Posted by: jugalkishor | December 20, 2006

ઉનાળો

કૉયલને આવી ગઇ ઋતુ,સંભળાવવાની વાત,
ટહુકામાં    મંજરીની   પ્રસરાવવાની     વાત.

વસંતની   આ   ડાળખીને   કૉળ્યાં     પાંદડાં
કંકોતરીમાં, કરે   પવન   ઉજવવાની,  વાત.

આંબાની  ડાળખીને  અડી   કોણ   કહી   ગયું
પાકી જશે આ સાખ,પછી લઇ જવાની વાત?!

આવીને  મારી  બારીએ  બુલબુલ  કહી  ગયું-
એને  ય ચાંચ કોઇની સ્પર્શી ગયાની  વાત !
                                                  –જુ.
                     ૦-૦-૦

ઝાડ સૉંસરો થઇને વહેલો  ટહુકો  જે દીન  છુટે,
મારે આંગણ  કુણો મઝાનો  નવો   ઉનાળો ફુટે.

વગડાની ડાળે ડાળે જઇ જયેં   ખાખરો  સળગે,
તસતસતા જોબનીયાને જૈ હયે ઉનાળો વળગે.

આંબે અમરતફળને  ઉની આંચ આપતો અટકે,
ગરમાળે સોનાનું  ઝુમ્મર   થઇ   ઉનાળો લટકે.

બપોર  બેઠી કાગનીંદરે   ઘડી ક    જંપી જાય,
રડ્યા ખડ્યા  ટહુકાને સંગે થાક ઉનાળો  ખાય.

સવાર, સાંજે, રાતે  છોને  છુટછાટ   ફરમાવે–
નાકાબંધી જોજો, કેવી કાલ  ઉનાળો   લાવે !!
                                                   –જુ.

                      0-0-0-0

Responses

આ ઠંડીમાં ઉનાળાવિશે સાંભળીને હુંફ અનુભવી હો :)

સરસ કાવ્યો…

Leave a response

Your response:

Categories