Posted by: જુગલકીશોર | January 19, 2008

ફળા’ર અને ફરાળ વચ્ચે અટવાતું પુણ્ય !

ઉપવાસ.

-જુગલકીશોર. ===========================================================

ઉપવાસ કરનારાંઓ જમતાં નથી. તેઓ ફરાળ કરે છે. જેનાથી ઉપવાસનો ભંગ ન થાય તેવી વાનગીઓની ગણતરી ફરાળમાં થાય છે જેને માટેનાં વ્યંજનોની એક ખાસ યાદી પણ હોય છે. આ યાદી વધતી જ રહે અને ઉપવાસીઓની સુવીધાઓ માટે આ બધી વાનગીઓમાં વીવીધતા આવતી રહે તે માટે ફરાળી વાનગી બનાવવાની હરીફાઈઓ યોજાતી હોય છે. સામયીકોમાં આવી હરીફાઈઓની જાહેરાતો પણ છપાતી રહેતી હોઈ એમાં ભાગ લેનારાંઓ ભવીષ્યનાં ઉપવાસીઓના લાભાર્થે પુણ્ય પણ કમાતાં રહે છે.  હવે તો આવી વાનગીઓનાં પુસ્તકો પણ પ્રગટ કરવામાં આવી રહ્યાં હોઈ ઉપવાસીઓનું પુણ્ય વધતું જ રહેવાનું… 

ઉપવાસને દીવસે આ સૌ પુણ્યશાળીઓની પવીત્ર થાળીમાં ભાતભાતની [ વાચકોએ અહીં 'જાતજાતની' એમ વાંચવું કારણ કે ભાત શબ્દ ફરાળી નથી ]  સ્વાદીષ્ટ અને મીષ્ટ વાનગીઓ ઉપલબ્ધ બની છે તેનાં કારણોમાં આ  હરીફાઈઓ અને છપાતાં સાહીત્યનો ફાળો પણ મહત્તમ છે.   હોટેલોમાં પણ આ ફરાળી દીવસો-તહેવારોમાં ફરાળી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. દુનીયાનો જઠરાગ્ની શાંત કરવામાં બહુ મોટો હીસ્સો જેમનો છે તેવી આ બધી હોટેલો ઉપવાસી દીવસોમાં પુણ્ય કમાઈ લેવાની સોનેરી તક શા માટે ગુમાવે ભલા ? તેઓ પણ આકર્ષક જાહેરાતો છપાવીને ઉપવાસીઓના મોંએથી પવીત્ર લાળ ટપકાવીને પછી એકબાજુ તેઓના પેટ વીષે અનેકવીધ વાનગીઓ [ફરાળી સ્તો] પધરાવડાવીને ગ્રાહકોને સંતોષ-ધન પુરું પાડવાનો અને પોતાને માટે ધન-સંતોષ મેળવી લેવાનો ધન્ય અવસર પ્રામાણીકતા પુર્વક ઉભો કરીને બેસી જાય છે! 

ઉપવાસને દીવસે જે આરોગવામાં આવે તેને ‘જમવું’ ક્રીયાપદથી ઓળખાવાતું નથી. ઉપવાસને દીવસે ‘ખવાય’ કે જમાય નહીં. એનાથી ઉપવાસ ‘ભાંગી’ જાય છે ! [ અને આવનારું પુણ્ય પણ દુરદુર ભાગી જાય છે ] જમવું કે ખાવું જેવા શબ્દોથી ઓળખાતું કશુંય તે દીવસે પેટમાં પધરાવી શકાય નહીં, તેથી તેને માટે વીશેષ શબ્દપ્રયોગ યોજાયો છે : ‘ફરાળ કરવું’ !  

