Posted by: jugalkishor | January 22, 2007

NET-પિંગળ :(1)

પ્રાસ્તાવિક : કવિતામાં લયનું બહુ મહત્વ છે. લય એ પદ્યનું અનિવાર્ય અંગ છે.એટલું જ નહીં લય તો ગદ્યની પણ શોભા છે ! લય વાણી સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલો છે.

છંદશાસ્ત્ર આ લયના  નિયતરૂપ દ્વારા એક વ્યવસ્થા ઉભી થતી હોવાનું કહે છે.આપણા છંદશાસ્ત્રને પિંગળશાસ્ત્ર કહ્યું છે,કારણ કે તેનો આરંભ પિંગળમુની દ્વારા થયો હતો.  એમણે જ સૌથી પહેલાં છંદોની શાસ્ત્રીય છણાવટ કરી હતી. ‘ પિંગળ’ શબ્દને આ રીતે પણ ઓળખવામાં આવે છે : પિં=પિંડ ; ગ=ગુરુ અને લ=લઘુ.

ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ કાવ્ય એ કાનની કળા છે. એ ફક્ત વાંચવાનો વિષય નથી.’ધ્વનિ’ એ કાવ્યની અંદર રહેલા સૂક્ષ્મ અર્થને સમજાવવા માટે પ્રયોજાતો શબ્દ છે.કાવ્યની અંદર રહેલો છૂપો અર્થ પ્રગટે એને પણ ધ્વનિત થયો ગણાય છે.આ ધ્વનિત થતો અર્થ જ રસમાં રુપાંતરિત થઈને “બ્રહ્મસ્વાદસહોદર” કે “વિગલિતવેદ્યાંતર” આનંદ આપી જાય છે.

પરંતુ કાવ્યના પઠન દ્વારા કાનને જે મધુર અનુભવ થાય છે તે કાવ્યના શબ્દોની પસંદગી,એનો લય વગેરે દ્વારા થતા બાહ્ય ધ્વનિને કારણે હોઈ પઠન કાવ્યની મધુરતા વધારનારું બની રહે છે.એક જ કવિતાની પંક્તિ-પંક્તિએ અલગ અલગ લયનો અનુભવ પણ થતો હોય છે ! એને પામી કે ઓળખી શકાય તો કવિતાને આપણે સાચા અર્થમાં ઓળખવાનો આરંભ કર્યો ગણાય !

કવિના મનમાં ઉભરતો ભાવ જ્યારે અવતરવા મથે છે ત્યારે જ એ કોઈ લયને પસંદ કરી લે છે.કવિની અનુભૂતિ અભિક્યક્ત થવા પ્રવૃત્ત હોય છે ત્યારે જ એ ભાવને અનુરૂપ છંદની શોધ અને પસંદગી કરી લે છે ! (છંદમાં ન હોય તેવા કાવ્યમાં પણ લય તો હોય જ છે,જે કાવ્યના સર્જનની સાથે પ્રગટતી ઘટના છે)એટલે સિધ્ધ કવિને છંદ કદી બંધનરૂપ લાગતો નથી.(જોકે કાવ્યના સર્જનમાં પિંગળના છંદો અનિવાર્ય ગણાતા નથી.કાવ્યનો પોતાનો લય એ જ એનો છંદ.)આપણે 200 ફૂટના રસ્તા ઉપર પણ વ્યવસ્થિત ચાલી શકતા નથી જ્યારે બજાણિયો તો દોઢ ઈંચના દોરડા ઉપર કેટકેટલી લીલાઓ કરેછે !  
કવિને પણ એ જ રીતે છંદનાં બંધનો શબ્દલીલા કરવા માટે નડતર બનતાં નથી.છંદની નિયત થયેલી વ્યવસ્થામાં પણ તે ભાવ અને અર્થની લીલાઓ જગાવી જાણે છે,બલ્કે વધુ નિખરી ઊઠે છે.

છંદ :   કાવ્યની પંક્તિમાં શબ્દોની પસંદગી જેમ એક વિશિષ્ટ લય આપે છે તેમ નિયત થયેલા છંદોની વ્યવસ્થા પણ આપોઆપ વિશેષ લયને જન્માવે છે.( એ શબ્દોની ગુંથણીમાંથી કવિતાનો વિશેષ ભાવ-કે વિચાર પણ-પ્રગટાવવો એ કવિતાનું મહત્વનું પાસું છે પણ એનો વિચાર અહીં અપ્રસ્તુત છે.)

