Posted by: jugalkishor | April 20, 2007

અનુસ્વાર અષ્ટક

[ સુંદરમ્ -- જન્મશતાબ્દીવર્ષનો આરંભ થઈ રહ્યો છે ત્યારે આપણી ભાષાની શુદ્ધતા માટે એમની આ રચના સમયસરની ગણાશે. અભાર, ધવલભાઈ, આ અષ્ટકની યાદ અપાવવા બદલ ! ]

[છંદ : હરિગીત.]                            —સુન્દરમ્.

હું      બિંદુ   સુંદર  માત   શારદને   લલાટે    ચંદ્ર  શું,
મુજને   સદા    યોજો   સમજથી, ચિત્ત  બનશે ઈંદ્ર શું.
મુજ સ્થાન ક્યાં,મુજ શી ગતિ જાણી લિયો રસ પ્રેમથી,
તો   સજ્જ   બનશો  જ્ઞાનથી,   સૌંદર્યથી   ને   ક્ષેમથી.      1.

તો   પ્રથમ   જાણો હું  અને તુંમાં   સદા  મુજ  વાસ છે,
આ   જ્ઞાન   વિણ હુ-હુ   અને તુ-તુ   તણો  ઉપહાસ  છે.
હું   કરુ-વાંચુ-લખુ    જો જો   એમ  લખશો  લેશ     તો,
મા શારદાના   રમ્ય   વદને   લાગતી    શી  મેશ  જો..      2.

નરમાં   કદી નહિ,   નારીમાં   ના  એકવચને   હું  રહું,
હું   કિંતુ    નારી-બહુવચનમાં    માનવંતુ   પદ    ગ્રહું.
‘બા ગયાં’, ‘આવ્યાં  બેન મોટાં’  એમ જો ન તમે લખો,
‘બા ગયા’,   ’આવ્યા બેન મોટા’   શો પછી બનશે ડખો.        3.

ને   નાન્યતરમાં   તો   ઘણી    સેવકતણી  છે  હાજરી,
લો,   મુજ વિનાના   શબ્દની   યાદી  કરી  જોજો જરી.
સૌ  મુજ   વિશેષણ   એકને   બહુવચનમાં  રાખો  મને,
યાચું  કૃપા   આ  ખાસ,  મારો  ભરખ  ત્યાં  ઝાઝો બને.        4.

‘શું  ફૂલ  પેલું શોભતું’ !   જો    આવું     પ્રેમે    ઉચ્ચરો,
‘શાં   ફૂલ  પેલાં   શોભતાં’ !  બહુવચનમાં   વાણી  કરો.
મોજું    નિહાળો   એક   નીરે,   ત્યાં  પછી  મોજાં   બને,
બમણાં  અને   તમણાં  પછી  અણગણ્યાં કોણ કહો ગણે ?      5.

ને  બંધુ,    પીતાં   ‘નીર ઠંડું’ ના   મને   પણ પી જતા,
ને   ’ઝાડ ઉંચાં’   પણ  ચડો   તો  ના  મને  ગબડાવતા.
બકરા   અને   બકરાં,   ગધેડા ને   ગધેડાં    એક    ના,
ગાડાં   અને    ગાંડા     મહીં  જે   ભેદ,   ભૂલો  છેક ના.         6.

ને  જ્યાં ન મારો ખપ,મને ત્યાં લઈ જતા ન કૃપા કરી,
નરજાતિ    સંગે   મૂકતાં,     પગ   મૂકજો   નિત્યે  ડરી.
કો   મલ્લને   એવું  કહ્યું  જો,  ‘ક્યાં  ગયાં’તાં    આપજી?’
જોજો    મળેના  તરત     મુક્કાનો    મહા    સરપાવજી.         7.

તો   મિત્ર    મારી  નમ્ર  અરજી   આટલી  મનમાં  ધરો,
લખતાં   અને   વદતાં    મને  ના  સ્વપ્નમાંયે વિસ્મરો.
હું   રમ્ય   ગુંજન    ગુંજતું    નિત  જ્ઞાનના   પુષ્પે   ઠરું,
અજ્ઞાનમાં     પણ   ડંખું-કિંતુ    એ  કથા   નહિ  હું    કરું.

                          [ દોહરો ]
        અનુસ્વારનું આ લખ્યું સુંદર અષ્ટક આમ,
        પ્રેમ  થકી પાકું ભણો, પામો સિદ્ધિ તમામ.
        છાપે  છાપે  છાપજો,  પુસ્તક પુસ્તક માંહ્ય,
        કંઠ કંઠ  કરજો,  થશે  શારદ  માત  સહાય.
        પાકો  આનો  પાઠ  જો  કરવાને મન થાય,
        સૂચન  એક સમર્પું તો, કમર કસીલો, ભાઈ !
        નકલ કરો અષ્ટક તણી એકચિત્ત થઈ ખાસ,
        અનુસ્વાર  એંશી લખ્યાં પૂરાં, તો બસ પાસ.  

                         

                         ===000===

Responses

Beautiful!A very god poetry by shree sundaram.And worth remebering to understand andto learn the law regarding ‘Anuswar’.Thankyou very much Jugal bhai for posting such a nice item.

with regards

Mohammedali “wafaa”

ખુબ જ સ-રસ અષ્ટક!!
આવી રીતે કાવ્યોનાં લય દ્વારા શિખવાતા પાઠો જલ્દી યાદ રહે છે!

વાહ !

ખૂબ માર્ગદર્શન મળે છે.
આભાર

ખૂબ આભાર, જુગલભાઈ! રતિલાલ અનિલના જોડણી વિષયક પુસ્તકમાં આ અનુસ્વાર અષ્ટક વાંચ્યું હતું ત્યારથી લયસ્તરો પર એને મૂકવા વિચારતો હતો. પણ એનું લંબાણ જોઈને ટાઈપ કરવાની હિંમત ન્હોતી થતી. આજે આપે આ કાવ્યને ઈ-દેહ આપીને મારી ઈચ્છા પૂરી કરી. હવે આ અષ્ટકને સમજાવતો લેખ પણ આવતી વખતે લખી નાંખો તો સોનામાં સુગંધ ભળશે.

લગભગ એક વર્ષ સુધી હું મારા બ્લોગના નામમાં જ ખોટેખોટું અનુસ્વાર ઉમેરીને હાંક્યે રાખતો હતો. એક વાચકમિત્રે ધ્યાન દોર્યું અને પછી જોડણી અંગે વિચારવાનો સમય આવ્યો…

ફરીથી આભાર…

બહુ જ સુંદર !
આવી જ રીતે અમને હ્રસ્વ અને દીર્ઘ ઇ અને ઉ ઉપર અમારા વ્યકરણ ના શિક્ષક શ્રી ભટ્ટ સાહેબ શીખવતા..અત્યારે તે યાદ નથી પરંતુ આપ જો સંશોધન કરી આપશો અને મુકશો તે બહુ મોટી જ્ઞાન સેવા થશે..અને
મા શારદાના રમ્ય વદને આવતી ભવ્ય ઉજાસ જો
આભાર!

ઘણા વખતે વાંચ્યુ આ અષ્ટક ફરીથી…. આભાર !

ઘણાં લાંબા સમય પછી સુંદરમનુ કાવ્ય વાંચવાનો આનંદ લુટી લીધો છે
આભાર

Leave a response

Your response:

Categories