અંજલીમાં ઓઘ છલકાવે ગઝલ !

ગઝલ
-જુગલકીશોર————–

સાંભળું  તો  કંઈક  સંભળાવે ગઝલ,
સાનમાં એ  કંઈક   સમજાવે ગઝલ.

શબ્દની છલના,શી લીલા આ બધી-
અર્થને જ્યાં શોધું, ટટળાવે  ગઝલ!

શબ્દના   ઘોંઘાટ    વચ્ચે    આટલા
કાન   પાસે    હોઠ   ફફડાવે  ગઝલ.

શબ્દના  રસથાળ  વણબોટ્યા રહ્યા,
સ્વાદની  કૈં  યાદ  મમળાવે ગઝલ.

સાત  સાગર    ઉછળે   અંદર  બધા,
અંજલીમાં  ઓઘ   છલકાવે   ગઝલ.

આભથી   દરીયાની   વરસે  વેદના,
આંખથી બે,  શબ્દ ટપકાવે ગઝલ.

ક્યાંકથી   સંતાપની   સાપણ   ડસે-
અંગ અંગે  દાહ   પ્રસરાવે   ગઝલ.

સોગઠાંને   ગોઠવ્યાં    ચોપાટ   પર
ચાલ ચાલે એવી, અકળાવે ગઝલ.

શબ્દનો ધ્વજ આભ ફરકાવે ગઝલ,
અર્થને  પાતાળ   સરકાવે    ગઝલ !

 

ગઝલો ‘વાંચવા’ની વાત.

ડૉ. વિવેકની એક સબળ-સફળ ગઝલ  અંગે માંડીને વાત ! 
–જુગલકીશોર=======================================================

દુન્યવી અંધેર વચ્ચે મૂકી  ગઝલો  વાંચજો,
ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
શબ્દમા  માઈ  શકે  એવી બધી પીડા નથી,
આંગળી બે શે’ર વચ્ચે  મૂકી ગઝલો વાંચજો.
ખુરશી-ટેબલ, પેન-કાગળ લઈ ગઝલ લખતો નથી,
‘છું સતત રણભેર’- વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,
મોરપીંછું   એક  વચ્ચે  મૂકી  ગઝલો   વાંચજો.
લાગે પોતીકો એ ખાતર શે’ર આ અડધો મૂક્યો…
જે ગમે તે બહેર   વચ્ચે  મૂકી ગઝલો વાંચજો.
સૂર ના જન્મે હવા પોલાણમાંથીગુજરે પણ,
દૃષ્ટિમાં બે છેદ વચ્ચે મૂકી ગઝલો   વાંચજો.
જોજનો આઘે   થયાનું  દર્દ જાગે જે ઘડી,
મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
શબ્દની ઈંટો મૂકી બાંધ્યું છે આ ગઝલોનું ઘર,
શ્વાસની સિમેન્ટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.
-વિવેક મનહર ટેલર
————————————————- 

અહીં ગઝલ નહીં પણ ગઝલો વાંચવાની વાત કરવામાં આવી છે. ને એ રીતે આ રચનામાં ગઝલને એક નવા પરીમાણ પર મુકી આપી છે. ફક્ત ગઝલ વાંચવાની વાત હોત તો  આ રચનામાં નીર્દેશેલ ગઝલ પુરતી જ એ વાત મર્યાદીત બની રહેત. જાણે ડૉ.વિવેક વાચકને પોતાની આ પ્રસ્તુત ગઝલ કેમ વાંચવી એ શીખવાડતા હોય તેમ જ લેખાત. એને બદલે એમણે ગઝલો વાંચજો કહીને પોતાની આ ગઝલને જ નહીં પણ કોઈપણ સાહીત્ય રચના વાંચવા, સમજવા, એમાં રહેલાં વ્યંજના-ગુઢાર્થ વગેરેને ઉકેલવા, જરુર જણાય તો એના પરથી કશોક બોધ લેવા અને એમ કરીને કોઈપણ સાહીત્યકૃતીને માણવાની રજુઆત કરી છે.

 

આ વાતને વધુ સ્પષ્ટ બનાવવા તેમણે એક પછી એક બાબતોને આગળ કરીને કામ ચલાવ્યું છે.

