Posted by: જુગલકીશોર | July 31, 2007

રાહત છાવણીમાં.

જુગલકીશોર.


જાણી ન શકું, આભ ઝરે ચાંદની કે આગ ?
દાઝેલી  ચામડી  ને  આંખ  લઈ ફરું છું હું.

ભુલી ગયો છું હું હતો હીન્દુ કે મુસલમાન,
મારા જ  માણસોથી   માર  ખઈ ફરું  છું હું.

કોને કહું,ઘર ક્યાં ગયું,ઘરનાંય ક્યાં ગયાં ?
ખુદની  જ શોધ  છાવણીમાં રહી કરું છું હું.

કહેવાતું  મારું  જે  હતું  તે  તો   બધું   ગયું;
અંગોય જાણે કોઈનાં જ લઈ  ફરું   છું  હું !

એ અગ્નીતાંડવે  જે બધું  સળગતું   રહ્યું,
એના  જ બધા ડાઘ  સાચવી ફરું   છું હું.

આ મારવા  ને કાપવાની  વાતનો મર્યો
માર્યા  વીનાનો મરણતોલ થઈ ફરું છું હું.

કો’  મંદીરે   ખુદા  ને   રામ   મસ્જીદે    રહે:
એવી કો’ શક્યતાનું સ્વપ્ન લઈ ફરું છું હું ! 

                   ===000===

Comments are closed.

Categories