—જુગલકિશોર.
“એક બાજુ સંગીત અને બીજી બાજુ ગદ્ય - એમ બંને ઉત્કૃષ્ટ બિંદુઓની વચ્ચે છંદ:શાસ્ત્રનું ઝરણું વહે છે.કવિતા ગદ્યમાં સંભવી શકે છે અને છે પણ ખરી; ‘વાક્યં રસાત્મકં કાવ્યમ્’એ વિશ્વનાથવાક્ય ‘કાદંબરી’ જેવા ગદ્યકાવ્યોથી સત્ય ઠર્યું છે; તો પણ કવિહૃદયનો ઊર્મિપ્રવાહ, સામાન્ય રીતે, સરિતાના જલપ્રવાહની જેમ, છંદના કિનારાઓમાં વહેવું પસંદ કરે છે.
“કવિતા શ્રોત્રપેય કલા હોઈ એને કાનથી પીવાની છે, એટલે એમાં લયનું મહત્વ સ્વીકારાયું છે.શ્વાસ અને ઉચ્છ્વાસમાં, નાડી-હૃદયના ધબકારમાં, પવનની લહરીઓમાં, વર્ષાના છંટકાવમાં, વક્તાના આરોહ-અવરોહવાળા સંભાષણમાં આપણે લયની ગતિ પામીએ છીએ.
“કવિહૃદયમાં ઊઠતી ભાવની ભરતી પ્રથમ એક પ્રકારનું આંદોલન જગાવે છે. આ આંદોલન પોતાની મેળે જ ભાવને અનુકૂળ છંદ શોધી લઈને કાવ્યરૂપે અવતરણ પામે છે….છંદને કવિતાસુંદરીનાં ઝાંઝર ગણી-તેને બંધનરૂપ ગણી-કેટલાક કવિઓએ તે ફગાવી દીધાના દાખલા છે.છતાં ઉપર્યુક્ત આંદોલન એક યા બીજા સ્વરૂપે રજૂ થઈ તેમની કવિતાના શબ્દ-દેહને ‘સાંદોલ’ તો કરી ગયું છે જ. ‘નિયતિકૃતનિયમરહિત’ કાવ્યજગત સ્વતંત્ર છે પણ અતંત્ર નથી….”
–ચિમનલાલ શિ.ત્રિવેદી.
આપણે આજ સુધીમાં કેટલાક છંદો અને તેનાં બંધારણ જાણ્યાં. આજે એક અભ્યાસનાં કેટલાંક તારણો રજૂ કરીને આપણા બે ઉચ્ચકોટિના કવિઓનું છંદરહસ્ય બતાવવું છે. 1969માં મારા એમ.એ.ના અભ્યાસનિબંધમાં મેં ” સુન્દરમ્ અને ઉમાશંકરનાં ગ્રંથસ્થ કાવ્યોમાં શિખરિણી” એ વિષય પર જે કાંઈ જાણ્યું-લખ્યું તેનાં તારણોમાંથી કેટલુંક અહીં રજૂ કરું છું :
1] સુન્દરમ્ નાં કુલ પાંચ સંગ્રહો છે. જ્યારે ઉ.જો.નાં કુલ સાત છે. સું.નાં બે સંગ્રહો ‘કૉયાભગતની કડવી વાણી’ અને ‘રંગ રંગ વાદળિયાં’માં એકપણ કાવ્ય છંદમાં નથી; જ્યારે ઉ.જો.નાં સાતેય સંગ્રહોમાં છંદ વગરનો એકપણ નથી.
2] સું.નાં કુલ કાવ્યો 124માંથી 95 કાવ્યો છંદબદ્ધ છે; જ્યારે ઉ.જો.નાં કુલ 145 કાવ્યોમાંથી 82 કાવ્યો છંદબદ્ધ છે. સું.નાં બે સંગ્રહોમાં છંદ જ નથી જ્યારે ઉ.જો.ના પ્રાચીના અને મહાપ્રસ્થાનનાં 100% કાવ્યો છંદમાં છે !
3] સું.ના ફક્ત ત્રણ જ સંગ્રહોમાં કુલ 56 કાવ્યો શિખરિણીમાં છે; જ્યારે ઉ.જો.નાં સાત સંગ્રહોમાં 68 કાવ્યો શિખરિણીમાં છે !
4] ઉ.જો.નાં બધાં જ-68-કાવ્યોની શિખરિણીમાંની બધી જ પંક્તિઓની સંખ્યા 1391 છે; જ્યારે સું.નાં 56 કાવ્યોની કુલ પંક્તિઓ 1475 છે. અર્થાત્ સું.નાં શિખરિણીમાંનાં કાવ્યો લંબાણ ધરાવે છે. ‘ધ્રુવપદ ક્યહીં?’ અને ‘આ ધ્રુવપદ’નામક બે જ કાવ્યોની કુલ પંક્તિ 232 થાય છે! જીવનનું ધ્રુવપદ શોધવાના મહત્વના અનુભવને એમણે શિખરિણીમાં ઢાળ્યો છે !
5] સું.નાં કુલ શિખરિણી કાવ્યોમાં 30 સૉનેટ છે જ્યારે ઉ.જો.નાં કુલ 47 સૉનેટ છે.