જેમ વાક્યનું એકમ પદ/શબ્દ છે તેમ શબ્દનું એકમ (આમ તો સાક્ષાત્ વાણીનું પણ ! )અક્ષર ગણી શકાય.સ્વરની મદદથી અથવા કહો કે સ્વરના જોડાણથી જ વ્યંજનનું ઉચ્ચારણ કરી શકાય છે.આવા સ્વરયુક્ત વ્યંજનનો એક એકમ તે અક્ષર કે શ્રૃતિ..છંદોમાં આ શ્રૃતિનું માપ કે એની લંબાઈને ગણતરીમાં લેવામાં આવે છે.જલદી ઉચ્ચારાતા અક્ષરોને લઘુ અને લાંબો ઉચ્ચાર માગતા અક્ષરોને ગુરુ કહેવાય છે.દા.ત.અ અને આ; ક અને કો; સ અને સ: આ બંને ઉચ્ચારોના ભેદને લઘુ અને ગુરુ શબ્દથી ઓળખાય છે. બારાક્ષરીમાંના અ, હ્રસ્વ ઇ; હ્રસ્વ ઉ;કોમળ અનુસ્વાર અને ઋ (જે હવે ઉપયોગમાં લગભગ નથી) એટલા અક્ષરો લઘુ છે.જેની માત્રા એક ગણાય છે.બાકીના આ;દીર્ઘ ઈ;દીર્ઘ ઊ; એ;ઐ;ઓ;ઔ;અં અને અ: આ બધા અક્ષ્રરો ગુરુ ગણાય છે.અને તેની માત્રા બે ગણાય છે.લઘુ અક્ષરને જો કાવ્યમાં લંબાવીને ઉચ્ચારવો પડે કે એને ગુરુ અક્ષરની જગ્યા પર યોજવામાં આવે કે ગુરુ અક્ષરને લઘુ તરીકે યોજવામાં આવે અને એક માત્રાના સમયગાળામાં ઉચ્ચારી દેવામાં આવે ત્યારે એને છંદનો ભંગ થયો કહેવાય છે. આપણે જાણીએ છીએ કે હિન્દી મુશાયરાઓમાં કવિઓ લઘુ શ્રૃતિઓને કારણ વગર લંબાવી લંબાવીને રજૂ કરે છે ત્યારે કાનને તે જચતું જ નથી.આવા છંદભંગો કાવ્યના સૌંદર્યને પારાવાર નુકસાન પહોંચાડે છે.

જોકે હ્રસ્વ ઇ અને હ્રસ્વ ઉ ને કવિઓ ઘણીવાર ગુરુ તરીકે પ્રયોજીને છંદને સાચવવા કરે છે કે પછી દીર્ઘ ઈ તથા દીર્ઘ ઊને લઘુ તરીકે પ્રયોજતા જોવા મળે છે.પરંતુ એકંદરે આ છૂટછાટ સહ્ય ગણાય તેવી હોય છે અને કવિને તે મળતી રહી છે.ઉપરાંત બે એક સ્થાનો એવાં પણ છે કે જ્યાં લઘુ અક્ષર આપોઆપ ગુરુ બની જતો હોય! ખાસ કરીને જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ  જ ગણાય છે.જેમ કે ‘પર્ણ’ માં પ લઘુ હોવા છતાં પછીના જોડાક્ષરના થડકારાને લીધે તે પ દીર્ઘ બની જાય છે. શક્તિનો શ ; ભસ્મનો ભ ; રક્ષાનો ર વગેરે લઘુ હોવા છતાં જોડાક્ષરના થડકારાને લીધે ગુરુ ઉચ્ચાર માગી લે છે. બીજો પણ એક નિયમ એ છે કે પંક્તિ કે ચરણ પૂરું થાય ત્યારે છેલ્લો અક્ષર પણ લઘુ હોય તો ય ગુરુ જ ગણાય છે ! ( એક પંક્તિ પૂરી કરીને બીજી પંક્તિ પર જતાં જે સમય લાગે છે તેને લીધે છેલ્લો અક્ષર આપોઆપ લંબાઈ જઈને ગુરુતા ધારણ કરી લે છે.)