હવે વાત જાણે એમ છે કે ગુજરાતીઓ, ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામીણ ગુજરાતીઓ શબ્દોને ઘણીવાર મારીમચકોડીને વાપરતા હોય છે ! ‘વરસાદ’ને તેઓ ‘વહરાદ’ કહે છે. લાંબે ગાળે ભાષામાં આવા ફેરફાર થતા રહે છે. [ સૌરાષ્ટ્રમાં આ જ શબ્દ ફારફેર બોલાય છે જે ઘણાં જાણતાં હશે. ]  મુળ સંસ્કૃતમાંથી અવતરેલા શબ્દો-શબ્દપ્રયોગો ધીમે ધીમે રુપ બદલતા રહે છે જેને અપભ્રંશ કહેવાય છે.  નર્મદા નદીમાં તણાતાં તણાતાં પથ્થરો ઘસાતાં જાય છે અને ગોળાકાર ધારણ કરીને છેવટે “કંકરમાંથી શંકર” બની જાય છે. શીવલીંગ રુપે પછી તો તેઓ પુજાય પણ ખરા ને દુધે નહાય પણ ખરા !  

આમ જ  મુળ સંસ્કૃતમાંથી ઘસાતાં ઘસાતાં કેટલાક શબ્દો એવું સ્વરુપ લઈ લેતા હોય છે કે એનું મુળ [નદીના મુળ કે ઋષીઓના કુળની માફક] શોધવું દુષ્કર બની રહે છે.  આવો એક શબ્દ છે ‘ફરાળ’ !  સૌરાષ્ટ્રીઅનોએ  જગતને આપેલો અને પવીત્ર ઉપવાસની ટર્મીનોલોજી સાથે ધર્મના બંધને બંધાયેલો આ શબ્દ ‘ફરાળ’ જાણીતો અને ઉપવાસીઓનો બહુ માનીતો બની રહ્યો જણાય છે.  ચાલતાં શીખી રહેલું બાળક બોલતાં પણ શીખી રહ્યું હોય ત્યારે ભુલથી જેમ ઓશીકું ને ઓકીશું કહી નાખે છે તેમ ફળાહારમાંથી જન્મેલા આ ફળા’ર શબ્દનું ફરાળ કરી મુકનારા ગુજરાતીઓને શું કહેવું ?  આવા ફારફેર, ભુલ્યો ફેરફાર કરવા પાછળનું લોજીક જે કાંઈ સમજાય છે તેને આપણે આ રીતે મુકી શકીએ :  

ફળાહારની જ છુટ ઉપવાસીઓને માટે હતી પરંતુ ફળોની યાદી બહુ લાંબી થઈ શકતી નથી હોતી. વળી અમુક ઋતુમાં બધાં ફળો મળે પણ નહીં. તેથી ઉપવાસને દીવસે પેટ વીષે પધરાવી શકાય તેવાં વ્યંજનોમાં ફળોની લીટીને જ નાની કરી દઈને એમાં બીજી અગણીત ચીજોને ઉમેરી દેવાની ચતુરાઈ તો આમાં નહીં હોય ? ફળાહાર ને બદલે ફરાળ કરી દઈને ફળોને એકબાજુ હડસેલી દેવાનો અને પાછલે બારણે બીજી અનેકાનેક ચીજોને પ્રવેશ અપાવી દેવાનો પેંતરો પણ આમાં હોય તો નવાઈ નહીં. 

 ઉપવાસના દીવસે આમ તો [ શક્ય હોય તો ગરમ ] પાણી અને દુધ સીવાય કશું ન લેવાય / લેવું જોઈએ. આરોગ્યની દૃષ્ટીએ પણ એ જ યોગ્ય છે. જીભ અને હોજરીથી લઈને છેક આંતરડાં સુધીનાં તમામ અવયવોને વાર-તહેવારે આમ આરામ આપીને આરોગ્ય જાળવવાની અદ્ભુત ચાવી આપણને બતાવાઈ છે. પરંતુ ભુલથી કે જાણીજોઈને આવી બધી ચાવીઓને ખોઈ નાખવાનું આપણને ફાવી-ભાવી-સદી ગયું છે. [ એમ તો ખુદ ભગવાનેય ઘણાંને દીવસમાં એક વાર ખાવું ને ત્રણ વાર ના'વું એવો આદેશ આપ્યો જ હતો ને ! ભીક્ષાવૃત્તી ઉપર રહેતા જીવો માટે આમેયતે આ આદેશ બહુ વ્યવહારુ પણ હતો જ ! દીવસમાં એકથી વધુ વાર ભીક્ષા કાંઈ મળે નહીં.  એટલે એક જ વાર ખાવાની વાત અને સમય પસાર કરવા માટે ત્રણ વાર નહાવાની વાત શું ખોટી હતી ?!  કર્મકાંડીઓએ આમેય ત્રણ વાર નહાઈને તમાકુસુવાસીત મુખના પ્રક્ષાલનનો વીધી પણ પુરો કરી શકાતો હતો !  

