પૌત્ર જય,
શબ્દોના સંસ્કારતણી પા પા પગલીએ વિજય !
આ ઊગ્યું અરુણ પ્રભાત,
કેટલો દિવસ હજી તો બાકી-
બાકી હજી કેટલી વાત ?!
નાનકડો અહો શબ્દ-પ્રપાત !
જય,તું શબ્દ-જગતનું વિસ્મય !…..પૌત્ર જય.
અંધારે અટવાયેલી નાવ ,
કળણમાં ખુંચ્યો કાફલો સાવ ;
વ્યથાનો માર્યો બાળકવિ શો કરતો રાવ !
‘બોટ’ને બચાવવાનો નિશ્ચય ?!………પૌત્ર જય.
અહીં સૌ ભાષા ભાષા રમે ,
રમે સૌ ગુર્જરચોકે ; ગમે.
શબદની અપાર મુંઝવણોમાં તોયે, અમે !
તું તારી ભાષામાં શો તન્મય !……….પૌત્ર જય.
મુબારક તારી ભાષા તને,
માતૃભાષા ફસાઈ આ ફોન્ટ-વમળની કને ;
સમસ્યાઓના દરિયે હંકારી મેં હોંશ ;અને
છું સરળ ફોન્ટની નાવ વિષે નિ:સંશય!……પૌત્ર જય.
અભિનંદનના હે અધિકારી ! તવ જય !
પૌત્ર જય.
————————————————-
* ( સાત વરસના એક ઊગતા કવિને એના જીવનની પ્રથમ રચના નિમિત્તે ! )
* શીર્ષકે પૌત્ર શબ્દ મૂકીને પડદા પાછળ રહેલા દાદા સુરેશભાઈને પ્રચ્છન્ન જ રાખ્યા છે !