 

સૌથી પહેલાં તો એમણે દુન્યવી અંધેર કે અંધાધુંધી કે અરાજકતાથી જાણે કે બચવા સાહીત્યરુપી  ઉપાય કરવા નીર્દેશ આપ્યો છે. પણ એમાં એમણે એક  મહત્વની વાત પણ કહી દીધી છે કે અંધેર વચ્ચે ઘણીવાર કૃતી (દીવો)પણ પુરેપુરી ઉપયોગી થઈ શકતી નથી. ( એનાં ઘણાં કારણો હોઈ શકે છે : કાવ્યની અધુરપ-કાવ્યની કચાશ-કાવ્યની નીરુદ્દેશતા-કાવ્યનું અઘરાપણું-કાવ્યનું ‘કલા ખાતર કલા’પણું વગેરે !!) તેથી એમણે ખુદનું તેજ (પોતાની આવડત-સમજણ-ક્ષમતા-શ્રદ્ધા-નીષ્ઠા) પણ વચ્ચે મુકીને વાંચવા કહ્યું છે. અહીં જોઈ શકાશે કે સાહીત્યનું સર્જન જેટલું મહત્વનું છે એટલું જ એનું વાચન-ભાવન પણ અગત્યનું છે. સર્જનનો હેતુ એને સામે છેડે પહોંચાડીને જ સફળ થઈ શકે. પોથીમાં પડી રહેનારું સાહીત્ય શા કામનું ?  વળી, કાવ્ય સંપુર્ણ હોય તો પણ ભાવકે ભાવકે (તુંડે તુંડે) મતીર્ભીન્ન હોવાથી પોતાની વીશેષ દૃષ્ટીથી એને માણવાનું હોય છે.

 

બીજા શેરમાં તેમણે પીડાને શબ્દમાં ન સમાઈ શકે તેવી બતાવી છે. ને પછી જાણે શબ્દની શક્તીઓછી પડતી હોઈ ‘બીટ્વીન ધી લાઈન્સ’ રહેલા અર્થને પામવાની જરુર પણ સુચવી દીધી છે !  અઘરા પ્રશ્નોને માટે પેપરના કોઈ ખુણે જાણે જવાબની તરકીબ પણ બતાવી આપી છે !

 

ત્રીજા શેરમાં કવી સર્જન પ્રક્રીયામાં રહેલી સ્થુળ બાબતોને, સ્થુળ ઉપકરણોને  કોરાણે મુકીને પોતાની મન:સ્થીતીનોનીર્દેશ કરીને સર્જન પ્રક્રીયામાં રહેલી અનેક સરળ-કઠીન બાબતોને સુચવે છે. સાહીત્ય-સર્જની આ પ્રક્રીયા એક વીશેષ અનુભવ હોઈ ભાવકે એનો પણ ખ્યાલ રાખીને કોઈપણ કૃતીને માણવા માટે ભાવક-ક્ષમતા કે ભાવકની સહાનુભુતી નો પણ ઉલ્લેખ કર્યો છે.

 

એ જ રીતે પાંચમા શેરમાં પણ આ વાત જરા જુદી રીતે દોહરાવી છે કે કેસર્જકે તો કૃતી સર્જીને મુકી દીધી છે, હવે એને માણવા માટે વાચકે વાચકે (તુંડે-તુંડે) પોતાની ભાવક -ક્ષમતાવાપરવાની રહે છે ! છેલ્લા શેરમાં પણ સર્જકે ભાવક ઉપર બીજી વધુ જવાબદારી નાંખીને પ્રત્યાયન-વ્યાપાર સફળ બનાવવાની વાત મુકી છે.

 

આટલા શેર કાવ્યના સર્જન-ભાવનને સ્પર્ષતા શેર છે. બાકીના ચાર, છ અને સાતમા શેર, મેં શરુઆતમાં જ કહ્યું તેમ આ “ગઝલો” શબ્દની વ્યંજનાદ્વારા કાવ્યની બહાર આપણને લઈ જાય છે. અહીં પણ જોકે સુક્ષ્મ રીતે તો ગઝલ કે કૃતીને વાંચવાની વાત તો છે જ. જેમ કે આખી ગીતા ન વાંચી શકો તો દરરોજનો અર્ધો શ્લોક પણ વાંચવાથી મળતા પુણ્યની વાત ગીતામાહાત્મ્યમાં દેખાડી છે તેમ જાતરાનું ફળ એકાદ પીંછાંથીય મળવાની ખાત્રી (લાલચ ?!) અપાઈ છે. જ્યારે છટ્ઠા શેરમાં સીધી પોલાણમાંથી પસાર થઈ જતી હવા અને અધ્ધરથી જ સમજાયા વગર ઉપર ઉપરથી જ નીકળી જતો અર્થ કે કાવ્યનો ભાવાર્થ ન મળે ત્યારે દૃષ્ટીનો સહારો લેવાની વાત મુકી છે. (’દૃષ્ટી’ શબ્દના અનેક અર્થો આગળ ચર્ચાઈ ગયા હોઈ રીપીટ કરવા જરુરી નથી) …અને છેલ્લે સાતમા શેરમાં  દુરત્વને પણ સર્જન ન સમજાવા ન પામવાની મુશ્કેલી રુપે બતાવીને દુરત્વ ઘટાડવા માટે મનનો સહારો લેવાની વાત, ભલે ખેંચીતાણીને કરવાના અર્થઘટન  તરીકે ગણીએ , તો આ શેરમાં પણ રસ્તો બતાવાયો છે.  જો કે  આ શેરને અન્યથી અલગ ગણવો જ રહ્યો. એમાં ગઝલોના વાચન સાથે જોડવાની તક બહુ નથી.

