Posted by: જુગલકીશોર | April 6, 2008

અંગ્રેજીની જેમ જ ગુજરાતીની ભુલોથી શરમાઈશું ક્યારે ?!

ઈન્ટરનેટ પર ગુજરાતી : 1

–જુગલકીશોર=======================================

અહીં, ઉપરના શીર્ષકમાં  ‘ગુજરાતી’ શબ્દ બન્ને અર્થમાં લેવાનો ઉપક્રમ છે : ‘ગુજરાતીઓ’ અને એની ‘ભાષા-ગુજરાતી’. નેટ ઉપર આપણે બધાં ગુજરાતીઓ તરીકે અને ગુજરાતી ભાષા માટે અથવા કહો ને કે ગુજરાતી-માધ્યમથી વીશ્વભરમાં એકતા અનુભવી રહ્યાં છીએ.

આ જ સંબંધે કેટલીક બહુ જ મહત્વની વાતો કરવા ઘણા સમયથી મન હતું પરંતુ કોઈને કોઈ કારણસર આ વાતને આરંભ મળતો ન હતો.

આજે આ વાતનો આરંભ કરવા માટે ગુડી પડવા જેવો પવીત્ર દીવસ મળી જતાં એને સ્પર્શી લીધો છે. આશા છે આ નવા કાર્યને પણ સહયોગ સાંપડશે જ.

ગુજરાતી ફોન્ટ્સની ઉપલબ્ધી :

હજી હમણાં સુધી આપણી પાસે ઈન્ટરનેટ પર ગુજરાતીમાં લખવું શક્ય નહતું. ઈન્ટરનેટ આવ્યાંને ઘણો સમય થયો ત્યાં સુધી આપણી પાસે અંગ્રેજોએ વળગાડેલી ભાષા જ હતી. ઈ-મેઈલ પર એ આંગ્લભાષા વગર આપણે અપંગ અને પાંગળાં હતાં. એક અક્ષર પણ આપણે આપણી માતૃભાષામાં લખી કે વાંચી શકતાં ન હતાં ! ( આજે પણ આપણામાંનાં ઘણાંય હજી એ ઓબ્લીગેટરી ભાષાની જ લીપીમાં ગુજરાતી વ્યવહારો કરીને એને વળગી રહ્યાં છે !)

આપણી પાસે ગુજરાતી ફોન્ટ્સ આવ્યા એ વાતનું મહત્વ જેટલું આંકીએ એટલું ઓછું જ છે. એ ન મળ્યા હોત તો આજે પણ આપણે અંગ્રેજી/રોમન લીપીમાં જ લખી રહ્યાં હોત ! પરંતુ ભલું થજો એ શ્રેષ્ઠીઓનું જેમણે સમય-શક્તી-શ્રીને છુટ્ટે હાથે વાપરીને આપણને અનેકાનેક આકારોમાં ગુજરાતી ફોન્ટ્સ ઉપલબ્ધ કરાવી આપ્યા. આ ક્ષેત્રના સૌ કોઈ કુશળ કાર્યકરો - ટેકનોક્રેટ્સ -નાં પણ આપણે સૌ ઋણી છીએ અને રહેવાનાં !!

કોમ્પ્યુટરો હવે લગભગ હાથવેંતની વસ્તુ બની ગઈ છે ત્યારે અને એના દ્વારા બધા જ પ્રકારનો ભાષાકીય વ્યવહાર શક્ય અને સહજ બની ચુક્યો છે ત્યારે આપણે આપણી માતૃભાષાની સેવા એના દ્વારા કરવા માટે તૈયાર (તો છીએ જ પરંતુ એનો વધુમાં વધુ યોગ્ય રીતે વીનીયોગ કરવા પણ તૈયાર) થઈએ.

આજે આપણાંમાંનાં જે કોઈ ગુજરાતીમાં વ્યવહાર કરે છે તે સૌને પુછવા જેવા પ્રશ્નો મનમાં ઉગે છે કે આપણે પ્રયોજીએ છીએ તે ગુજરાતીભાષાને આપણે પુરેપુરા વફાદાર છીએ ખરાં ?

આપણે જે પ્રયોજી રહ્યાં છીએ તે લીપી જ નહીં પરંતુ લીપી દ્વારા વ્યક્ત થતી સામગ્રીને પુરી રીતે ન્યાય આપી રહ્યાં છીએ કે કેમ ?

