–જુગલકિશોર.
( સહપાઠીઓ ! આ વખતે ઘણું મોડું થયું, સાતમો હપ્તો પીરસતાં ! ક્ષમાને ‘વીરસ્ય ભૂષણ’ કહી છે અને હું જાણું છું આપ સૌ આ બાબતે વીર છો જ !!)
ભગવદ્ ગીતામાં છંદ-યોજના.
ગીતામાં કુલ 701 શ્લોકો છે. આમાંના કુલ 646 શ્લોકો અનુષ્ટુપમાં છે. અર્થાત્ ગીતા લગભગ અનુષ્ટુપમાં જ ગવાઈ છે. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે 55 શ્લોકો જે અન્ય છંદમાં છે તે સૌથી ઓછા અક્ષરના છંદ ઉપજાતિમાં છે !! વળી ઉપજાતિ એટલે જ મિશ્રછંદ. ગીતાના ઉપજાતિમાં કયા કયા છંદોનું મિશ્રણ છે જાણો છો ? મને તો એમાં ઈન્દ્રવજ્રા,ઉપેન્દ્રવજ્રા, વંશસ્થ વગેરે ઉપરાંત શાલિની પણ જોવા મળ્યો છે ! તમે સૌ પ્રયત્ન કરી જોજો,બીજા મળે છે?
એટલું જ નહીં પણ ગીતાનો પ્રધાન રસ ભક્તિ, કર્મ અને જ્ઞાનનો મહિમા ગાવામાં રહેલો છે અને એ જ એનું લક્ષ પણ છે. છતાં સમગ્ર ગીતામાં કદાચ એક જ જગ્યાએ જે કંઈ નાટ્યાત્મકતાનો પ્રયોગ થયો છે તે અગિયારમા અધ્યાયમાં, કે જ્યાં કૃષ્ણ અર્જુનને વિરાટ સ્વરુપ બતાવે છે અને સૌથી વિશેષ તો આ અધ્યાયમાં રસવૈવિધ્ય પણ જોવા મળે છે ! આ અધ્યાયમાં વીર, અદ્ભુત, રૌદ્ર અને કરુણ રસ તો મળે છે પરંતુ બીભત્સ રસ પણ જોવા મળે છે !( જુગુપ્સાનો ભાવ બીભત્સરસમાં પરિણમે છે). વિરાટ સ્વરૂપના મોંમાં માનવીનાં ચૂર્ણ થઈ ગયેલાં મસ્તકોનું જે જુગુપ્સાભર્યું વર્ણન છે તે એનું ઉદાહરણ છે.
પણ મારે જે કહેવું છે તે એ કે આ બધા રસોને વેદવ્યાસે ઉપજાતિ છંદમાં વહાવ્યા છે ! એક બીજું ધ્યાન ખેંચનારું તત્વ પણ અહીં જોઈ લઈએ. વિરાટરૂપદર્શન યોગમાં જ્યારે વિરાટરૂપનું વર્ણન શરુ થાય છે ત્યારે જ ઉપજાતિ આવે છે અને દર્શનને જેવું સમેટી લેવાય છે કે તરત જ અનુષ્ટુપ છંદ આવી જાય છે ! જાણે કે આ રૌદ્રને ઝીલી લેવા માટે જ ઉપજાતિને પ્રયોજવામાં આવ્યો ન હોય !! મિત્રો, ગીતાને મૂલવવાનો આપણો ઉપક્રમ નથી પણ છંદની વાતમાંય જો આ ગ્રંથ આવી જતો હોય તો શા માટે એનો લાભ ન લેવો ?!
=========0000000==========
હવે એક ઉદાહરણ શિખરિણીનું આપીને તમને સૌને સુંદરમ્ ની એક કવિગીરી પણ બતાવી દઉં ! જુઓ શબ્દોની પસંદગીમાં કવિની કેવી દાદાગીરી છે ! “પતંગિયું અને ગરુડ” નામના એક દીર્ઘ કાવ્યમાં બે દૃષ્યો છે. છંદ એક જ છે,પણ શબ્દોની પસંદગી દ્વારા કવિ કોમળજીવ અને રૌદ્રસ્વરૂપી ગરુડને કઈ રીતે ઉપસાવે છે :
અહો,નાનાં અંગો !
શું કે સર્વે રંગો જગતભરના આહિં ભરિયા.
ઉષા,સંધ્યા,પુષ્પો,વિહગ,નભનાંવાદળ થકી
ગ્રહ્યા વીણી વીણી મૃદુલ કરથી જ્યોતિ લપકી,
અહીં નાના અંગે સચર પ્રભુએ પાય ધરિયા.
===
અહો, કેવી આંખો !
અને આ શી પાંખો ગગનતલને બાથ ભરતી !
બધા ભાવો:સત્તા,વિજય,મહિમા,શ્રેષ્ઠમયતા-
તણી આ મૂર્તિ શું પ્રગટ, પ્રભુ કેવો રચયિતા
હશે જેણે સર્જી પ્રખરબળની રૌદ્ર મુરતિ !
===000===
કેટલાક છંદોનાં બંધારણ : ( આજકાલમાં જ અક્ષરમેળ છંદોના લગભગ બધા જ મૂકીને આ વિભાગ પૂરો કરીશું. પછી માત્રામેળ છંદો પર જઈશું.)


