Posted by: jugalkishor | April 25, 2007

અનુસ્વાર વિષે વધુ : ( હપ્તો છેલ્લો )

                                                                                

અનુસ્વાર મુખ્ય બે પ્રકારના હોય છે : કોમળ અને તીવ્ર. તીવ્ર અનુસ્વાર સ્પષ્ટ સાંભળી શકાય, જ્યારે કોમળ 
           અનુસ્વાર હળવા અને જલદી પસાર થઈ જતા લાગે.
           ઉદાહરણો : તીવ્ર : પંડિત, અંદર, મંગલ, ભીંડો, વંડી વગેરે.
           કોમલ : હું, છું, શું, કાં, ત્યાં, વીંછી, પૂંછ વગેરે,

કેટલાક મહત્વના નિયમો : 
1- નામના એકવચનમાં, નાન્યતરજાતિમાં છેલ્લે ઉંકારાન્ત આવે ત્યારે અનુ. કરવાનો.
દા.ત. : પપૈયું, મરચું, રમકડું, ઘોડિયું, પાટિયું, છોકરું વગેરે.
2- નાન્યતરજાતિમાં,વિશેષણ એકવચનમાં અંતે ઉંકારાન્ત હોય તો અનુસ્વાર  આવે.
દા.ત. : કાચું પપૈયું, લીલું મરચું, નાનું રમકડું,મઝાનું ઘોડિયું વગેરે.
3- ઉપર મુજબનાં બંનેનાં બહુવચનમાં આં.પ્રત્યય લાગશે; એમાં અનુસ્વાર કરવાના.
દા.ત.:  કાચાં પપૈયાં, લીલાંમરચાં; નાનાં; મઝાનાં વગેરે.
4- વિભક્તિના પ્રત્યયો-નું,નાં તથા સર્વનામ વગેરેમાં અનુસ્વાર આવશે.
દા.ત. મારું, મારાં, તેનું, તેમનાં, માડી ઘરડાં થયાં; તેઓ ભલાં હતાં.
5- પ્રથમ પુરુષ એકવચન ‘ હું ‘ સાથેનાં સર્વનામ કે ક્રિયાપદોમાં અનુ.આવે.

દા.ત. રમું, ભણું, તરું, હસું,…… પેલું, મારું, વગેરે.

6- ભવિષ્યકાળ સાથેનાં પ્રથમ પુરુષ બહુવચનમાં અનુસ્વાર આવે-

દા.ત. ખાઈશું, પીશું, રમીશું, જઈશું વગેરે.

7- કોઈપણ ક્રિયાપદનું મૂળ રૂપ હંમેશાં અંતે અનુસ્વાર લઈને જ આવે

દા.ત. કહેવું, જવું, દોડવું, શીખવું, લખવું, ઝઘડવું વગેરે વગેરે.

8- વર્તમાન કૃદંતના આધારે બનેલાં ક્રિયાવિશેષણોમાં અનુ.આવે જ

દા.ત. જતાં જતાં, બોલતાં, રમતાં રમતાં, મઝાક કરતાં કરતાં,  

9- માં, માંથી, માંહી, માંહે માં અનુસ્વાર હોય.

10- અહીં, દહીં, નહીં, (નહિમાં અનુ. ન આવે ), માં અનુ.આવે.

11- પુરુષવાચક સર્વનામોમાં જેમકે હું, મેં, તું, તેં, મારું, તારું આપણું, તમારું વગેરે

12- કેટલાંક સર્વનામો વગેરેમાં અનુ.આવશે : પેલું, પેલાં, શું, કશું, કેવું, કેવાં વ.   

એક મઝાની વાત :

       કેટલાક ટુંકા શબ્દોને અંતે ઉકારાંત આવે છે. જેમકે સાબુ, ઝાડુ, આંસુ, તાંબુ,લાડુ વગેરેમાં અનુસ્વાર આવે કે નહીં

       તે જાણવાની એક કસોટી છે !

