[ સૉયે કંડાર્યાં શીલ્પો : 7. ] –જુગલકીશોર.
કશુંક અગત્યનું ખોવાઈ જાય છે ત્યારે એની કીંમત પણ વીશેષ રીતે સમજાય છે. મન પણ તેથી જ સતત ચચર્યા કરે છે. ચીત્ત વળી વળીને ત્યાં જ આવીને અટકી જાય છે; દાંતમાં કશુંક ભરાઈ જાય ત્યારે જીભ હજાર કામ પડતાં મુકીને ત્યાં જ સ્પર્શ કરતી રહે છે જાણે.
એમાંય જ્યારે વસ્તુ હાથ લાગવાની શક્યતા નહીંવત્ હોય છે ત્યારે આશા-અપેક્ષાઓની આજુબાજુ વેદના આંટાફેરા કરતી જ રહે છે.
એના કરતાં તો ચોરાઈ ગયેલી ચીજમાં એક નીરાંત હોય છે; ગમે તેટલી કીમતી હોય પણ પાછી નથી જ આવવાનીવાળી ખાત્રીને કારણે મન વળી વળીને ખોતરતું નથી. ચોરાયેલી ચીજ ઘણી વાર ભલે પરાણે તો પરાણે પણ એ ચીજ ઉપરનો તત્કાલ વૈરાગ્ય શોધી આપે છે, જેને જન્માંતરોથી આપણે શોધતાં રહ્યાં છીએ !
જીવનભર જે પ્રાપ્ત કર્યું એ સઘળુંય એક દીવસ તો સાવ છોડી દેવું પડશે જ એ પરમ સત્યના સાક્ષાત્કારની પ્રસ્તાવના ખોવાયેલી કે ચોરાયેલી ચીજો કરાવતી રહે છે.
આપણું ખુદનું જ ખોવાઈ જવું કે ઓચીંતાંનું જ એક દીવસ ઉપડી જવું પાછળ રહેનારાંને ખોતરતું રહે જીવનભર, તો એની ચીંતા પાછળ રહેનારાંના ભાગે…..
ખોવાઈ જનાર ખુદ તો પેલી ખોવાઈ જતી ‘ચીજ’ની જેમ ‘અલીપ્ત’ જ હશે/રહેશે ને ???