અંગ્રેજીમાં થતી ભુલો બદલ આપણે તે વીદેશી ભાષા કે અન્યની ભાષા હોવાથી જ શું શરમાઈએ છીએ ? અંગ્રેજીમાં થતી ભુલો નીવારવાના બધા જ પ્રયત્નો કરવામાં આપણે ક્યારેય કચાશ દાખવતા નથી કે આળસ કરતાં નથી તે જ રીતે ગુજરાતીમાં આપણે કરીએ છીએ - કરવાનાં છીએ ?

ભાષાક્ષેત્રના માણસ ન હોય તેવા સૌ કોઈ પણ અંગ્રેજીભાષા માટે હંમેશાં જે દાનત / કાળજી રાખે છે તેવી આપણી માતૃભાષા માટે પણ રાખે છે ખરા - રાખવા ઈચ્છે છે ખરા ? 

આ બધા જ પ્રશ્નો આજના સપરમા દીવસે સૌની સમક્ષ મુકીને હું કોઈ ગીરીપ્રવચન આપવા માંગતો નથી !! કે નથી કોઈ છુપી હીલચાલ કરીને સૌને ભળતા માર્ગે લઈ જવા મથી રહ્યો !!! હું જે કાંઈ આપણી માતૃભાષા અંગે કહી રહ્યો છું તે આજે હયાત અને પ્રવર્તમાન જે ભાષા છે, તેની જે લીપી અને તેની જે ચાલુ જોડણી  છે તેને જ વશ વર્તીને કે એની જ વફાદારી રાખીને સૌને સંબોધી રહ્યો છું અને ઢંઢોળી રહ્યો છું…

ઘણાંને સવાલ થશે કે હું પ્રચલીત જોડણીને કોરાણે મુકીને, તો પછી, આ નવીને કેમ વશ વર્તી રહ્યો છું ?! સવાલ મહત્વનો હોવાથી એનોય ઉલ્લેખ કરીને જ આ સમગ્ર લેખમાળાને ન્યાય આપી શકીશ, તેથી જવાબ પણ અહીં જ આપી દઈશ.

ભાષાવીજ્ઞાનનો માણસ છું અને ભાષાકીય ઘણી હકીકતો જાણું છું તેથી (અને તે છતાંય)એની તરફેણમાં એકપણ દલીલ કર્યા વીના હું એટલું જ કહીશ કે ‘શુદ્ધભાષા’ના 100માંથી જોડણીના ભાગે આવતા 15-20 %ના ફક્ત ને ફક્ત 1/30 અંશમાં જ હું અલગ પડું છું !!! જોડણીના 15-20 %ને બાજુએ રાખીએ તો બાકીના બધા જ - 75-80 % - બાબતે તો હું આજના નેટ પર વ્યવહારો કરનારાં ઘણાઓ કરતાં  આગળ જ નહીં, ચુસ્ત પણ છું ! વળી જોડણીમાં પણ એક ઈ-ઉને બાદ કરતાં બાકીના બધા જ, (હા લગભગ બધા જ !)  જોડણીનીયમો (કે જે કુલ ભાષાશુદ્ધી માટેના નીયમોનો નાનકડો ભાગ છે !) પાળી બતાવું જ છું !! એટલે ભાષાની શુદ્ધીને લાગેવળગે છે ત્યાં સુધી આટલી ક્ષુલ્લક વાતને મહત્વ આપ્યા વીના આપણે સૌ આપણી ભાષાની લગભગ 90 % વાતે એકમત થઈને અંગ્રેજીને આપીએ એટલું જ મહત્વ આને આપીને કંઈક પ્રયત્નશીલ થઈએ.
============================================================
(શુદ્ધભાષા માટેની લાહ્ય લઈને લખવા મથતા મારા જેવા એક નાના ગુજરાતી કાર્યકરની હવે પછી હપ્તા વાર આવનારી ઘણી જ ઉપયોગી વાતોને સ્વીકારવા મથીશું ?)
.

Responses

મારે કશું જ આમાં કહેવા જેવું નથી.
મારી ભુલોમાંથી હું મહદ અંશે નવી જોડણીના કારણે મુક્ત થયો છું. તે માટે આભાર વ્યક્ત કરું?

ગઝલો વાંચવાવાળી પોસ્ટ પર બે દિવસથી કૉમેન્ટ કરી શકાતી નથી… કોઈ ખાસ કારણ?

આટલી મહેનત કરવા બદલ આભાર…

Leave a response

Your response:

Categories