                 આવા શબ્દોની પાછળ નો કે થી કે માં પ્રત્યય લગાડી જુઓ. એમ કરવાથી જો શબ્દમાં ફેરફાર કરવો પડે   તો  સમજી લેવું કે એના મૂળ શબ્દને છેડે અનુસ્વાર આવે. દા.ત. તાંબું,ઝીણું,બીબું આ શબ્દોની પાછળ નો,થી કે માં પ્રત્યય લગાડવાથી મૂળ શબ્દમં ફેર થશે : તાંબાને/ તાંબાથી/ …ઝીણાને/ઝીણાથી….બીબામાં/ બીબાને/બીબાથી વગેરે

                પરંતુ જો સાબુ,ઝાડુ,લાડુ વગેરેને પ્રત્યય લગાડો સાબુથી/ લાડુને/ઝાડુથી વગેરે.તો આ શબ્દોમાં ફેરફાર થતો નથી સાબુનું સાબુ જ રહે છે તેથી આ બધા શબ્દોની ઉપર અંતે અનુસ્વાર નહીં આવે. આવા શબ્દોને સંખ્યા લગાડો તો પણ મૂળ શબ્દ એમનો એમ જ રહે જેમકે પાંચ ઝાડુ, બે લાડુ.

                બીજી એક કસોટી :  શબ્દની પાછળ ઉકારાંત હોય અને એને બહુવચન કરતાં જ જો ઉ નો આ થઈ જાય તો તે શબ્દને અનુસ્વાર હોય, નહીતર ન આવે. દા.ત. શાણું નું બહુવચન કરવા જાઓ તો શાણાં થઈ જશે એટલે શાણું પર અનુસ્વાર હોય પણ જેનું બહુવચન કરતાં ફેરફાર ન થાય તો અનુ. નહીં હોય જેમકે વહુનું બ.વ. વહુઓ થાય છે, વહાં નહીં !! જ્યારે પારણુંનું બ.વ. કરશો કે તરત જ પારણાં થઈ જશે !

કસોટી : એમની આંખમાં હર્ષનાં…..આવી ગયાં ( ખાલી જગ્યા પુરો )  શબ્દકોશમાં જોયા વિના.     

Responses

સરસ સમજાવ્યું, જુગલભાઈ! તમારી મહેનત અને લગન બંનેને મારા અંતઃકરણપૂર્વકના પાયલાગણ…

જવાબ: એમની આંખમાં હર્ષનાં “આંસુ” આવી ગયાં!

(હું તો પેલ્લી પાટલી પર બેહી ગેઇ છું હોં જુ-સર!)

ખરેખર ખુબ જ જાણવાનું મળ્યું… મગજમાં ચડેલાં વર્ષોનાં કાટને આજે તમે બહુ સરસ રીતે દૂર કર્યો! આજે તો તમને ચરણસ્પર્શ કરીને પ્રણામ કરવાનું મન થાય છે, પણ વચ્ચે આ કોમ્યુટર નડે છે એટલે દૂરથી જ સ્વીકારી લેજો ગુરુજી!!

આંસુઓ

ગુડ મોર્નિ…….ંગ જુગલસાહેબ… આજે ભણાવેલા આ પાઠમાં મને તો બૌ મજા આવી… અને સરસ જાણવાનું મળ્યું… મને પર્સનલ ટ્યુશન મળી શકશે?? :)

મજાકને બાજુએ મુકીને કહું તો ખરેખર ખુબ જ સરસ રીતે સમજ પડી … આભાર જુગલકાકા…

સુંદર રીતે સમજાવ્યુ છે…! ખરેખર આ બધી વસ્તુઓમાં આપણે મોટા ભાગના લોકો ભુલ કરતા હોઈએ છીએ

આભાર અને શુભેચ્છાઓ !

80થી 90 ટકા ભૂલો હ્રસ્વ-દીર્ઘની થતી હોય છે, જ્યારે બીજા નંબરે અનુસ્વારની ભૂલો આવે.

આપણે બધાં ગંભીરતાથી આ બાબતને લઈએ તો શુદ્ધ, સરળ, સચોટ, સુગ્રથિત અને સફળ ગુજરાતી પામી શકીએ.

અંગ્રેજીમાં ભૂલ કરવાનું આપણને પોસાતું નથી પણ માતૃભાષામાં તો ચાલે ! આ દશા દૂર થશે પછી જ આપણે આ અંગે કંઈક કરી શકીશું. તમે નહીં જાણતા હો પણ આપણાં સાક્ષરો, ગુજરાતીનાં શીક્ષકો-પ્રોફેસરો, વિદ્વાનો પણ ત્રણથી ચાર ટકા જ એવા હશે જેમને શબ્દકોશ રીફર કરવાની પડી હશે. પ્રુફ રીડરોને લીધે મોટાભાગનાની ભક્તિ ચાલે રાખે છે.

આપણ એમાં અપવાદ બનીએ એ પ્રાર્થના !

Leave a response

Your response:

Categories