પરંતુ ભગવાનનોય આદેશ સાંભળ્યો ન સાંભળ્યો કરીને "ત્રણ વાર ખાવું અને એક વાર નહાવું "  એવું અર્થઘટન કરી લેનારાં આ સૌ જીવો  શા માટે પાછાં પડે ?  આવું થયું જ હશે, આ વાત ની નક્કર સાબીતી તો એમના વીશાળ ઉદરપ્રદેશથી જ મળી રહે છે.

આટલે સુધી તો બરાબર પણ ઉપવાસ કરનારાં પવીત્ર જીવોને માટે પાણી અને દુધ જેવી પદ્ય ચીજો સાથે કશુંક ઘન તત્ત્વ પણ ગદ્યરુપ આપવામાં આવે તો પવીત્ર પેટનો ખાલીપો પુરી શકાય તે માટે પછી તો ફળોને ખાવાનીય - માફ કરશો - આરોગવાની છુટ મળી ગઈ હશે.  

પરંતુ આગળ જતાં કેટલાક ક્રાંતીકારી ભક્ત-ઉપવાસી 'અકરાંતીયા'ઓએ [મુળ શબ્દ 'અ-ક્રાંતીકારી' હશે ?]  પેટને ભરચક રાખવા સારુ ફળો યાદ જ ન આવે એ માટે ફળા’ર નું ફરાળ કરી નાખ્યું હશે, જોજો !

એટલે પછી ઉપવાસીઓ  ફરાળ કરવા બેસે ત્યારે ફળ સીવાયના અનેકરંગી, અનેક સ્વાદોભર્યાં વ્યંજનો ભક્તીભાવથી છલકાતી થાળીમાં લઈને ઉદર કહેતાં પેટ વીષે પધરાવતાં જોવા મળે છે. છેવટે ઉપવાસના દીવસોમાં ચાલુ દીવસો કરતાંય વધુ પરીશ્રમ પેટના અવયવોને આપવામાંઆવે છે. આ પણ એક પ્રકારનું ‘તપ’ જ ગણાતું હશે ને ?  આવા તપને કારણે પછી વીજ્ઞાન કહે છે તે મુજબ ફરાળ પ્રવૃત્તી બાદ લોહીનું પરીભ્રમણ ઉદરપ્રતી અધીક બની રહેવાના કારણે જ હશે, મસ્તીષ્કપ્રતી શુન્યાવકાશ થવાની શક્યતાઓ વધી પડે છે !!  મનને ખાલી કરવાની વાત અધ્યાત્મવાદીઓએ કરી જ છે ને ! તો પછી એનાં નાનકડાં રીહર્સલો રોજે રોજ થતાં રહે તો ખોટુંય શું છે એમાં ?!  મસ્તીષ્ક તરફનો લોહીનો પ્રવાહ ઉદરપ્રતી થતો રહે ને મસ્તીષ્ક આ સમયગાળામાં આરામ જેવું કશું ક અનુભવતું રહે તો સમાધી જેવું કશુંક પ્રાપ્ત થઈ રહ્યાનો ભ્રમ પણ આપોઆપ વાગોળાતો રહે એમ બને ! સમાધીપણાની આ સ્થીતી બ્રહ્મભાવની પ્રાપ્તી માટે જો આશીર્વાદરુપ હોય તો આ ભ્રમ પણ ઉપવાસીઓને સેવાતો રહે એય શક્ય છે.  

 ઉપવાસ આપણી ધાર્મીકતાનું એક અવીનાભાવી અંગ હોઈ એને સમજવાના આ નમ્ર પ્રયત્નને પણ ફરાળમાં ગણી લેવા વીનંતી છે.

                              —===000===—
 

Responses

જુ. કાકા, ઉપવાસ તો માત્ર પાણીથી જ કરવો જોઇએ.

Leave a response

Your response:

Categories