6] ભાવ અને રસની દૃષ્ટિએ બંનેએ જે રચના કરી છે તેમાં તેઓ બંને કેવા પેરેલલ જાય છે તે જોવા જેવું છે !:
આમાં પ્રથમ આંકડો સુન્દરમ્ નો સમજવો અને બીજો ઉ.જો.નો : શૃંગાર :કાવ્યો, 17/23…હાસ્ય: 18/14.
કરુણ : 13/15. ભક્તિ: 15/7 (અહીં સુંદરમનું પોંડિચેરી યાદ આવે !) ઉત્સાહ- આવેગ 5/4.
વિસ્મય : 8/6 અને શાંત : 5/6
7] છૂટછાટ તેઓએ લીધી છે તેની વિગતો આ પ્રમાણે છે : લઘુ-ગુરુની છૂટ સું.કુલ 1475 પંક્તિઓમાં 890 છે જ્યારે ઉ.જો.એ કુલ 1391 પંક્તિઓમાં 1120 છૂટ લીધી છે !! બંને મહાનુભાવોનાં બબ્બે કે ત્રણેક મુક્તકોને બાદ કરીએ તો એકપણ કાવ્ય એવું નથી જેમાં એકપણ છૂટ ન લીધી હોય !!
8] સું.નાં ‘સ્મિતનો જય’ કાવ્યની 8 પંક્તિઓમાં 17 છૂટ લીધી છે જ્યારે ઉ.જો.ના ‘વાંછા’ કાવ્યની 14 પંક્તિઓમાં કુલ 25 છૂટ છે !!!
9] શબ્દમરોડ કરાયા હોય તેવા સું.માં કુલ 269 છે જ્યારે ઉ.જો.માં 282 છે.
10] સું.ના ‘ઉષા ન્હોતી જાગી’ કાવ્યમાં ‘તહીં પેલા ટુઇ ટુઇ ટહુક અમરાઈથી ઉઠતા’ પંક્તિમાં 17ને બદલે કેટલા અક્ષરો છે, ગણી જુઓ ! ઉ.જો.ના ‘ટપ્પાવાળો’કાવ્યમાં ‘કહે લોકો મરિયમ ! કબરમહીં તું છે સુઇ રહી.’ ઉપરાંત ‘બની બાદલ પાછું તવ ઉર વસું જો પ્રભુકૃપા !’ કે સુણાવ્યાં હાલરડાં ખગકુલતણા ગીત…..માં હાલરડાંમાં એક ગુરુને બદલે બે લઘુ કરીને માત્રામેળ બનાવી દીધો !
11] સુન્દરમ્ માં બે કાવ્યો ‘તમને’ તથા ‘સુધાપીવી’માં વિસર્ગ ( : ) નો ઉપયોગ અક્ષર તરીકે કર્યો છે ! પરિણામે અક્ષરો ખૂટે છે !
મિત્રો ! આ તો થયો એક અભ્યાસ. એમની ભુલો શોધવાનું આપણું શું ગજું ? શી લાયકાત ? એમની ઉંચાઈ અને ઉંડાઈનું માપ તો આજ દિવસ સુધી કઢાતું જ આવ્યું છે.આપને તો છંદનો નાદ લઈને બેઠાં છીએ તો આય એક નાદ જ!
આજના છંદો :
શાલિની : અક્ષર : 11 યતિ : એક અને ચોથા અક્ષરે. બંધારણ : ગાગાગાગા, ગાલગા ગાલગાગા
ગણો : મ,ત/ત+ગુ,ગુ. ઉમાશંકરના ‘નિશીથ’ કાવ્યમાં
“પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ
તેજોમેઘોની ઊડે દૂર પામરી”
ઉપરાંત ” જે કૈં માણી,જિન્દગીની ઉજાણી
જે કૈં માણ્યા, મિત્રજૂથો શું સ્નેહ;”
નોંધ : શાલિનીના પ્રથમ અને બીજા ખંડની વચ્ચે પાંચ લઘુ અને એક ગુરુ ઉમેરી દ્યો એટલે થઈ જાય મંદાક્રાંતા !!
તોટક : 12 અક્ષર. ગણો : સ,સ,સ,સ ( બંધારણ:લલગા લલગા લલગા લલગા )
” તવ હું તુજ એ સહુ સુંદરતા
કલપી બહુ મોદ ધરું મનમાં;
તુજ રંગ બધા મુજ આ તનમાં
પ્રસરી કંઈ નૃત્ય નવું કરતાં.”
ભુજંગી : 12 અક્ષર. ગણો : ય,ય,ય.ય ( બંધારણ : લગાગા લગાગા લગાગા લગાગા )
”પુરી એક અંધેરી ને ગંડુ રાજા
ટકે શેર ભાજી ટકે શેર ખાજા”
લલિત : 11 અક્ષર. યતિ એક અને છઠ્ઠા અક્ષરે. ગણો : ન,ર,ર + લગા.
( બંધારણ: લલલ ગાલગા,ગાલગા લગા )
” અરર બાલુડાં ! બાપલાં અહો !
જનની આ હવે સ્વર્ગમાં જતી !
સમજશો નહીં શું થઈ ગયું !
રમકડું કયું, હાથથી ગયું !”
…………………………………………………………………………………………………….
અબ લેંગે એક છોટાસા બ્રેક ! બાકીકા રહેલા પીચ્છુ લેંગે, ક્યા?!


