–જુગલકીશોર.
[ એક સાથે હીન્દુ-જૈન-મુસલમાન સૌના તહેવારો આ દીવસોમાં રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે આટલી એક વાત મુકવા સહેજે મન થાય છે ]
ટી.વી. રીપેરર શેખ હોય કે મહેંદી મુકતી રુખસાના; કે પછી સામાજીક કાર્ય કરતી હસીનાબહેન; મુસલમાન હોવાને કારણે ક્યારેય જુદાં કે દુરનાં નથી લાગ્યાં. આરીફભાઈ જેવો સુકલકડી ઈન્સાન, હીન્દુ-મુસ્લીમ એકતા માટે અને ગરીબ બહેનોને રોજી કમાવી આપવાની ધખનામાં મરી પડનારો જણ, ક્યાંય જોયો નથી. આપણું જ કોઈ અંગ હોય, આપણા જ કુટુંબનો એક હીસ્સો હોય એવાં આ લોકો ક્યારેય પારકાં લાગ્યાં નથી.
છતાં જ્યારે જ્યારે હુલ્લડો ફાટી નીકળે છે ત્યારે કોણ જાણે ક્યાંથી ન સમજાય તેવી એક જાતની જુદાઈની લ્હેરખી ફરકી જાય છે ! “આપણાંવાળાંઓને જ હંમેશાં અન્યાય થતો આવ્યો છે.” એવું જુદાઈનું ચીલાચાલુ ગાણું ક્યારેય મનને આકર્ષી શક્યું નથી. અન્યાય તો કોણે કોને કર્યો છે એની સાચી જાણકારી ( અને બની શકે તો સાબીતી પણ )કોણ લાવી આપશે ? શી રીતે લાવી શકશે ? રાહત છાવણીઓમાં જે ઉભરાઈ ને છલકતું રહે છે ( ને પછી તો વહેતું જ રહે છે ) એ તત્ત્વ નફરતનું નહીં પણ કરુણાનું હોવું ઘટે છે. બંને છાવણીએ એ એક સરખી જ કક્ષાનું અને ઢબનું હોય છે, નફરતનું !
હીન્દુ છોકરીઓની હથેળીઓમાં મહેંદી મુકતી નાનકડી રુખસાનાની આંખોમાં હીન્દુનો ह અને મુસલમાનનો म ભેળાંભેળાં જ રહે છે. એ हमમાં ‘તુમ’ કોઈ અલગ ચીજ નથી હોતી. શેખ જેને રીપેર કરી આપતો તે ટી.વી.ની સરકીટમાં હીન્દુ મુસલમાનની ટ્યુન અલગ સુરથી નથી વાગતી. ટ્યુનીંગ નથી હોતું ત્યારે બેસુરા સુર અને પાર વીનાનો ઘોંઘાટ નીકળ્યા કરે છે; પણ શેખ પોતાનાં નાજુક ઉપકરણોથી અસ્તવ્યસ્ત થઈ ગયેલી સરકીટને સ્વસ્થ કરી આપીને એટલે કે “ગોઠવી આપીને” સુરાવલીઓને મધુરી બનાવી આપે છે. હસીનાબહેન અંગત જીવનની પોતાની તકલીફોને કોરાણે મુકીને બહેનોને અનેક જાતના હુન્નરો શીખવે છે ને એમ કેટલાંય ગરીબ કુટુંબોની દુવા મેળવતાં રહે છે. અને આરીફભાઈ તો વળી ચારે બાજુ દોડાદોડી કરી મુકતા અનેક ઓફીસોનાં પગથીયાં ને પોતાનાં જુતાં ઘસી નાખે છે, પોતાની આજુબાજુનાંઓને રોજી-રોટી અપાવી દેવાની લ્હાયમાં અને બની શકે તો હુલ્લડો ક્યારેય દેખા ન દે એવી કાયમી સમજણ ફેલાવવાની ધખનામાં…..
