મરણપથારીએ
હાડપીંજરમાં શ્વસે છે જીંદગી;
નસનસોમાં શી લસે છે જીંદગી!
આટલાં વરસોનાં જે સંભારણાં;
સાથમાં લઈને ખસે છે જીંદગી.
દર્દને લાગુ પડે એવી દવા શી?!
દર્દને ખુદને ડસે છે જીંદગી !
આજુબાજુ વીંટળાઈ જે ઉભાં
લાગણી સૌની કસે છે જીંદગી.
ગામ,ફળીયું,ડેલી, ને આ ઓરડે
બાકી સંબંધો ઘસે છે જીંદગી.
સૌના વ્યવહારો કર્યા,ને સાચવ્યા;
ખુદનો આ છેલ્લો રચે છે જીંદગી !
જીંદગી વીતી ભલે ધીમે ધીમે;
મોતને રસ્તે ધસે છે જીંદગી !
===000===
હે મરણ !
હે મરણ !
જીંદગીને એક બસ તારું શરણ………હે મરણ.
જન્મ લીધો ત્યારથી એક જ દીશામાં
આજીવન દોડ્યાં કર્યું જીજીવીષામાં;
આખરે તારી કને રુક્યાં ચરણ !!……હે મરણ.
સુર્ય ઉગ્યો આથમે એ તો નકી,
આથમ્યાને ઉગવાની પણ વકી;
બે અંતીમોને સાંધનારું તું કરણ……..હે મરણ.
ખેતરો ખેડ્યાં, મબલક પાક લીધો;
‘ત્રણે ઋતુ’* નો મજાનો લાભ લીધો;
ખળાં ટાણે હાથ ના’વ્યો એક કણ !…હે મરણ.
અંતહીન મુસાફરી ચાલ્યાં કરે,
સ્ટેશને કોઈ ચડે, કો’ ઉતરે;
અધવચાળે રોકી દે તું એક ક્ષણ…….હે મરણ.
ક્યાં હશે ગંગોત્રી જીવનની,અહો !
કયા સાગરમાં જઈ ઠરશે, કહો-
ક્યાં સુધી વહેતું રહેશે આ ઝરણ?!….હે મરણ.
કેટલાં વીત્યાં, વીતશે કેટલાં ?
આયખાં તો પાર ના’વે એટલાં!
ગણતરીને નડે તારું આવરણ !!……..હે મરણ.
———————————
* ત્રણ અવસ્થાઓ


