જોડણી સમસ્યા. –ડૉ. યોગેન્દ્ર વ્યાસ.
( ભાષાપ્રેમીઓએ પુછેલા કેટલાક સવાલોના આધારે વાચકની સમાસ્યાઓનું નીરાકરણ : )
સવાલ-1 : ભાષા તો આપણી મા કહેવાય. માને સુધારનારા આપણે કોણ ?
જવાબ : ભાષાને સુધારી શકાય જ નહીં, ભાષાને કાગળ ઉપર રજુ કરતાં સાધનને ( લખાણને )જરુર સુધારી શકાય જેથી માનાં દર્શન વધુ સારાં થઈ શકે. દુનીયાભરની બધી જ ભાષાઓને કાગળ ઉપર રજુ કરતાં સાધનોમાં ( લીપી અને જોડણી ) સુધારા થતા જ રહ્યા છે.ગુજરાતી પણ એમાં અપવાદ નથી.
સવાલ-2 : જોડણી સરળ કરવાથી આપણી ગુજરાતીનું ભાષા-સૌંદર્ય અને સમૃદ્ધી ખતમ નહીં જાય ?
જવાબ : સરળતા એ કાંઈ ભાષાસૌંદર્ય અને સમૃદ્ધીની દુશ્મન નથી. એ જ રીતે સંકુલ અને ગુંચવાડાભર્યું એટલે વધુ સુંદર અને અસરકારક એવું પણ નથી. ભાષાની સમૃદ્ધી અને સૌંદર્ય મુળાક્ષરો કરતાં અર્થો પર વધુ નીર્ભર રહે છે. ( કોઈ ઉર્દુ ગઝલ ગુજરાતીમાં લખવામાં આવે તેથી ગઝલનું સૌંદર્ય ઘટતું નથી.)
સવાલ-3 : સરળ જોડણીથી બાળકોનું કલ્યાણ થશે, એવી વાતો કરો છો, તો પછી જોડણીના રુઢ સીદ્ધાંતો શીક્ષકો બરાબર ભણાવે એવું કેમ નથી કરતા ?
જવાબ : ખામી જોડણીના સીદ્ધાંતોમાં છે, એની અનીયમીતતામાં છે ( નીયમો કરતાં અપવાદો વધારે છે તેથી જ કોઈ એને પુર્ણ રીતે શીખી કે શીખવી શક્યું નથી). સંસ્કૃતમાંથી ઉતરી આવેલી જોડણી એમાં થયેલા પરીવર્તન સાથે તાલ મેળવી શકી નથી. તેથી આ પ્રયાસ અનીયમીતતાને દુર કરવાનો, જોડણીને ગુજરાતી કરવાનો છે, જેથી ગુજરાતી શીખતાં બાળકોને તકલીફ ઓછી પડે.
સવાલ-4 : એક ઈ ( દીર્ઘ ઈ) ઉ ( ગ્રસ્વ ઉ) સ્વીકારવાથી શાળાના વીદ્યાર્થીઓને શીક્ષકો ‘દિન’ અને ‘દીન’ કેવી રીતે શીખવાડશે ?
જવાબ : જેવી રીતે ‘હરણ’ (મૃગ) અને ‘હરણ’ ( બળજબરીથી લઈ જવું) અથવા ‘ગજ’ (માપવાનું સાધન) અને ‘ગજ’ (હાથી) શીખવાડ્યું હતું તે જ રીતે !!
સવાલ-5 : હ્રસ્વ ‘ઇ’ અને દીર્ઘ ‘ઊ’ કાઢી નાખવાથી, વ્યાકરણમાં સ્વરનું જ્ઞાન કેવી રીતે શીખવીશું ?
જવાબ : જે સ્વરો ગુજરાતીની ઉચ્ચારણવ્યવસ્થામાં નથી, તે શીખવવાની જરુર હોતી નથી. છેલ્લાં વીસેક વરસથી શાળા/મહાશાળાઓનાં વ્યાકરણમાં શીક્ષકો એવું જ શીખવે છે કે ગુજરાતીમાં માત્ર આઠ જ સ્વરો છે ! અ,આ,ઈ,ઉ,એ,ઍ,ઓ અને ઑ.
