Posted by: jugalkishor | July 4, 2007

વર્ષારાણીએ બાષ્પને આપી ‘બઢતી’.

શબ્દરમત-2 :   નરજાતીના એક પણ શબ્દ વગરનો લેખ !!                                –જુગલકીશોર. 

નોંધ : ગુજરાતી વાક્યરચનામાં નામ, સર્વનામ, વીશેષણ અને ક્રીયાપદોને નર, નારી અને નાન્યતર જાતી લાગુ પડે છે તે આપણે જાણીએ છીએ. દા. ત.
1- નામ : પર્વત (નર), નદી (નારી), ઝરણું (નાન્યતર);
2- સર્વનામ : પેલો, પેલી અને પેલું;
3- વીશેષણ : રાતો, રાતી, રાતું ;
4- ક્રીયા : હતો, હતી, હતું.

હવે નીચેનો એક નાનો લેખ જે મુક્યો છે, તેને જોઈ જવા ખાસ ભલામણ છે. આ લેખની વીશેષતા એ છે કે એમાં નામ, સર્વનામ, વીશેષણ કે ક્રીયામાં કોઈપણ જગ્યાએ નરજાતી સુચક શબ્દ  આવે નહીં એની કાળજી લેવામાં આવી છે !! આ વાતને ખોટી પાડવા એકાદ શબ્દ પણ નરજાતીનો શોધી આપવા વીનંતી છે.  (ઉપરના પહેલા વાક્યમાંના બોલ્ડ અક્ષરો અનુક્રમે સર્વનામ, વીશેષણ, નામ અને ક્રીયા છે અને તે ચારેય નરજાતીના છે.)
————————=======================———————–
 
વર્ષા ઋતુ બેસી ગઈ. ઋતુઓ જોકે બેસી જવા માટે (કે બેસી રહેવા માટે પણ) નથી હોતી. આવતાંવેંત જ એણે તો ચાલવાનું હોય છે. છતાં એ બધીઓ જ્યારે પણ ચાલુ થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે ઋતુ બેસી ગઈ !

ગ્રીષ્મ ઋતુએ જતાં જતાં સૌને રાડ પડાવી દેધી હતી. વાતાનુકુલકરો (ઍરકન્ડીશનરો)ને પણ એ ગાંઠતી  નહોતી જાણે….. ઠંડકમાં બેસનારાંય રાડો પાડતાં જ રહેલાંને કે, માડી રે ! ઘડી-બેઘડી ઠંડકમાં રહીનેય બહાર તો નીકળવાનું જ ને. એવે ટાણે ગ્રીષ્માબેન બેવડી સોટીએ ફટકારી દેવાનાં !

ગ્રીષ્મનું આકાશ છેલ્લે છેલ્લે તો એવું રહ્યું જાણે એને આગ વરસાવવાની જ કામગીરી ન સોંપાઈ હોય ! સોંપનારે જાણે કે ધમકી જ આપી રાખી હતી કે, જોજે ‘લી, આ પા’ની (બાજુની) ધરતીની દયા બયા ખાઈશ ને, તો પછી તારું આવી જ બન્યું સમજજે….

બીચારીએ બીકનાં માર્યાં જ હશેને, અમારી આ બાજુની ધરતીને એની આગવર્ષાથી ધમરોળી નાખી’તી, ઋતુ દરમ્યાન. પણ છેવટ આ ગ્રીષ્માબેન એક સારું ચોઘડીયું જોઈને વદાય થયાં…

ને એમ જ બસ, આ વર્ષાબેન પણ આવી પધાર્યાં છે, અમારે આંગણે; એમનું સ્વાગત કરવાનીય તક આપ્યાં વગર. એક રાતે વીજબાઈની એક જ અમથી લબક આભમાં દેખાઈ ન દેખાઈ કે  તરત જ એની પાછળ પાછળ આભલું આખું જાણે રાહ જોઈને જ બેઠું હોય એમ તુટી પડેલું. રાત આખી એણે અમારાં સૌનાં અગાશીઓ, આંગણાં ને હૈયાને તરબોળ તરબોળ કરી દીધેલાં.

આજેય હજી તેણીશ્રી નેવાંધારે નીંગળી રહ્યાં છે, સંગીતની કોઈ અવનવીન સ્વરરચનાને છેડતાં. એની આ સ્વરધારાઓ અમારાં રહેઠાણની આસપાસનાં પતરાં, છાપરાં,ઘરનાં વાસણો વગેરેને પોતાના મદદનીશ વાજીંત્રો બનાવીને વહી રહી છે. આ વર્ષાસંગીતની તાલી ને તુલનાએ કોઈ સંગીત આવી શકે ખરું ?!

હવે તો અમારે ભીનીભીની ઉજવણીઓની ઋતુ આરંભાઈ ચુકી છે. ઉપરથી વરસતી હતી હજી હમણાં સુધી જે આગ, તેની અવેજીમાં હવે જલવર્ષા થતી રહેશે. તપ્ત તપ્ત હતી જે ધરા, તે હવે તૃપ્ત તૃપ્ત બનીને સમગ્ર માનવજીવનીને સુજલામ્, સુફલામ્ બનાવીને જ રહેશે.

ગ્રીષ્માની જ તાડનાથી સાગરજલને બાષ્પ બનવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું; હવે વર્ષારાણીને સોંપાતાં જ એ બાષ્પ પોતાને જાણે બઢતી મળી મળી હોય તેમ નવી સોંપાયેલી કામગીરી ચાલુ કરવા અને પાર પાડવા તત્પર જણાય છે.

સ્વાગતમ્, જલધારામાં પરીવર્તીત થયેલી ઓ બાષ્પબેની !!

Responses

સરસ, ચતુરાઇ અને કલ્પનાથી ભરેલી રચના.

આ તમારી ચેલેંજ ગઝબની છે હોં કાકા…

આ લેખમાંથી સાચે જ મને કોઇ નરજાતિ શબ્દ તો ન જ મળ્યો અને ઉપરથી વાંચવાની ય ખૂબ મજા આવી એ જુદું.

કંઈક નવું જ આ તો… :) મજા આવી…

વાહ વાહ, સરસ.કહેવુ પડે.મઝા આવી ગઈ.

અદભુત જુ.ભાઈ..તમને આવા વીચારો ક્યાંથી આવે છે..? કોઈ ચાવી બતાવશો..?!
નવા પ્તયોગો કરતાં રહો..આનંદ વહેંચતા રહો.

Leave a response

Your response:

Categories