 

એકંદરે “ગઝલો” શબ્દ વડે સર્જકે ભાવકને  કાવ્યને પામવાની જુદી જુદી રીતો, ક્યાંક તો તરકીબ, બતાવી છે.  આ રચના ખાસ તો સાહીત્ય-કૃતીના પ્રત્યાયનનો હેતુ વધુમાં વધુ સફળ થાય, સીદ્ધ થાય એ માટેની મથામણની રચના છે.

 

આ ગઝલમાં કેટલીક સ્થુળ-સુક્ષ્મબાબતો વીચારવા જેવી લાગે છે તેને પણ વણી લઈશું ?

1] “દુન્યવી અંધેર”  શબ્દ પછી તરત જ કયો પ્રત્યય મુકીશું, ને  કે ની ?!!  બન્ને વંચાય છે !

2] શબ્દમાં માઈ શકે એવી બધી દ્વારા શું સમજાય છે ?  એકબાજુ શબ્દ કરતાં  મોટી હોવાનું કહેવાયા પછી એવી બધી ન હોવાની વાત વીરોધાભાસ જગાડે છે.

3] રણભેર શબ્દ એનો પુરો અર્થ સમજાવી શકતો જણાતો નથી.

4] “દૃષ્ટીમાં બે છેદ” કે પછી “દૃષ્ટીથી” બે છેદ ?  માણસના દૃષ્ટીકોણમાંછેદ પાડવાની વાત  વીચાર માગી લે છે.

5] ભાવક કોઈ એક જ શેરને પોતીકો બનાવે એવી વાત સર્જક શી રીતે કરી શકે ? અને તે માટે થઈને શેરને અર્ધો રાખવો જરુરી નથી. જો કે પાદપુર્તી કરવાની હોય તો જુદી વાત છે, પણ અહીં તો બીજી પંક્તીય  પણ આપી હોઈ એની શક્યતાય કેટલી  ?

6] પછીના શેરમાં સ્થુળતા વધુ દેખાય છે.

7] સીમેન્ટ મજબુતીનું પ્રતીક છે. એને કાવ્યસર્જન થઈ ગયા બાદ વાપરવી તે કેટલું વાજબી ? કેટલું વ્યાવહારીક ? કેટલું સલામત ?!  શ્વાસની શક્તી કે શ્વાસ દ્વારા મજબુતી એવું અર્થઘટન બેસતું નથી.  શ્વાસ થંભાવીને એમ પણ અર્થ લઈ શકાય. પણ  એ અહીં શક્ય છે ?

8] ગઝલના આરંભે મુકેલા ચીત્રને “પીળું સોનું” નામ આપ્યું છે તે  બેસતું નથી. સોનું પીળું જ હોય. પાણીની વોટરબેગ જેવી વાત થઈ ગણાય ?

 

આટલી ક્ષતીઓ બતાવીને પણ આ ગઝલને અનેક રીતે મુલ્યવાન ગણવા ગણાવવા મન થાય તે સ્વાભાવીક છે. ગઝલમાં સુક્ષ્મ રીતે  સાહીત્યસર્જન અને પ્રત્યાયન કાર્યની વાતને બહુ મઝાથી કરીને ડૉ.વિવેકે આપણને એક સુંદર ગઝલ આપી છે. આ ગઝલની પોસ્ટ નીચે મેં મુકેલી કોમેન્ટમાં દર્શાવ્યા મુજબ એને બરાબર માણીએ……અસ્તુ.

 

 

અંગ્રેજીની જેમ જ ગુજરાતીની ભુલોથી શરમાઈશું ક્યારે ?!

ઈન્ટરનેટ પર ગુજરાતી : 1

–જુગલકીશોર=======================================

અહીં, ઉપરના શીર્ષકમાં  ‘ગુજરાતી’ શબ્દ બન્ને અર્થમાં લેવાનો ઉપક્રમ છે : ‘ગુજરાતીઓ’ અને એની ‘ભાષા-ગુજરાતી’. નેટ ઉપર આપણે બધાં ગુજરાતીઓ તરીકે અને ગુજરાતી ભાષા માટે અથવા કહો ને કે ગુજરાતી-માધ્યમથી વીશ્વભરમાં એકતા અનુભવી રહ્યાં છીએ.

