–જુગલકીશોર.
1965. સણોસરા લોકભારતીના છેલ્લા વરસમાં દોઢ માસ માટે કેન્દ્રનીવાસ નીમીત્તે અમદાવાદ સહકારી સંઘની ઓફીસે ગાંધીરોડ અભ્યાસ માટે બાપુનગરથી આવવાનું થતું. બાપુનગરથી કાળુપુર અને ત્યાંથી ગાંધીરોડના ફુવારા બસ સ્ટોપ પર ઉતરીને એ જમાનાના કદાચ એકમાત્ર સાત માળી મકાનના છટ્ઠા માળે નીયમીત જવાનું થતું.
બાપુ.થી કાળુપુરની બસ ટીકીટ 15 પૈસા અને ત્યાંથી ગંતવ્યસ્થાનના 15 પૈસા બીજા. દરરોજના 60 પૈસાનો ખર્ચ આંખે પાણી લાવી દેતો. સાંજે ઘેર આવીને એનોય થાક ઉમેરાતો.
આ બધામાં કાળુપુરના સ્ટેન્ડ પાસે કીશોરની લસ્સીની દુકાન મનને સખત લોભાવે. 30 પૈસાનો લસ્સીનો ગ્લાસ એ સમયે લક્ઝરી હતી. ખીસ્સું એ વખતે સીક્કા સીવાય એકાદ રુપીયાની નોટ માંડ ભાળતું. કીશોરની લસ્સી માટે છેવટ એક રસ્તો મળી ગયેલો. એક વારનું અરધું અંતર ચાલી નાખવાથી અઢી દીવસે સહેજે 30 પૈસા મળી/રળી રહેતા. આ રકમ લસ્સી માટેની લોટરી જેવી હતી….
એ લસ્સી અમૃત પછી બીજે નંબરે આવતી. અમૃત દુનીયાનું સૌથી મીઠું પીણું ગણાય. એ ક્યારેય પીધું નથી, એટલે કષ્ટથી બચાવેલા 30 પૈસાની લસ્સીથી પણ મીઠું અમૃત હશે એમ માનવા મન થતું નહીં. ગુલાબી રંગ નાખીને બનાવેલી લસ્સીના ગ્લાસમાં ઉપરના ભાગે કહેવાતું મલાઈનું જાડું પડ તરતું તે આકર્ષણનો વીષય બની રહેતું. એને લસ્સીમાં શક્ય એટલું ઓગાળીને ચમચીથી મલાઈના ટુકડા સાથે ખાવામાં સ્વર્ગીય આનંદ આવતો. ગ્લાસ મોંઢે માંડવાથી જલદી ખલાસ થઈ જવાની બીકે ચમચી જ્યારે લસ્સીને બહાર લાવવા લાચાર બની જાય ત્યારે ના છુટકે લાચાર બનીને છેલ્લે છેલ્લે વધેલું અમૃત ગ્લાસ મોંઢે માંડીને જ હોઠે,ગળે ને હૈયે પોગાડવાનું થતું…આખરે પુરો થઈ જ ગયેલો ગ્લાસ ટેબલ પર મુકવો જ પડતો.
આપવાના થતા 30 પૈસા ખીસ્સામાં છુટ્ટા જ રહેતા. 50 પૈસાનો સીક્કો ખીસ્સામાં પડ્યો હોય એ પણ ગૌરવની બાબત ગણાતી, જે નસીબમાં આવવાને હજી ઘણી ઘણી વાર હતી.
———–
આજે તા. 27-11-05ના રવીવારીય દીવસે 100 રુ.નું એક એવાં 12 ભાણાં મંગાવીને હોટલમાં જમ્યાં ત્યારે જાણે કશું જ નવું બન્યું ન હોય એમ પુત્રને બીલ ચુકવતો જોયો ત્યારે બાજુમાં પડેલી ડીશમાંથી હળવેકથી, સાચવીને ધાણાદાળ મોંમાં મુકતાં મુકતાં 45 વરસ પુર્વેની કીશોરની લસ્સીના અનુસંધાને મેં ધાણાદાળની લક્ઝરી માણી; આટલીક અમથી ધાણાદાળ પણ આજે 30 પૈસામાં આવતી નથી !!


