Posted by: જુગલકીશોર | February 26, 2008

મારી પ્રથમ નવલીકા !!

ચાની લારીએ…
જુગલકીશોર=========================

‘આ પાંઉંના કેટલા પૈસા ?’ વહેલી સવારે રોડ ઉપરની ચાની લારી પાસે આવીને એક વૃદ્ધે લારીવાળને પુછ્યું.
‘આઠ રુપીયા.’ જવાબ મળ્યો.
‘આઠ રુપીયા ?’ જવાબી વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચીહ્ન ઉમેરીને વૃદ્ધ ઘરાકે વાક્યનો સંદર્ભ લારીવાળાથી ખસેડીને ઘરાક સાથે જોડી આપ્યો.
‘એ પાંઉં નથી; માખણ સાથે ખાવાનું બન છે.’ લારીવાળાએ ધંધો સ્પષ્ટ કર્યો.
‘આઠ રુપીયા !!’  વૃદ્ધે હવે વાક્યની પાછળ આશ્ચર્યચીહ્ન પણ ઉમેરીને ખીસ્સામાં રહેલા સીક્કાઓને મમળાવવાનું શરુ કર્યું…..મોંમાં એની જીભ પણ એ જ કાર્યમાં રત હતી. લેમન કલરની બનની ઢગલી જોઈને એની ભુખ પુરી જાગ્રત થઈ ચુકી હતી. પણ હાથનાં આંગળાંની આસપાસ ફરી રહેલા સીક્કાઓ એની ભુખને મારી નાખવા માટે તત્પર હતા…

આવી બન પહેલાંના વખતમાં મળતી નહોતી. પહેલાં તો પાંઉંનો ટુકડો મળતો. ચાના કપમાં દબાવીને ખાવાની લીજ્જત ઑર જ હતી. પણ પાંઉં પણ આવ્યા તે પહેલાં તો સાંજની રાખેલી ભાખરી ઉપર થીનું ઘી લગાડીને ચા સાથે લેવામાં આવતું…

બાળકો નાનાં હતાં. પોતાને વહેલાં જાગીને નોકરી માટે દોડાદોડ કરવાની રહેતી. પત્ની પ્રેમાળ હતી પણ એને વહેલાં જગાડીને તકલીફ આપવાનું ગમતું નહીં. પોતે જાતે જ પ્રાતઃકર્મો  પતાવીને ચા બનાવી લેતો. ફેક્ટરીમાં કન્સેશનલ ચાર્જમાં જમવાનું મળતું હોઈ કેન્ટીનમાં જમી લેવાનું બધી રીતે ફાયદાકારક હતું…ટીફીન બનાવવાની ઝંઝટ રહેતી નહીં;ટીફીનમાં શાકનો રસો ઢોળાવાની ચીંતા નહીં; દાળભાત જમવા મળતા હતા…અને સૌથી વીશેષ તો ફેક્ટરી તરફથી મળતું ભાણું બહુ સસ્તું પડતું હતું…

પરંતુ બપોરની રીસેસ વખતે જ એ મળતું હોઈ સવારે નાસ્તો કરવો બહુ જરુરી હતું. ત્યારથી વહેલાં ચા સાથે નાસ્તો કરવાની આદત પડવી શરુ થઈ ગઈ હતી.

નોકરીના હોદ્દામાં અને પગારમાં વધારો થતો ગયો તેમ તેમ સવારના નાસ્તાની વાનગીઓમાં પણ વીવીધતા આવતી ગઈ હતી.પત્નીને વહેલાં જાગવું ન પડે એ કારણસર રાતે સુતાં પહેલાં જ નાસ્તાની વ્યવસ્થા કરી લેતાં.નોકરીએ હાજર થવાની ઉતાવળમાં ચાની સાથે લેવામાં આવતી જુદીજુદી વાનગીઓનોય જમાનો હતો ! એને આરોગવામાં ઉતાવળ થતી એટલું જ, બાકી એ નાસ્તાની લીજ્જત દાઢમાં ભરાઈ રહેતી - છે..ક કેન્ટીનના ભોજન સુધી…!

