દામનગર (અમરેલી)માં રહેતા મારા એક ગઢવી સ્નેહીએ એક દીવસ મને લખ્યું કે,
” મારી અને મારી કંપનીના સદસ્યો(વૃદ્ધો)ની સ્થીતી લગભગ નીચે પ્રમાણે છે –
અજાણ્યો ને અકિંચન છું;
વૃદ્ધત્ત્વે ઘેરાયો છું;
છુટ્યો છે સાથ ચક્ષુનો,
કર્ણોથી કંટાળ્યો છું;
છુટ્યું શરીર-સમતોલન
પરવશતાથી પિડાણો છું;
છતાં જીવન નથી ખૂટ્યું !
અધિક એથી મુંઝાણો છું. “
આ કાવ્યનો જવાબ એ બધાંને સાગમટે પાઠવવા મેં મોકલેલી રચના જુના સંગ્રહમાંથી મળી આવતાં આજે રજુ કરું છું:
================================
મુંઝારો વળી શેનો ?!
–જુગલકીશોર.
વાર્ધક્યનો હોય નહીં મુંઝારો,
વૃદ્ધત્ત્વ તો આશીષ ઈશની ગણો.
આ ઈશ્વરી વીશ્વને માણવાની
સુદીર્ઘ દીધી તક આપ સૌને !
છુટે નહીં સાથ કદીય ચક્ષુનો;
બીડાય જો બાહ્ય, તુરંત ઉઘડે
આ ભીતરે આંતરચક્ષુ દીવ્ય,જે
દેખાડતાં વીશ્વ અનંત સામટાં !
ને કર્ણનો નાદ શી રીત છુટે ?
ઘોંઘાટ આ બંધ થતાં જ, સાંભળો
અણુ અણુ નાદ સદા ‘અનાહત’ !
સંતુલનો જે ડગતાં શરીરી,
એની વ્યથા હોય શી આ વયે? છે
વીતાવ્યું જો જીવન ત્રાજવાં સમુ-
વાર્ધક્ય-કર્મ-સ્ખલનો ખરી જશે !
આ વીશ્વયે શું વશ ઈશને હશે ?
ક્યારેક લાગે કમઠાણ રેખું !
શરીર તો શેં વશ હોય આપણું ?
‘પેલો’ જતાં બાપડું થાય લાકડું !
શરીર તો હોય જ ‘સ્થુળ’,'સુક્ષ્મ’વા,
‘થવા કદી ‘કારણરુપ’ હોય છો –
ચલાવશે ત્યાં લગ ચાલવાનું;
‘એ’ આવતાં દીવ્ય પ્રકાશવાનું !!
તા.12-12-’99.