આ જ સંબંધે કેટલીક બહુ જ મહત્વની વાતો કરવા ઘણા સમયથી મન હતું પરંતુ કોઈને કોઈ કારણસર આ વાતને આરંભ મળતો ન હતો.

આજે આ વાતનો આરંભ કરવા માટે ગુડી પડવા જેવો પવીત્ર દીવસ મળી જતાં એને સ્પર્શી લીધો છે. આશા છે આ નવા કાર્યને પણ સહયોગ સાંપડશે જ.

ગુજરાતી ફોન્ટ્સની ઉપલબ્ધી :

હજી હમણાં સુધી આપણી પાસે ઈન્ટરનેટ પર ગુજરાતીમાં લખવું શક્ય નહતું. ઈન્ટરનેટ આવ્યાંને ઘણો સમય થયો ત્યાં સુધી આપણી પાસે અંગ્રેજોએ વળગાડેલી ભાષા જ હતી. ઈ-મેઈલ પર એ આંગ્લભાષા વગર આપણે અપંગ અને પાંગળાં હતાં. એક અક્ષર પણ આપણે આપણી માતૃભાષામાં લખી કે વાંચી શકતાં ન હતાં ! ( આજે પણ આપણામાંનાં ઘણાંય હજી એ ઓબ્લીગેટરી ભાષાની જ લીપીમાં ગુજરાતી વ્યવહારો કરીને એને વળગી રહ્યાં છે !)

આપણી પાસે ગુજરાતી ફોન્ટ્સ આવ્યા એ વાતનું મહત્વ જેટલું આંકીએ એટલું ઓછું જ છે. એ ન મળ્યા હોત તો આજે પણ આપણે અંગ્રેજી/રોમન લીપીમાં જ લખી રહ્યાં હોત ! પરંતુ ભલું થજો એ શ્રેષ્ઠીઓનું જેમણે સમય-શક્તી-શ્રીને છુટ્ટે હાથે વાપરીને આપણને અનેકાનેક આકારોમાં ગુજરાતી ફોન્ટ્સ ઉપલબ્ધ કરાવી આપ્યા. આ ક્ષેત્રના સૌ કોઈ કુશળ કાર્યકરો - ટેકનોક્રેટ્સ -નાં પણ આપણે સૌ ઋણી છીએ અને રહેવાનાં !!

કોમ્પ્યુટરો હવે લગભગ હાથવેંતની વસ્તુ બની ગઈ છે ત્યારે અને એના દ્વારા બધા જ પ્રકારનો ભાષાકીય વ્યવહાર શક્ય અને સહજ બની ચુક્યો છે ત્યારે આપણે આપણી માતૃભાષાની સેવા એના દ્વારા કરવા માટે તૈયાર (તો છીએ જ પરંતુ એનો વધુમાં વધુ યોગ્ય રીતે વીનીયોગ કરવા પણ તૈયાર) થઈએ.

આજે આપણાંમાંનાં જે કોઈ ગુજરાતીમાં વ્યવહાર કરે છે તે સૌને પુછવા જેવા પ્રશ્નો મનમાં ઉગે છે કે આપણે પ્રયોજીએ છીએ તે ગુજરાતીભાષાને આપણે પુરેપુરા વફાદાર છીએ ખરાં ?

આપણે જે પ્રયોજી રહ્યાં છીએ તે લીપી જ નહીં પરંતુ લીપી દ્વારા વ્યક્ત થતી સામગ્રીને પુરી રીતે ન્યાય આપી રહ્યાં છીએ કે કેમ ?

અંગ્રેજીમાં થતી ભુલો બદલ આપણે તે વીદેશી ભાષા કે અન્યની ભાષા હોવાથી જ શું શરમાઈએ છીએ ? અંગ્રેજીમાં થતી ભુલો નીવારવાના બધા જ પ્રયત્નો કરવામાં આપણે ક્યારેય કચાશ દાખવતા નથી કે આળસ કરતાં નથી તે જ રીતે ગુજરાતીમાં આપણે કરીએ છીએ - કરવાનાં છીએ ?

ભાષાક્ષેત્રના માણસ ન હોય તેવા સૌ કોઈ પણ અંગ્રેજીભાષા માટે હંમેશાં જે દાનત / કાળજી રાખે છે તેવી આપણી માતૃભાષા માટે પણ રાખે છે ખરા - રાખવા ઈચ્છે છે ખરા ? 