પછી તો સવારનો નાસ્તો એક આદત બની રહ્યો. નાસ્તાના સ્વાદનું દાઢમાં ભરાઈ રહેવું એ જીવનભરનું ભરાઈ રહેવું બની ગયું હતું. સવાર પડી નથી ને જીભથી લાળનાં પાણી ટપકવાં લાગ્યાં નથી. સવારનો નાસ્તો બપોરની કેન્ટીનથાળીથી જ નહીં, સાંજના સૌની સાથે થતા વાળુ કરતાંય મીઠો લાગતો…સાચ્ચે જ ચાની સાથેનો સવારનો નાસ્તો એક વ્યસન બની ચુક્યો હતો..

પછી તો  છોકરાંઓની જેમ જ ખર્ચાય મોટા થતા ગયા. પગારનો વધારો એ ખર્ચાઓના વધારા સાથે હરીફાઈ કરતો ગયો. પરંતુ છોકરાંઓની ઉંમર, એમના નવા નવા શોખ, પ્રેમાળ પત્નીના લાડકોડથી છલકતો માતૃપ્રેમ વગેરે મળીને પગાર વધારાને છેક જ હરાવી દેતા થયા.

પછી તો કુલ માસીક પગારે હાર સ્વીકારી લીધી હતી……….

પ્રેમાળ પત્નીત્વ પણ લાડકોડથી છલકતા માતૃપ્રેમ પાસે હારતું ગયું. છોકરાંઓના નાસ્તા માટે વહેલાં જાગી ઉઠતું માતૃત્વ આધુનીક વાનગીઓ જેમ જેમ શીખીને બનાવતું ગયું તેમ તેમ પોતાના સવારના ચાની સાથેના નાસ્તાની આઈટેમો ઘટતી ગઈ. પગાર અને ખર્ચાઓ વચ્ચેની લડાઈ તો હતી જ - હવે તો લાડકોડથી છલકાતા માતૃત્વ અને પ્રેમાળ પત્નીત્વ વચ્ચેય ચકમક શરુ થઈ ચુકી હતી. પરીણામે જાતે ચા બનાવીને નાસ્તા સાથે પીવાનો ક્રમ ધીમે ધીમે બદલતો થયો.નાસ્તાની વાનગીઓમાં ઘટાડાનું પ્રમાણ એટલી હદે થયું કે એકલી ચા જ રહી; જીભેથી ઝરતી લાળને ગળા નીચે ઉતરવામાં ચા કંપની આપતી.

કેન્ટીનનું ભાણુંય પછી તો ઓછૂં પડતું હોય તેવો વહેમ શરુ થયો. પણ વધતી ઉંમરમાં પેટ જરા ઉણું રહે એ આરોગ્ય માટે સારું એવું ક્યાંક વાંચેલું કામમાં આવ્યું. કેન્ટીનની થાળીમાં જગ્યા વધુ જણાતી અને અદૃષ્ય કાલ્પનીક વાનગીઓ ત્યાં આવી આવીને બેસી જતી.

દીકરી પરણીને સાસરે ગઈ. ( કેવો સરસ જમણવાર આપ્યો હતો, અમે !) પુત્ર પણ પરણ્યો.(વેવાઈએ બત્રીસ પકવાન જમાડ્યાં હતાં. ડાયાબીટીસનીય બીક વગર એકબીજાને મોંમાં બટકાં આપ્યાં હતાં…)

ને છેવટે એ દીવસ પણ આવી પહોંચ્યો - નીવૃત્તીનો !

