Posted by: jugalkishor | May 12, 2007

વસંત-વિદાયની વેદનાનાં કાવ્યો.

[ ઋતુરાજ વસંત કોને ન ગમે ? એ જ વસંત વિદાય લે તે કોને ગમે ?!  આજે અહીં ભારતમાં ધબધબાવીને ગ્રીષ્મ રંજાડે છે ત્યારે વસંતની યાદ કોને ન આવે !! પરંતુ અહીં બે કવિઓએ વસંત-વિદાયની વેદનાને જે વાચા આપી છે તે કવિતાને કેટલી ઉંચાઈએ પોગાડી દે છે ! આપણ સૌ માટે કવિતાની કળાના આ બે આદરણીય નમુનાઓ મૂકું છું; મારી પસંદનાં કેટલાંક કાવ્યોમાંનાં એ છે. વસંત-વિદાયની વેદના ઝાકળની આંખેથી અનગળ વરસતી અનુભવો : ]

1] વસંત ગૈ રે વીતી.

વસત ગૈ રે વીતી,
ક્યાં છે  કોકિલની  કલગીતિ ?

હિમાદ્રિને      હિમ    હિંડોળે
      મલય પવન જૈ પોઢ્યો;
ડાલ ડાલ રે અવ   નહીં ડોલે,
    અગન અંચળો     ઓઢ્યો;
ક્યાં  છે પલાશની ફૂલ પ્રીતિ ? 

ઊડે   અબીલ  ગુલાલ   નહીં,
     નહીં   રંગરંગની    જારી;
નભની    નીલનિકુંજ    મહીં  
      રે નહીં  કેસરની  ક્યારી;
રે   અવ  ધૂળે   ધૂસર  ક્ષિતિ !

            –નિરંજન ભગત.
            –000–

2] વસંત આજે પોઢે.

પવન-કાંધ પર ચડ્યો જનાજો
          કોયલ ગાય  મરસિયા !
ઝાકળની   આંખોમાં   અનગળ 
          બારે   મેઘ    વરસિયા !
બહાવરી  મંજરી  શિર પટકે  ને
          ભમરાઓ   દુ:ખ જલ્પે !
રડી   રડીને   લાલ      સૂઝેલી
          આંખે   ખાખર  વિલપે !
પરિમલનાં    રેશમી   કફનોને
          લપટી     અંગે    ઓઢે !
ફૂલ    ફૂલની   કબરોમાં    ઊંડે
          વસંત    આજે    પોઢે !

      –ચંદ્રકાન્ત ટોપીવાળા.

     
 

Responses

સુંદર કાવ્ય-યુગ્મ….

બહુ સરસ. છંદ કયા છે?

Leave a response

Your response:

Categories