સવાલ-6 : આજે એક ઈ અને ઉ કરવાની વાત છે, કાલે બીજું બધુંય સુધારવાની વાત થશે તો પછી ગુજરાતી જોડણીમાં અરાજકતા નહીં ફેલાય ?
જવાબ : લખાણમાં એક જ ‘ઈ’ અને ‘ઉ’ રાખવાની વાતા આજની નથી. દોઢસો વરસ પહેલાં અમદાવાદનાં હઠીસીંગનાં દહેરાંમાં લખાયેલા સંસ્કૃત (દેવનાગરી)શીલાલેખમાં હ્રસ્વ/દીર્ઘ બંને ‘ઈ’ વપરાયાં છે. જ્યારે ગુજરાતીમાં માત્ર દીર્ઘ ‘ઈ’ જ વપરાઈ છે. સાહીત્ય પરીષદના પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામે પણ એક જ ઈ અને એક જ ઉ કરવાની વાત કરી હતી અને તેમની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ની શરુઆતની આવૃત્તીઓ તે જ રીતે છપાયેલી છે. ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ રચનાર પંડીતોએ સંસ્કૃત સાથેનો આપણો સંપર્ક તુટી જશે એવી ખોટી બીકથી હ્રસ્વ અને દીર્ઘ ઈ/ઉ ના અનેક અપવાદોથી ભરપુર નીયમો ઘડી કાઢીને જોડણીકોશ રચ્યો એટલે લખાણમાં અરાજકતા વધી છે. અનુભવે જે વધુ સંકુલ અને તેથી ગુંચવાડાથી ભરપુર લાગતું હોય એમાં સુધારો કરવો એ શાણપણ છે.
સવાલ-7 : હવે જો એક ઈ-ઉ પ્રમાણે જ બધું છપાશે તો ભવીષ્યમાં ” આજનું સાહીત્ય” કોણ વાંચશે? 15-20 વર્ષો પછી આ બધું પસ્તીમાં ફેંકી દેવાનું ?
જવાબ : આ કોઈ એવા ફેરફારો નથી કે જેથી સાહીત્ય વાંચતાં જ ન આવડે. જેમ કે ‘ચોક્ખું’,'શુધ્ધ’ જેવી જોડણી લખાતી હતી, અને આજે તેતે બદલે ‘ચોખ્ખું’ અને ‘શુદ્ધ’ લખાય છે. પરંતુ તેથી વાંચવામાં કે સમજવામાં કોઈ તકલીફ થતી નથી.વળી સાક્ષરયુગમાં કહેવાતી ‘અરાજકતા’વાળી જોડણી જ હતી ને!છતાં આજે વંચાય જ છે ને ! કયું સાહીત્ય પસ્તીમાં ફેંકાશે અને કયું પુન: પુન: મુદ્રીત થઈને વંચાયાં કરશે એનો આધાર એની સાહીત્યીક ગુણવત્તા ઉપર છે.
સવાલ-8 : એક ઈ-ઉ કરવાથી છંદોબદ્ધકવીતાનું શું થશે ? નવી પેઢીને છંદ કેવી રીતે શીખવીશું ?
જવાબ : એક ઈ-ઉ કરવાથી છંદોબદ્ધ કવીતાને કશો વાંધો આવે એમ નથી. ‘સાર્થ જોડણીકોશ’નો નીયમ નં.32 આ વાત કરે છે. વળી ‘બૃહદ્ પીંગળ’ પુસ્તકમાં સ્વ. રામનારાયણ પાઠક પ્રસ્તાવનામાં નોંધે છે , ’ગુજરાતીકાવ્યમાં પ્રચલીત જોડણીમાં છંદને અનુકુળ લઘુનો ગુરુ અને ગુરુનો કરવાની છુટ છે.(પા.11, 1992 આવૃત્તી બીજી) એટલે નવી પેઢીને છંદ શીખવાડવામાં તકલીફ જરાય નહીં પડે. વળી છંદ પાટીયા પર શીખવવા કરતાં ગાઈને શીખવવાની પરંપરા પુન:જીવીત કરવામાં આવે તો સરળતા એકદમ વધે.
સવાલ-9 : તત્સમ શબ્દોમાં જોડણીસુધારવાથી સંસ્કૃત ભાષાને નુકસાન નહીં થાય ?
