તાજ અને વ્યોમ
આકાશની નીલમ નીતરી ગળી,
એમાં જતો આરસપ્હાણ ઑગળી!
આ વ્યોમની નિર્મલ ઝાંય ભૂરી
ભૂરો કરે તાજમહાલ સ્હેજ !
જો તાજનું શુભ્ર પવિત્ર તેજ
ધૉળી રહે આભની ભીંત વિસ્ફુરી !
હ્યાં તાજ પુરો,શરુ આસમાં અહીં,
એ રૅણ સાંધો ન કળાય રે ક્યહીં !
આ તાજ ના કોઇ પદાર્થ રે ઘન
કે એ શકે આભનું રોકી પાત્ર,
એ શાહના પ્રેમનું સ્વપ્ન માત્ર,
જે કૉળિયું કાળ વિષે સનાતન !
શો તાજ કેરો લય આસમાને
મુમ્ તાજમાં ભળી જતો લહું શ્હાજહાંને !
‘તૃણનો ગ્રહ’ -ઉશનસ્.
—૦૦૦—૦૦—૦૦૦—
તાજની ડૂંખ.
કાલિન્દીની શ્યામલ ડાળ-ડાળીએ
શું મોગરાની કળિયોનું સુશુભ્ર ઝૂમખું !
શી ડૂંખની ડૂંખ જ આખી ઝૂકી છે !
ને હા, હજી મધ્યની એક માત્ર
કળી જ જ્યાં પૂર્ણ પ્રફુલ્લ પુષ્પમાં
છે ઘુમ્મટે ઊઘડી, આજુબાજુની
બેચાર બીજી કળી છે અધૂકડી,
ત્યાં છાક તો આ કળી-ગુચ્છનો જુઓ :
શી શુભ્ર એની રજના પરાગે
લાદી હવા સુસ્ખલતી પ્રકાશતી !
-તો જે દી આ ભોડ થયેલ બીજી
ચારે મીનાર કળી-જોબન ફાટુ ફાટુ-
આ’ગાગવો ઘુમ્મટ કાઢી ફૂટશે
આ આભનાભંવર લબ્ધનું હાય,શું થશે!
-ઉશનસ્.


