–જુગલકિશોર.
[ઉપજાતિ]
વાતાયને ઝૂકી રહેલ પેલો
અષાઢનો શ્યામલ મેઘ -ઘેલો-
ગંભીર ઘેરે રવ ગર્જતો જ્યાં,
તારી સ્મૃતિ દંશ દિયે મને હ્યાં.
પ્રફુલ્લ કો પુષ્પ થકી પતંગિયું
કરી રહે નર્તન અંગ અંગથી;
એ નૃત્યમાં ગંધ મીઠી રમી રહે-
તારી ઉરે યાદ ભમી ભમી રહે.
ને આમ્રકુંજે રવ પંખીઓના
વીંધી, સુણાયે જ્યમ કોકિલાનો
ટ્હૌકો મીઠો, એમ અહીં ધમાલમાં
ટ્હૌકી રહે શો સ્મૃતિ-સાદ તારો !
તારી સ્મૃતિ સ્વપ્ન મીઠાં રચી રહે;
ને સ્વપ્નમાં તારી સ્મૃતિ મચી રહે!!
તા.21-1-’ 66.


