Posted by: jugalkishor | June 24, 2007

ઘટનાઓનું સર્જન; સર્જનની ઘટના.

                                                        —જુગલકીશોર.

ઘટનાઓને કોઇ નીમંત્રણ હોતાં નથી. વણમાગ્યાં ને ગમતાં કે અણગમતાં મહેમાનોની જેમ એનું પ્રગટતું રહેવું સહજ છે. ઘટનાઓ જેમ આપણને વશ વર્તતી નથી તેમ આપણે પણ એને વશ ન રહીએ એમ માનવા-ઇચ્છવા સહેજે મન થાય.પણ કોણ જાણે કેમ, ગમે તટલું મથીએ,ઘટનાઓને વશમાં રાખવાનું સરળ તો નથી જ.

કેટલીક ઘટનાઓને આપણે સર્જ્યાનો યશ કે એનું ગૌરવ લઇ શકાય છે. આ મારું સર્જન છે એમ કહીને આપણે કૃતી કે કાર્યની નીચે આપણું નામ લખી દઇએ છીએ ! સાહીત્ય કે બીજી કોઇપણ પ્રકારની કૃતીના સર્જકનો માલીકી હક્ક અબાધીત રહે છે, સર્જકના મૃત્યુ પછી પણ ! એ જ અધીકાર પછી એનાં સંતાનો પણ ભોગવતાં રહે છે. ને એમ સર્જનો, કે જે પણ એક મહત્વની ઘટના હતી,ની માલીકીનો ભોગવટો વંશપરંપરાગત રીતે ભોગવાતો રહે છે. સર્જનો પણ એક અલૌકીક અને દૈવી કહી શકાય તેવી અવશ બાબત હોવા છતાં સર્જક અને એનાં વારસદારો એના પર પોતાનું આધીપત્ય અને વર્ચસ્વ સ્વીકારાવતાં રહે છે.

સર્જનનું સ્વાંત:સુખાયત્વ, નીચે કરવામાં આવેલી સહીને કારણે નંદવાઇ જાય છે.ઘટનાઓ ઘડી શકવાની માનવીની મહાશક્તીનું માહાત્મ્ય જાણે–અજાણે આ સહી કરવાની બાબતને લઇ અવમુલ્યન પામતું પામતું જણાય છે.પછી તો સર્જનનો આનંદ પણ માલીકીનો આનંદ બની રહે છે !!

ભાવકને ભાગે આવતો સર્જનનો સાચો આનંદ જેને વીગલીતવેદ્યાંતરાનંદ કહ્યો છે, એ જ પછી તો ગૌરવ લેવા લાયક રહે છે.સર્જક પોતે પણ એ આનંદનો માલીક રહી કે બની   શકતો નથી ! માલીકીનો આનંદ એને પેલા દીવ્યાનંદથી વંચીત કરી દે છે!!

અનીર્વચનીય અને અલૌકીક ઘટનાઓ આપણને વશ ન વર્તે એનું જ તો ખરું મુલ્ય છે સર્જનની પ્રક્રીયામાં ! સર્જક પોતે જ કોઇ અગોચરને વશ વર્તતો હોવાનું સ્વીકારતો આવ્યો છે સદાય. સર્જકનું સર્જન જ નહીં, સર્જક પોતે પણ કોઇ અગોચર ઘટનાનું એક પાત્ર છે એની જાણકારી, એનો સહજ સ્વીકાર એ નાનીસુની ઘટના નથી !!

Responses

વીગલીતવેદ્યાંતરાનંદ
બહુ ભારે શબ્દ! - કોઇ હલકો પર્યાય આપશો?
પણ આ માલીકીભાવ પણ આપણો પ્રાકૃતીક સ્વભાવ નથી? સાવ નાના બાળક્માં પણ એ જોવા મળે જ છે ને? તેને પણ પ્રાકૃતીક ભાવે જોઇએ તો? તેનો પણ દ્વેશ નહીં.

બાળકને માલીકીભાવનો અર્થ પણ ખબર નથી હોતો. એ જ એની નીર્દોષતા છે.

સર્જનને દૈવદીધી પ્રસાદી અને સર્જકને બ્રહ્મ સમાન કહ્યો છે. આવી ઉંચી કક્ષાએ તો કોઈ પહોંચે પણ નહીં. પરંતુ આવી સર્જકતા એ અલૌકીક ઘટના છે. ઘણા કહે છે કે અમે તો સ્વાંત:સુખાય લખીએ છીએ. આના અનુસંધાનમાં આ વાત લખી છે. બાકી તો પ્રતીષ્ઠાના ધક્કા વીના આજે તો ક્યાં લખાય છે ? અને જો એવા કોઈ સાંકડા ધક્કા વીના લખાતું હોય-આપોઆપ, કે પછી કોઈ અલૌકીક તત્વના લખાવ્યા લખતા હોય તો સહીની કે માલીકી હક્કની જરુર નથી એ અર્થમાં લખ્યું છે.

આ એક છેવાડાનો વીચાર છે, ન પહોંચી શકાય એવો આદર્શ !! નરસીંહ-મીરાં પણ નામ તો સાથે જોડતાં જ હતાં ને ! પણ તેમાં માલીકી હક્ક નહોતો એટલું જ.

વીગ.આનંદ વીષે આ પહેલાં મેં ક્યાંક ખુલાસો કર્યો છે. એને બ્રહ્માનંદસહોદર આનંદ પણ કહ્યો છે. એ વીષે ફરી ક્યારેક. હમણાં તો આ છંદ વળગ્યા છે. આજકાલમાં પરંપરીત પર વીસ્તૃત નોંધ આવી રહી છે ! જરુર વાંચજો.

Leave a response

Your response:

Categories