી, ‘છું સતત રણભેર’- વચ્ચે મૂકી ગઝલો વાંચજો. જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય, મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો. લાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો… જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો. સૂર ના જન્મે હવા પોલાણમાંથીગુજરે પણ, દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો વાંચજો. જોજનો આઘે થયાનું દર્દ જાગે જે ઘડી, મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો. શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર, શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો. -વિવેક મનહર ટેલર -------------------------------------------------
અહીં ગઝલ નહીં પણ ગઝલો વાંચવાની વાત કરવામાં આવી છે. ને એ રીતે આ રચનામાં ગઝલને એક નવા પરીમાણ પર મુકી આપી છે. ફક્ત ગઝલ વાંચવાની વાત હોત તો આ રચનામાં નીર્દેશેલ ગઝલ પુરતી જ એ વાત મર્યાદીત બની રહેત. જાણે ડૉ.વિવેક વાચકને પોતાની આ પ્રસ્તુત ગઝલ કેમ વાંચવી એ શીખવાડતા હોય તેમ જ લેખાત. એને બદલે એમણે ગઝલો વાંચજો કહીને પોતાની આ ગઝલને જ નહીં પણ કોઈપણ સાહીત્ય રચના વાંચવા, સમજવા, એમાં રહેલાં વ્યંજના-ગુઢાર્થ વગેરેને ઉકેલવા, જરુર જણાય તો એના પરથી કશોક બોધ લેવા અને એમ કરીને કોઈપણ સાહીત્યકૃતીને માણવાની રજુઆત કરી છે.
આ વાતને વધુ સ્પષ્ટ બનાવવા તેમણે એક પછી એક બાબતોને આગળ કરીને કામ ચલાવ્યું છે.
સૌથી પહેલાં તો એમણે દુન્યવી અંધેર કે અંધાધુંધી કે અરાજકતાથી જાણે કે બચવા સાહીત્યરુપી ઉપાય કરવા નીર્દેશ આપ્યો છે. પણ એમાં એમણે એક મહત્વની વાત પણ કહી દીધી છે કે અંધેર વચ્ચે ઘણીવાર કૃતી (દીવો)પણ પુરેપુરી ઉપયોગી થઈ શકતી નથી. ( એનાં ઘણાં કારણો હોઈ શકે છે : કાવ્યની અધુરપ-કાવ્યની કચાશ-કાવ્યની નીરુદ્દેશતા-કાવ્યનું અઘરાપણું-કાવ્યનું ‘કલા ખાતર કલા’પણું વગેરે !!) તેથી એમણે ખુદનું તેજ (પોતાની આવડત-સમજણ-ક્ષમતા-શ્રદ્ધા-નીષ્ઠા) પણ વચ્ચે મુકીને વાંચવા કહ્યું છે. અહીં જોઈ શકાશે કે સાહીત્યનું સર્જન જેટલું મહત્વનું છે એટલું જ એનું વાચન-ભાવન પણ અગત્યનું છે. સર્જનનો હેતુ એને સામે છેડે પહોંચાડીને જ સફળ થઈ શકે. પોથીમાં પડી રહેનારું સાહીત્ય શા કામનું ? વળી, કાવ્ય સંપુર્ણ હોય તો પણ ભાવકે ભાવકે (તુંડે તુંડે) મતીર્ભીન્ન હોવાથી પોતાની વીશેષ દૃષ્ટીથી એને માણવાનું હોય છે.
બીજા શેરમાં તેમણે પીડાને શબ્દમાં ન સમાઈ શકે તેવી બતાવી છે. ને પછી જાણે શબ્દની શક્તીઓછી પડતી હોઈ ‘બીટ્વીન ધી લાઈન્સ’ રહેલા અર્થને પામવાની જરુર પણ સુચવી દીધી છે ! અઘરા પ્રશ્નોને માટે પેપરના કોઈ ખુણે જાણે જવાબની તરકીબ પણ બતાવી આપી છે !
ત્રીજા શેરમાં કવી સર્જન પ્રક્રીયામાં રહેલી સ્થુળ બાબતોને, સ્થુળ ઉપકરણોને કોરાણે મુકીને પોતાની મન:સ્થીતીનોનીર્દેશ કરીને સર્જન પ્રક્રીયામાં રહેલી અનેક સરળ-કઠીન બાબતોને સુચવે છે. સાહીત્ય-સર્જની આ પ્રક્રીયા એક વીશેષ અનુભવ હોઈ ભાવકે એનો પણ ખ્યાલ રાખીને કોઈપણ કૃતીને માણવા માટે ભાવક-ક્ષમતા કે ભાવકની સહાનુભુતી નો પણ ઉલ્લેખ કર્યો છે.
એ જ રીતે પાંચમા શેરમાં પણ આ વાત જરા જુદી રીતે દોહરાવી છે કે કેસર્જકે તો કૃતી સર્જીને મુકી દીધી છે, હવે એને માણવા માટે વાચકે વાચકે (તુંડે-તુંડે) પોતાની ભાવક -ક્ષમતાવાપરવાની રહે છે ! છેલ્લા શેરમાં પણ સર્જકે ભાવક ઉપર બીજી વધુ જવાબદારી નાંખીને પ્રત્યાયન-વ્યાપાર સફળ બનાવવાની વાત મુકી છે.