આ બધા જ પ્રશ્નો આજના સપરમા દીવસે સૌની સમક્ષ મુકીને હું કોઈ ગીરીપ્રવચન આપવા માંગતો નથી !! કે નથી કોઈ છુપી હીલચાલ કરીને સૌને ભળતા માર્ગે લઈ જવા મથી રહ્યો !!! હું જે કાંઈ આપણી માતૃભાષા અંગે કહી રહ્યો છું તે આજે હયાત અને પ્રવર્તમાન જે ભાષા છે, તેની જે લીપી અને તેની જે ચાલુ જોડણી  છે તેને જ વશ વર્તીને કે એની જ વફાદારી રાખીને સૌને સંબોધી રહ્યો છું અને ઢંઢોળી રહ્યો છું…

ઘણાંને સવાલ થશે કે હું પ્રચલીત જોડણીને કોરાણે મુકીને, તો પછી, આ નવીને કેમ વશ વર્તી રહ્યો છું ?! સવાલ મહત્વનો હોવાથી એનોય ઉલ્લેખ કરીને જ આ સમગ્ર લેખમાળાને ન્યાય આપી શકીશ, તેથી જવાબ પણ અહીં જ આપી દઈશ.

ભાષાવીજ્ઞાનનો માણસ છું અને ભાષાકીય ઘણી હકીકતો જાણું છું તેથી (અને તે છતાંય)એની તરફેણમાં એકપણ દલીલ કર્યા વીના હું એટલું જ કહીશ કે ‘શુદ્ધભાષા’ના 100માંથી જોડણીના ભાગે આવતા 15-20 %ના ફક્ત ને ફક્ત 1/30 અંશમાં જ હું અલગ પડું છું !!! જોડણીના 15-20 %ને બાજુએ રાખીએ તો બાકીના બધા જ - 75-80 % - બાબતે તો હું આજના નેટ પર વ્યવહારો કરનારાં ઘણાઓ કરતાં  આગળ જ નહીં, ચુસ્ત પણ છું ! વળી જોડણીમાં પણ એક ઈ-ઉને બાદ કરતાં બાકીના બધા જ, (હા લગભગ બધા જ !)  જોડણીનીયમો (કે જે કુલ ભાષાશુદ્ધી માટેના નીયમોનો નાનકડો ભાગ છે !) પાળી બતાવું જ છું !! એટલે ભાષાની શુદ્ધીને લાગેવળગે છે ત્યાં સુધી આટલી ક્ષુલ્લક વાતને મહત્વ આપ્યા વીના આપણે સૌ આપણી ભાષાની લગભગ 90 % વાતે એકમત થઈને અંગ્રેજીને આપીએ એટલું જ મહત્વ આને આપીને કંઈક પ્રયત્નશીલ થઈએ.
============================================================
(શુદ્ધભાષા માટેની લાહ્ય લઈને લખવા મથતા મારા જેવા એક નાના ગુજરાતી કાર્યકરની હવે પછી હપ્તા વાર આવનારી ઘણી જ ઉપયોગી વાતોને સ્વીકારવા મથીશું ?)
.

કેટલાંકને ખબર નૉ’તી; પછી પડી; પણ હવે ?