ને છતાંય તોફાનો તો થતાં જ રહે છે. કરોળીયાએ પોતાના નાજુક શરીરમાંથી તાંતણો-તાંતણો ખેંચીને ગુંથેલું એકતાનું ઝાળું કોઈની એક જ ઝાપટે વીંખાઈ-પીંખાઈ જાય છે. નર્યા નક્કર પથ્થરોનો લાગતો હતો તે મહેલ ગંજીફાનાં પાનાંની જેમ પવનની એક જ થપાટે ધરાશાયી થઈ જાય છે. બધ્ધું જ તહસ નહસ થઈ જાય છે –
ધરતીકંપો થતા રહે છે. નદીઓનાં પુર અને વાવાઝોડાંય આવતાં જ રહે છે. એય કાંઈ ઓછો વીનાશ વેરતાં નથી.સર્વનાશને આરે લાવી મુકનારી એ કુદરતી હોનારતોય જીવનની ભીનાશને શીર્ણ-વીશીર્ણ કરી મુકનારી બની રહે છે.
છતાં એમાં તો એક વાતનું સમાધાન હોય છે કે એમાં કોઈ વીલન નથી હોતું. સર્વનાશના સપાટામાં ગરીબ-અમીર; ઉચ્ચ-નીચ સૌ કોઈ આવી જાય છે. ત્યાં કોઈ ભેદભાવભરી નીતી કે રીવાજો હોતાં નથી.
પરંતુ હુલ્લડો તો હૈયાને વલોવી નાખનારાં,ચીરી નાખનારાં ને સમાજની લીલીછમ્મ કુંજોને ઉજાડી મુકનારાં બની રહે છે. એકે એકની અંદર છુપો વીલન જાગી જાય છે. હુલ્લડ પ્રેરનારા મહાવીલનની છાયામાં પછી તો ગલીએ ગલીએ ને હૈયે હૈયે નાના મોટા વીલનો ઉપસી આવે છે. દંગલોનું નામ પડતાં જ પોતાનાં હતાં તેય મનને કોઈ ખુણે લપાઈ જાય છે. તોફાનો દરમીયાન તેમના માટેનો સ્નેહભાવ સુષુપ્ત પડી રહે છે, જે તોફાનો બાદ વધુ ઘનીષ્ટતાથી નીખરી રહે છે.
તો પછી તોફાનો દ્વારા અને દરમીયાન જે ઉભરાઈ આવ્યું તે શું હતું ?
સદીઓથી વારસામાં મળેલું જાતીવાદનું વીષ ? આત્માની એકતા અંગેની ઝાંખી ઝાંખી એવી શ્રદ્ધાનોય લોપ ? કે પછી ઓચીંતી, તત્કાલ ચડી આવતી ધ્રુજારી માત્ર ?
બધું જ ભુલાવી દેનારી વેદનાગ્રસ્ત પરીસ્થીતી માટે તટસ્થ ભાવ કેળવાતો નથી ( ને ઉભો થાય છે તો ટકતો નથી) એ જ બતાવી આપે છે કે એકતાની વાત તો કેવળ વંચના જ હતી !! કસાઈના હાથે વધેરાઈ જતા પશુની માફક જ તોફાનોમાં એકતા વધેરાઈ જાય છે.
એને, એકતાને, વધેરાઈ જતી અટકાવવા માટેનું નવું, હવે પછીનું તોફાન એકેએક હૈયામાં પ્રગટી રહે, કે પછી સુગ્રથીત સમાજના પ્રતીક સમી રંગોળીઓ આપણી હથેળીઓમાં નીખરી રહે એવી શ્રદ્ધાનો દીવડો પેટાવવાનો સમય તો ક્યારનો થઈ ગયો છે.
હસીનાની સાથે કોઈ હંસા આવી મળે; સામાજીક ટ્યુનીંગ કરવા માટે શેખની સાથે કોઈ શાહ જોડાઈ જાય તો એકતાને સાચવી-બચાવી લેવાનું અશક્ય તો નથી જ.
રાઈનો દાણો :
સારા બનવા માટે શું કરવું જોઈએ ? વાચન ? સારી સોબત ? સત્સંગ ? ગુરુની ખોજ ? ભક્તી ?
ના જી; એ માટે ફક્ત અફર નીર્ણય જ જરુરી છે.


