–જુગલકિશોર.
ધાબા ઉપર સુવાનો ઉત્સવ શરુ થઈ ગયો છે. રાત પડે છે ને સૌ આકાશપ્રેમી બનીને આકાશગામી પણ બની જાય છે. દિવસભરની ગરમીમાં શેકાયેલી પળોજણોને નીચે જ મૂકીને સૌ ધાબા ઉપર સહેજસાજ ઠંડી થઈ ચૂકેલી પથારીમાં લંબાવી દે છે. દિવસનો બીજો ભાગ રાતના અંધારભર્યા વાતાવરણમાં ધાબા ઉપર લગભગ ઊજવણી જેવો બની રહે છે.
ચન્દ્ર હોય છે ત્યારે એ રાતભર એની શીતળ પિછોડી ઓઢાડીને સૌને ઉનાળાની વેદનાઓ ઉપર ઠંડો લેપ કરી આપે છે. દિવસભર તપ્ત તપ્ત રહી હતી જે ત્વચા, એને શીતળ પવન અને ચાંદનીના સંયોજનથી શાતા આપીને પરિતૃપ્ત કરી દેનારી આ રાત્રિમોસમ ઉનાળાની બહુમૂલ્ય અને છતાં સાવ હાથવગી આસાયેશ બની રહે છે.
ચાંદનીની ગેરહાજરીમાં આખું આકાશ કાણાં પાડેલા ચંદરવા જેવું આખી રાત ઝળુંબી રહે છે. ચંદરવાની પેલે પાર જે વિશ્વોની ઝાંખી મનમાં થતી રહે છે એનાથી ધરતીની નગણ્યતા છતી થઈ જાય છે.
બ્રહ્માંડમાં જેની ગણના સૂક્ષ્મ અણુ જેટલી માંડ ગણાય તેવી પૃથ્વીનો કાળા માથાનો માનવી કશું જ મહત્વ ધરાવતો ન લાગતો છતાં અવકાશના દ્રષ્ટા તરીકે બ્રહ્માંડનો જ સાક્ષી હોઈ વિશેષ અંશરૂપ મહત્વ ધરાવનારો બની રહે છે.
રાતે ધાબા પર માનવી ઘરનો મટીને બ્રહ્માંડનો બની રહે છે !