ગુજરાતી ભાષાજગતનું નવલું નઝરાણું “એનું વખાણ સદા સુણાવજો”
જુગલકીશોર======================================
ગયા અંકે આપણે લેક્સીકોનની એક ઝલક ફક્ત માણી હતી. આજે એની અંદર ડોકીયું કરીને જેટલી મળે એટલી કીમતી જણસો વીણી લઈએ.
હા, આ એક એવું વીશાળ સરોવર છે જેમાંથી એક ક્લીકે કરીને ભાષાનો પારાવાર પ્રાપ્ત કરી શકાય છે ! લેક્સીકોન પોતે એક સરોવર હોવા છતાં એમાં જે શબ્દવૈભવ છલકે છે તેમાંના શબ્દો અને એના અનેક ઉપયોગોને જાણીએ-સમજીએ તો એ ગુજરાતીભાષાનો હીલોળા લેતો જાણે સાગર જણાશે !
વીસ વીસ વરસ સુધીની કોઈ એક વ્યક્તીની અથાક મહેનત અને અઢળક ધનરાશીના વીનીયોગની ફલશ્રુતી એટલે આ શબ્દરાશી લેક્સીકોન !! (આ વાદળી રંગના અંડરલાઈન કરેલા એક શબ્દને એક જ –હા, ફક્ત એક જ !– ક્લીક કરવાથી એ શબ્દસાગરમાં ડુબકી પર ડુબકીઓ મારીને અતી કીમતી ને ઉપયોગી મોતીડાં પ્રાપ્ત કરી શકાય છે !! )
શું છે, આ લેક્સીકોન નામના શીર્ષકની ભીતરમાં ? ચાલો થોડું જાણવા મથીએ !
1]  એનાં મુખ્ય મુખ્ય પેટા શીર્ષકો છે :
હોમ / ગેલેરી / ન્યુઝરુમ / એબાઉટ અસ / કોન્ટેક્ટ અસ / ડોનેટ અને વારંવાર પુછાતા સવાલો.
2]  એના વીવીધ કાર્યક્ષેત્રો - વીભાગો છે :
ડીક્ષ્નરી / ઓપોઝીટ વર્ડ / ઈડીયમ્સ /પ્રોવર્બ /થીસોરસ / હેલ્પ
3]  એમાં વાંચવા મળી શકે એવાં ખુબ મઝાનાં ગુજ.સામયીકો પણ છે તે —
સન્ડે મહેફીલ / ઓપીનીયન / માતૃભાષા.
હવે આ બધાંને એકપછી એક સ્પર્શ કરીને ખોલીશું તો જોવા મળશે અદ્ભુત અને અમુલ્ય ખજાનો !! ચાલો ત્યારે એને ય ખોલી જોઈએ :
હોમ :
1] લેક્સીકોનનો ટુંકો ઈતીહાસ ; એના ઉદ્ઘાટનની વીગતો; કોશ વીષે અને એના સર્જક શ્રી રતીકાકા વીષે ;
2] શબ્દ-પઝલો અને દરરોજ એક શબ્દની સમજ (વર્ડ ઓફ ધી ડે)
3] શબ્દો અને અન્ય વીગતોની સમજુતી (ઈડીયમ્સ વગેરે)
4] રોજીંદા તાઝા સમાચારની ઝલક
5] સ્પોન્સર્સ પરીચય ; ફોટોગેલેરી ; હેલ્પલાઈન વગેરે
6] છેલ્લી ક્ષણ સુધીના વાચકોની સંખ્યા. [ આ લખ્યું ત્યારે હતી 8,02,611 ]
ફોટોગેલેરી :
 ચાર પેજ ભરીને અલભ્ય ફોટાઓ અહીં જોવા મળશે. જરા ઉઘાડી જોશો ?
ન્યુઝરુમ : આ રુમમાં બે બાબતો જાણવા મળશે –
1] આજ સુધીમાં લેક્સીકોન અંગે જે કાંઈ છપાયું તેનો પુરેપુરો મુળ સ્વરુપે અહેવાલ !! આજ સુધીમાં કુલ 31 સામયીકો–દૈનીકોમાં ગુજ.લેક્સીકોન અંગે વીગતવાર છપાયું છે જે  સીધું પીડીએફમાં મુકાયું છે. જ્યારે
2] લેક્સીકોન અંગે પ્રખર વીદ્વાનોના લેખને તો સીધી લીંક આપીને જ મુકવામાં આવી છે !! એમાંય જરા ઝાંકી શકાય તો ઝાંકી જોજો – 
======================================== 
અને હા ! આ તો મહા સરોવર છે. એને આમ એક બેઠકે વર્ણવી તો ન જ શકાય ને ! એટલે એક છોટાસા બ્રેક લે કે બાકીકા દેખેંગે અગલે હપ્તે !! ત્યાં સુધીમાં આ સરવર-સફરને માણો !
                                 —====00====—

કેટલાંકને હજી પણ ખબર નથી !!!

ગુજરાતી ભાષાના પ્રેમીઓ !
ગુજરાતી સાહીત્યરસીકો !!

આપણામાંથી ઘણાંને ખબર છે કે ગુજરાતી ભાષા-સાહીત્યના આકાશમાં એક અત્યંત તેજસ્વી તારલો પ્રકાશી ઉઠ્યો હતો, જુલાઈ, 2006માં લંડનમાં. તે દીવસે ગુજરાતી લેક્સીકોન [વીશ્વ સમસ્તનો સૌ પ્રથમ ગુજરાતી કોશ ]નું પ્રગટીકરણ  થયું હતું !  20 વરસની ભારે જહેમત અને પારાવાર ખર્ચ કરીને સમગ્ર ગુજરાતીજગતનો બહુમુલ્ય (કહો કે અમુલ્ય) ખજાનો ખુલ્લો મુકાયો હતો !

આપણામાંથી ઘણાં આ વાત સુપેરે જાણે છે એ ખરું પરંતુ હજી આજે પણ બહુ મોટો વર્ગ આ નથી જાણતો એની વેદના હૈયે લઈને આજે આ લખવા આંગળીઓ તલસી છે. આ કોશ એ ફક્ત શબ્દકોશ જ નથી. એ કોઈ શબ્દોનું બંધીયાર તળાવ નથી. એ સતત જીવંત અને પોતાના વીશાળ જળરાશીથી તરસ્યાં જગતને આકંઠ પાન કરાવનાર મહાનદ છે.