જવાબ : (સંસ્કૃતની) દેવનાગરી લીપી જ છોડી દીધી છે તેથી કોઈ તકલીફ થઈ છે? અને કહેવાતી સાચી જોડણી લખવાથી કેટલા લોકોને સંસ્કૃત ભાષા આવડી ગઈ ?
સવાલ-10: પ્રાથમીક શાળાઓમાં રણપાંચથી હીન્દી શીખવવામાં આવે છે. જો ગુજરાતીમાં એક ઈ-ઉનો સુધારો કરીશું તો હીન્દી કેવી રીતે શીખવીશું ?
જવાબ : હીન્દી અને સંસ્કૃતની તો લીપી જ (આપણા કરતાં) જુદી છે. એ બંને ભાષા દેવનાગરી લીપીમાં લખાયછે. આખી લીપી જ જુદી શીખવાની હોય, એક આખી વ્યવસ્થા નવેસરથી શીખવાની હોય(તો તેના કરતાં)બે સ્વરોની જોડણી જ શીખવાની આવે તે સહેલું નહીં ?
સવાલ-11: મહાત્મા ગાંધીએ કહ્યું છે,”હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધીકાર નથી.” તો પછી જોડણી-સુધારણા કેટલી વાજબી ?
જવાબ : મહાત્મા ગાંધીએ આવું કહ્યું હોવા છતાં ગુજરાતનાં ઘણાં ખરાં છાપાંઓએ, દુરદર્શને,સરકારી પરીપત્રોએ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધીકાર રાખ્યો છે.આઅરાજકતામાંથી બહાર આવવા માટે જરુરી છે કે સ્વેચ્છાએ સુધારો ન થાય પણ લોકોની ઈચ્છાથી તે થાય.
સવાલ-12: ગુજરાત વીદ્યાપીઠ ‘ગૂજરાત’ લખવામાં દીર્ઘ ઊ વાપરે છે અને ગુજરાત સરકાર ‘ગુજરાત’લખવામાં હ્રસ્વ ઉ વાપરે છે. આવો વીરોધાભાસ કેમ ?
જવાબ : ‘સાર્થ જોડણીકોશ’ની રચના થઈ એ પહેલાં ગુજરાત વીદ્યાપીઠની સ્થાપના થયેલી અને ત્યારે ગુજરાત વીદ્યાપીઠના પ્રતીક વગેરેમાં ‘ગૂજરાત’લખાઈ ગયેલું એટલે ‘ગૂજરાત’ને અપવાદ ગણી કોશકારે બીજા
ચાર અક્ષરના શબ્દોમાં પહેલો અક્ષર હ્રસ્વ કરવો એવો નીયમ કર્યો. આથી ‘ગુજરાત સરકાર, ગુજરાત-યુનીવર્સીટી,ગુજરાતરાજ્ય’
વગેરેમાં ‘ગુજરાત’ મળે.અને’ગૂજરાત’લખવાથી ‘ગૂજરાત વિદ્યા પીઠ’ બધાથી અલગ છે તેવું પણ સૌને સમજાય છે.
સવાલ :13 ગુજરાતી ભાષાની જોડણીમાં અપવાદની ટકાવારી કેટલી ? એવું કેમ છે ?
જવાબ : ‘સાર્થ જોડણીકોશ’માં આપેલા નીયમો જોતાં ત્રીસ ટકા જેટલા અપવાદો નીકળે છે. આનું મુખ્ય કારણ એ છે કે પહેલાં જોડણીના નીયમો ઘડવામાં આવ્યા હતા અને તે પછી જ શબ્દોની જોડણી નક્કી થઈ હતી. કોશની નવી આવૃત્તીમાં અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણીની બાબતમાં પણ એ જ રીત અપનાવાતી લાગે છે. તમે ’જોડણી-3′માં છેલ્લા પાને આપેલાં ધોરણો જુઓ. ત્યાં “ઉચ્ચાર હળવા ‘ઈ’ જેવો થતો હોય” અથવા ”ઉચ્ચાર ભારવાળા ‘ઈ’ જેવો થતો હોય” એમ લખ્યું છે ! આવો ઉચ્ચાર ‘હળવા-ભારે વાળો’ એટલે કેવો તેની સમજણ કોઈ ઉચ્ચારશાસ્ત્રી આપી શકે તેમ નથી.આવી અધકચરી જાણકારી અવ્યવસ્થા અને અરાજકતા ઉભી કરે છે.