છંદમાં દરેક અક્ષરનું નિશ્ચિત સ્થાન હોય છે.જ્યાં લઘુનું સ્થાન હોય ત્યાં જ તે આવી શકે;બીજી રીતે કહીએ તો ત્યાં  તે  જ ચાલી શકે,ગુરુ નહીં.છંદોમાં અક્ષરોના નિશ્ચિત સ્થાનને સમજવા માટે છંદોનું બંધારણ સમજવું જરૂરી છે અને એ માટે ગણોની ઓળખ મેળવી લેવી જરૂરી છે.એ બહુ જ સહેલું અને રસ પડે એવું,મઝાનું છે.પણ તે હવે પછીના હપ્તે ! 

—જુગલકિશોર.           

Responses

અભિનંદન! આ પ્રક્રિયા હવે ચાલુ જ રાખજો.

Aa khuba j avakaraniy ghatana chhe. Jugalkishorbhai abhinandan!
dakhalaa ane chand chayan prakriya vigate aapajo
Dr Rayeesh maniar pan aadishama sakriya chhe

હું પિંગળશાસ્ત્રનું પુસ્તક શોધતો હતો અને એટલામાં જ તમે આ લેખમાળા ચાલુ કરી. આપના લેખો મારા જેવા નવા નિશાળીયાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

થાવા દો ત્યારે,આ સુરેશભાઈના સાહીત્યચોરા ઉપર ઐતિહાસિક શિક્ષણકાર્ય !!

આભાર !

આજે આ પહેલો પાઠ શીખી.છંદ આવડી જશે ત્યારે ગુરૂદક્ષિણા જરૂર આપીશું.
ખૂબ ખૂબ આભાર.

મારા મત મુજબ છંદો શીખવા એટલે ગાવાનું ?! નહીં. ગાવા માટે છંદો શીખવાની શી જરુર ?

છંદો તો સુરેશભાઈ કહે છે તેમ આપણી કાવ્યરીતિનું ઘરેણું છે. એને આપણે ભૂલી ગયાં છીએ. અછાંદસ રચનાએ બહુ ઉંચી ઉડ્ડાન ભરી છે, એમાં ના નહીં. પણ આપણા વારસાને એમ જ જતો કરી દેવાનો ? હું ભણતો ત્યારે મારા ગુરુજી સ્વ. ન. પ્ર. બુચ મને કહેતા, આજે છંદમાં તમારો હાથ બેઠો છે તો ચાલુ રાખજો. ઘડિયાળના લોલકની જેમ ફરીને છંદોનો સમય આવશે ત્યારે તમે એને સાચવી રાખ્યો ગણાશે !
આજે હું ઈંટરનેટ પર છંદો શીખવવા મથું છું તો મને ગુરુજી બુચદાદા બહુ જ યાદ આવે છે, ખાસ કરીને તમે સૌ એમાં રસ લો છો ત્યારે !
મારે તો એમની શીખામણે કરીને એમની વાત સાચી પડશે એમ માનીને એમની વંદના પહેલી કરવી કે તમારા સૌની, જેમણે એમની વાત સાચી પડાવી જણાય છે !! ગુરુ દેવો ભવ ને શિષ્ય પણ દેવો ભવ !
તમ સહુનો ખૂબ આભાર !

આજ સુધી હું ફકત અછંદસ કવિતા જ લખતી આવી છું.અને પ્રકાશિત પણ થતી આવી છે.પણ હવે લાગે છે છંદનો નાદ લાગી જશે.ખાસ કરીને આપની સરળ રીતે ને લીધે.અત્યાર સુધી તો છંદ ની શી જરૂર છે..એમ પણ ચાલે જ છે ને?માની ને ઉપેક્ષા જ કરી છે.પણ હવે ઉપેક્ષા તો નહીં જ થાય.કેટ્લુ થઇ શકશે એ ખબર નથી.પણ…..
છંદના રંગમાં રંગાવુ બહુ ગમ્યું.
ખૂબ લ્હૂબ આભાર.

Leave a response

Your response:

Categories