આટલા શેર કાવ્યના સર્જન-ભાવનને સ્પર્ષતા શેર છે. બાકીના ચાર, છ અને સાતમા શેર, મેં શરુઆતમાં જ કહ્યું તેમ આ “ગઝલો” શબ્દની વ્યંજનાદ્વારા કાવ્યની બહાર આપણને લઈ જાય છે. અહીં પણ જોકે સુક્ષ્મ રીતે તો ગઝલ કે કૃતીને વાંચવાની વાત તો છે જ. જેમ કે આખી ગીતા ન વાંચી શકો તો દરરોજનો અર્ધો શ્લોક પણ વાંચવાથી મળતા પુણ્યની વાત ગીતામાહાત્મ્યમાં દેખાડી છે તેમ જાતરાનું ફળ એકાદ પીંછાંથીય મળવાની ખાત્રી (લાલચ ?!) અપાઈ છે. જ્યારે છટ્ઠા શેરમાં સીધી પોલાણમાંથી પસાર થઈ જતી હવા અને અધ્ધરથી જ સમજાયા વગર ઉપર ઉપરથી જ નીકળી જતો અર્થ કે કાવ્યનો ભાવાર્થ ન મળે ત્યારે દૃષ્ટીનો સહારો લેવાની વાત મુકી છે. (’દૃષ્ટી’ શબ્દના અનેક અર્થો આગળ ચર્ચાઈ ગયા હોઈ રીપીટ કરવા જરુરી નથી) …અને છેલ્લે સાતમા શેરમાં દુરત્વને પણ સર્જન ન સમજાવા ન પામવાની મુશ્કેલી રુપે બતાવીને દુરત્વ ઘટાડવા માટે મનનો સહારો લેવાની વાત, ભલે ખેંચીતાણીને કરવાના અર્થઘટન તરીકે ગણીએ , તો આ શેરમાં પણ રસ્તો બતાવાયો છે. જો કે આ શેરને અન્યથી અલગ ગણવો જ રહ્યો. એમાં ગઝલોના વાચન સાથે જોડવાની તક બહુ નથી.
એકંદરે “ગઝલો” શબ્દ વડે સર્જકે ભાવકને કાવ્યને પામવાની જુદી જુદી રીતો, ક્યાંક તો તરકીબ, બતાવી છે. આ રચના ખાસ તો સાહીત્ય-કૃતીના પ્રત્યાયનનો હેતુ વધુમાં વધુ સફળ થાય, સીદ્ધ થાય એ માટેની મથામણની રચના છે.
આ ગઝલમાં કેટલીક સ્થુળ-સુક્ષ્મબાબતો વીચારવા જેવી લાગે છે તેને પણ વણી લઈશું ?
1] “દુન્યવી અંધેર” શબ્દ પછી તરત જ કયો પ્રત્યય મુકીશું, ને કે ની ?!! બન્ને વંચાય છે !
2] શબ્દમાં માઈ શકે એવી બધી દ્વારા શું સમજાય છે ? એકબાજુ શબ્દ કરતાં મોટી હોવાનું કહેવાયા પછી એવી બધી ન હોવાની વાત વીરોધાભાસ જગાડે છે.
3] રણભેર શબ્દ એનો પુરો અર્થ સમજાવી શકતો જણાતો નથી.
4] “દૃષ્ટીમાં બે છેદ” કે પછી “દૃષ્ટીથી” બે છેદ ? માણસના દૃષ્ટીકોણમાંછેદ પાડવાની વાત વીચાર માગી લે છે.
5] ભાવક કોઈ એક જ શેરને પોતીકો બનાવે એવી વાત સર્જક શી રીતે કરી શકે ? અને તે માટે થઈને શેરને અર્ધો રાખવો જરુરી નથી. જો કે પાદપુર્તી કરવાની હોય તો જુદી વાત છે, પણ અહીં તો બીજી પંક્તીય પણ આપી હોઈ એની શક્યતાય કેટલી ?
6] પછીના શેરમાં સ્થુળતા વધુ દેખાય છે.
7] સીમેન્ટ મજબુતીનું પ્રતીક છે. એને કાવ્યસર્જન થઈ ગયા બાદ વાપરવી તે કેટલું વાજબી ? કેટલું વ્યાવહારીક ? કેટલું સલામત ?! શ્વાસની શક્તી કે શ્વાસ દ્વારા મજબુતી એવું અર્થઘટન બેસતું નથી. શ્વાસ થંભાવીને એમ પણ અર્થ લઈ શકાય. પણ એ અહીં શક્ય છે ?
8] ગઝલના આરંભે મુકેલા ચીત્રને “પીળું સોનું” નામ આપ્યું છે તે બેસતું નથી. સોનું પીળું જ હોય. પાણીની વોટરબેગ જેવી વાત થઈ ગણાય ?
આટલી ક્ષતીઓ બતાવીને પણ આ ગઝલને અનેક રીતે મુલ્યવાન ગણવા ગણાવવા મન થાય તે સ્વાભાવીક છે. ગઝલમાં સુક્ષ્મ રીતે સાહીત્યસર્જન અને પ્રત્યાયન કાર્યની વાતને બહુ મઝાથી કરીને ડૉ.વિવેકે આપણને એક સુંદર ગઝલ આપી છે. આ ગઝલની પોસ્ટ નીચે મેં મુકેલી કોમેન્ટમાં દર્શાવ્યા મુજબ એને બરાબર માણીએ……અસ્તુ.
Posted in સાંપ્રત