સવાલ :14 જોડણી આ હોય કે પેલી, એથી સામાન્ય માણસને શો ફેર પડે ?
જવાબ : અત્યાર સુધી સામાન્ય માનવી ફાવે તેમ જોડણી લખતો હતો.તેથી લખતાં લખતાં ક્યારેક અવઢવ કે મુંઝવણ અનુભવતો અને પોતે ક્યાંક ખોટું લખી રહ્યો છે તેવી બીક તથા અપરાધભાવ તેના મનમાં રહેતો. આ કારણે તેના લખાણના સળંગ પ્રવાહમાં અડચણો આવતી. સુધારા પછી તે સરળતાથી સાચી જોડણી લખી શકશે અને એકજાતની નીરાંત અનુભવશે.
સવાલ :15 ગુજરાતી ભાષાવીકાસનાં બીજાં ઘણાં કામો છે, ‘જોડણી’ જ શા માટે ?
જવાબ : ગુજરાતીભાષાનાં વીકાસનાં બીજાં કાર્યો પણ ચાલુ જ છે. છેલ્લાં ત્રીસ-ચાલીસ વરસ દરમ્યાન ગુજરાતી ભાષાનાં પ્રમાનભુત કહી શકાય તેવાં પાંચેક વ્યાકરણો રચાયાં; ભાષા વીશેની સમજને સ્પષ્ટ કરતાં પ્રમાણભુત
દશેક પુસ્તકો લખાયાં; ભાષાશીક્ષણ વીશે પાંચેક ઉત્તમ પુસ્તકો પ્રગટ થયાં અને મુખ્યત્વે એને આધારે શાળા-મહાશાળાઓના ગુજરાતી ભાષાના જ નહીં,અન્ય ભાષાઓના અભ્યાસક્રમો પણ ભાષાલક્ષી બન્યા. વ્યુત્પત્તી કોશ, પર્યાય કોશ અને બૃહદ કોશ જેવા કોશો પણ પ્રગટ થયા. એટલે ગુજરાતી ભાષાના વીકાસની કામગીરી તો એક બાજુ ચાલુ જ છે, પણ સ્વ. ડૉ. પ્રબોધ પંડીતે કહ્યું હતું તેમ ‘ભાષાના વપરાશકારો વધે તો ભાષાનો સાચો વીકાસ થાય.’ એમ જોતાં જોડણીનું આ કામ થાય તો જરુર અક્ષરજ્ઞાનનો વ્યાપ વધે. લઘુમતી કોમ,
આદીવાસીઓને અને પછાતકોમો લખાણની મુંઝવણો અને ગુંચવાડા દુર થતાં વધુ ઉત્સાહથી ભણીને શીક્ષીત બને
સવાલ :16 જોડણી સુધારણા કરવાનો હક્ક કોનો ? પ્રજાનો, ભાષા-સાહીત્ય સંસ્થાનો કે સરકારનો ?
જવાબ : અત્યાર સુધી ગુજરાત વીદ્યાપીઠ હક્ક લઈને બેઠી છે. ખરેખર હક્ક પ્રજાનો છે. ભાષાના સરળ લખાણની લોકોને તાતી જરુર છે, કારણ કે આજે તો ભાષાનું લખાણ જ શીક્ષણનું, વ્યવહારનું અને તેથી વીકાસનું મુખ્ય
સાધન છે. એમાં ભાષાવીદો અને કેળવણીકારો માર્ગદર્શન જરુર આપી શકે. છેલ્લે સરકાર સ્વીકૃતી આપે.
======================================================
સવાલકર્તા : મનીષી જાની, અમીત દવે, કીરણ ત્રીવેદી, પ્રવીણ પંડ્યા, લલીત લાડ.
જવાબ : ડૉ. યોગેન્દ્ર વ્યાસ.
પરામર્શકો : ડૉ. યોગેન્દ્ર વ્યાસ, રામજીભાઈ પટેલ, ઈન્દુકુમાર જાની.
સૌજન્ય : (માનવ મીડીયા) કીરણ ત્રીવેદી સંપાદક, ‘જોડણી વીચાર’ ( ગુજરાતી ભાષાપરીષદનું પ્રકાશન.)