બચતની વાત તો સ્વપ્નનો જ વીષય હતો. વધેલી રકમ તો ચવાણું જ જોઈ લ્યો. વહેવાર-પ્રસંગોમાં એ પણ ચવાઈ ગઈ હતી. પુત્રને ઘેર રહેવા આવ્યાંનેય ખાસ્સો સમય થઈ ગયો. લાડકોડભર્યો માતૃપ્રેમ પણ દીવાલે ફોટામાં ચીટકી ગયો હતો. ફોટાને પહેરાવાયેલા હારનું ક્વચીત્ ઝુલવું ઘણુબધું ઝુલાવી મુકતું…..

આજે વહેલી સવારે રહેવાયું નહીં. લાળ ઘણા સમય પછી ઓચીતી જ ટપકવા લાગી હશે, શી ખબર; પણ ચાને હજી વાર હતી. પુત્રવધુને મોડા ઉઠવાની ટેવ અને પુત્રને જમીને જ નોકરીએ જવાનું હોઈ કોઈ ઉતાવળ ન હોય. ધીમે રહીને લાઈટ કરીને જોયું તો ટેબલ ઉપર થોડું પરચુરણ પડ્યું હતું. ગણવાની જરુર ન હતી. ચાની લારી પાસે ક્યારે  પગ ખેંચી ગયા તેય સમજાયું નહીં.ઉકળતી ચાની સોડમ અને નીચે કાચવાળા ખાનામાં પડેલાં લેમનરંગી બન પક્ષીની આંખ જેમ ચોખ્ખાં દેખાતાં હતાં - અર્જુનને દેખાતાં હતાં તેમ જ.એ બનને વીંધી નાખવાને જ હશે ને -
એણે લારીવાળા સામે લાળમાં ભીંજવીને તીર છોડ્યું હતું –

” આ પાંઉંના કેટલા પૈસા ?”

એણે આઠ રુપીયા કહ્યા પછી ખીસ્સામાંનું પરચુરણ આજેય હારી ગયું. પણ લારીવાળો સારો હતો. એણે ઝીણી આંખ કરીને ફરી કહ્યું,

“કોરા બનના ફક્ત ત્રણ રુપીયા થશે.”

“એક કટીંગ ચા અને એક બટર વગરનું બન આપી દે ભાઈ !” ઘેર પહોંચવામાં વાર થવાની બીક છતાં ઓર્ડર મુકીને એ રાહ જોતો બેઠો. 

                        —====000====—

Responses

નમસ્કાર!
આનું નામ ઘડાયેલી અને નિવડેલી કલમ!
જે તે સમયની વાતને સાંપ્રતની સાથે સુંદરરીતે વણી શકાઈ છે.-ગમ્યું

વૃદ્ધત્વ, ગરીબી, લાચારી અને ભુખને અસરકારકતાથી ઉજાગર કરી છે. આ પ્રકારનું સાહીત્ય ખેડાણ ચાલુ રાખજો. શૈલી ગમી ગઈ.

“કોરા બનના ફક્ત ત્રણ રુપીયા થશે.”

જોરદાર ચોટ આવી છેલ્લે. ખૂબ સરસ ટૂંકીવાર્તા (સોરી, નવલિકા) થઈ છે.

એક કટીંગ ચા અને એક બટર વગરનું બન આપી દે ભાઈ !”
——————————

એ કટીંગ ચામાંથી એક રકાબી અને એ પાઉ બનનું અડધું ફડીયું - જ્યારે હું ત્યાં આવું ત્યારે- આપી દેજો ભાઈ!!!
અમદાવાદી કટીંગ ચાનો શબ્દપ્રયોગ બહુ જ ગમ્યો.

મઝો રહ્યો કાકા. ગમી…

સુંદર વાત જુ.કાકા… નિવૃત્તિકાળ એ ખરેખર અઘરો સમય હોય છે… ભાવવાહી નિરૂપણ…

saras jukaka

khub saras ju. kaka.. bhav-vahi..

Leave a response

Your response:

Categories