સૌએ હૈયે કોતરી રાખવા જેવું છે આ : ક્લીક   >   ગુજરાતી લેક્સીકોન 

ગુજરાતીના અનેકાનેક અને અત્યંત જાણીતા-માનીતા શબ્દકોશોની વચ્ચે નેટજગતનો આ સૌ પ્રથમ ગુજરાતી કોશ હવે આપણી સમક્ષ આંગળીના ટેરવે ઉપલબ્ધ થયો છે !! વળી, એની સાથે જ, હમણાં તાજેતરમાં જ, સ્પેલચેકર પણ તૈયાર થઈને આ કોશની પડખે, એની સેવામાં [જાણે વીષ્ણુના શેષનાગ રુપ !] આવી વસ્યો છે ! આ ગુજરાતી લેક્સીકોન અને સ્પેલચેકર થકી આપણું નેટજગત હવે ભાષા ક્ષેત્રે રાંક રહ્યું નથી, બલ્કે સમૃધ્ધ અને સમર્થ બન્યું છે.

સાત લાખ,ચુમ્મોતેર હજાર, પાંચસો બાસઠ વ્યક્તીઓની સાથે આપણે પણ આ નવા અને નીત્યનુતન - તદ્દન હાથવગા અને આપણી સૌની ભાષાસમૃધ્ધીને સદા ઉપકારક એવા કોશને આપણા ભાષાશરીરના એક અત્યંત પાયાના કોષ તરીકે સ્વીકારીને રોજીંદા વ્યવહારમાં એનો વીનીયોગ કરીએ, કરાવીએ. 

સુજ્ઞેષુ કિં બહુના !!
–જુગલકીશોર.
                                 —===0000===—

મારી પ્રથમ નવલીકા !!

ચાની લારીએ…
જુગલકીશોર=========================

‘આ પાંઉંના કેટલા પૈસા ?’ વહેલી સવારે રોડ ઉપરની ચાની લારી પાસે આવીને એક વૃદ્ધે લારીવાળને પુછ્યું.
‘આઠ રુપીયા.’ જવાબ મળ્યો.
‘આઠ રુપીયા ?’ જવાબી વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચીહ્ન ઉમેરીને વૃદ્ધ ઘરાકે વાક્યનો સંદર્ભ લારીવાળાથી ખસેડીને ઘરાક સાથે જોડી આપ્યો.
‘એ પાંઉં નથી; માખણ સાથે ખાવાનું બન છે.’ લારીવાળાએ ધંધો સ્પષ્ટ કર્યો.
‘આઠ રુપીયા !!’  વૃદ્ધે હવે વાક્યની પાછળ આશ્ચર્યચીહ્ન પણ ઉમેરીને ખીસ્સામાં રહેલા સીક્કાઓને મમળાવવાનું શરુ કર્યું…..મોંમાં એની જીભ પણ એ જ કાર્યમાં રત હતી. લેમન કલરની બનની ઢગલી જોઈને એની ભુખ પુરી જાગ્રત થઈ ચુકી હતી. પણ હાથનાં આંગળાંની આસપાસ ફરી રહેલા સીક્કાઓ એની ભુખને મારી નાખવા માટે તત્પર હતા…

આવી બન પહેલાંના વખતમાં મળતી નહોતી. પહેલાં તો પાંઉંનો ટુકડો મળતો. ચાના કપમાં દબાવીને ખાવાની લીજ્જત ઑર જ હતી. પણ પાંઉં પણ આવ્યા તે પહેલાં તો સાંજની રાખેલી ભાખરી ઉપર થીનું ઘી લગાડીને ચા સાથે લેવામાં આવતું…

બાળકો નાનાં હતાં. પોતાને વહેલાં જાગીને નોકરી માટે દોડાદોડ કરવાની રહેતી. પત્ની પ્રેમાળ હતી પણ એને વહેલાં જગાડીને તકલીફ આપવાનું ગમતું નહીં. પોતે જાતે જ પ્રાતઃકર્મો  પતાવીને ચા બનાવી લેતો. ફેક્ટરીમાં કન્સેશનલ ચાર્જમાં જમવાનું મળતું હોઈ કેન્ટીનમાં જમી લેવાનું બધી રીતે ફાયદાકારક હતું…ટીફીન બનાવવાની ઝંઝટ રહેતી નહીં;ટીફીનમાં શાકનો રસો ઢોળાવાની ચીંતા નહીં; દાળભાત જમવા મળતા હતા…અને સૌથી વીશેષ તો ફેક્ટરી તરફથી મળતું ભાણું બહુ સસ્તું પડતું હતું…

પરંતુ બપોરની રીસેસ વખતે જ એ મળતું હોઈ સવારે નાસ્તો કરવો બહુ જરુરી હતું. ત્યારથી વહેલાં ચા સાથે નાસ્તો કરવાની આદત પડવી શરુ થઈ ગઈ હતી.

નોકરીના હોદ્દામાં અને પગારમાં વધારો થતો ગયો તેમ તેમ સવારના નાસ્તાની વાનગીઓમાં પણ વીવીધતા આવતી ગઈ હતી.પત્નીને વહેલાં જાગવું ન પડે એ કારણસર રાતે સુતાં પહેલાં જ નાસ્તાની વ્યવસ્થા કરી લેતાં.નોકરીએ હાજર થવાની ઉતાવળમાં ચાની સાથે લેવામાં આવતી જુદીજુદી વાનગીઓનોય જમાનો હતો ! એને આરોગવામાં ઉતાવળ થતી એટલું જ, બાકી એ નાસ્તાની લીજ્જત દાઢમાં ભરાઈ રહેતી - છે..ક કેન્ટીનના ભોજન સુધી…!

પછી તો સવારનો નાસ્તો એક આદત બની રહ્યો. નાસ્તાના સ્વાદનું દાઢમાં ભરાઈ રહેવું એ જીવનભરનું ભરાઈ રહેવું બની ગયું હતું. સવાર પડી નથી ને જીભથી લાળનાં પાણી ટપકવાં લાગ્યાં નથી. સવારનો નાસ્તો બપોરની કેન્ટીનથાળીથી જ નહીં, સાંજના સૌની સાથે થતા વાળુ કરતાંય મીઠો લાગતો…સાચ્ચે જ ચાની સાથેનો સવારનો નાસ્તો એક વ્યસન બની ચુક્યો હતો..

પછી તો  છોકરાંઓની જેમ જ ખર્ચાય મોટા થતા ગયા. પગારનો વધારો એ ખર્ચાઓના વધારા સાથે હરીફાઈ કરતો ગયો. પરંતુ છોકરાંઓની ઉંમર, એમના નવા નવા શોખ, પ્રેમાળ પત્નીના લાડકોડથી છલકતો માતૃપ્રેમ વગેરે મળીને પગાર વધારાને છેક જ હરાવી દેતા થયા.

પછી તો કુલ માસીક પગારે હાર સ્વીકારી લીધી હતી……….

પ્રેમાળ પત્નીત્વ પણ લાડકોડથી છલકતા માતૃપ્રેમ પાસે હારતું ગયું. છોકરાંઓના નાસ્તા માટે વહેલાં જાગી ઉઠતું માતૃત્વ આધુનીક વાનગીઓ જેમ જેમ શીખીને બનાવતું ગયું તેમ તેમ પોતાના સવારના ચાની સાથેના નાસ્તાની આઈટેમો ઘટતી ગઈ. પગાર અને ખર્ચાઓ વચ્ચેની લડાઈ તો હતી જ - હવે તો લાડકોડથી છલકાતા માતૃત્વ અને પ્રેમાળ પત્નીત્વ વચ્ચેય ચકમક શરુ થઈ ચુકી હતી. પરીણામે જાતે ચા બનાવીને નાસ્તા સાથે પીવાનો ક્રમ ધીમે ધીમે બદલતો થયો.નાસ્તાની વાનગીઓમાં ઘટાડાનું પ્રમાણ એટલી હદે થયું કે એકલી ચા જ રહી; જીભેથી ઝરતી લાળને ગળા નીચે ઉતરવામાં ચા કંપની આપતી.

કેન્ટીનનું ભાણુંય પછી તો ઓછૂં પડતું હોય તેવો વહેમ શરુ થયો. પણ વધતી ઉંમરમાં પેટ જરા ઉણું રહે એ આરોગ્ય માટે સારું એવું ક્યાંક વાંચેલું કામમાં આવ્યું. કેન્ટીનની થાળીમાં જગ્યા વધુ જણાતી અને અદૃષ્ય કાલ્પનીક વાનગીઓ ત્યાં આવી આવીને બેસી જતી.

દીકરી પરણીને સાસરે ગઈ. ( કેવો સરસ જમણવાર આપ્યો હતો, અમે !) પુત્ર પણ પરણ્યો.(વેવાઈએ બત્રીસ પકવાન જમાડ્યાં હતાં. ડાયાબીટીસનીય બીક વગર એકબીજાને મોંમાં બટકાં આપ્યાં હતાં…)

ને છેવટે એ દીવસ પણ આવી પહોંચ્યો - નીવૃત્તીનો !

બચતની વાત તો સ્વપ્નનો જ વીષય હતો. વધેલી રકમ તો ચવાણું જ જોઈ લ્યો. વહેવાર-પ્રસંગોમાં એ પણ ચવાઈ ગઈ હતી. પુત્રને ઘેર રહેવા આવ્યાંનેય ખાસ્સો સમય થઈ ગયો. લાડકોડભર્યો માતૃપ્રેમ પણ દીવાલે ફોટામાં ચીટકી ગયો હતો. ફોટાને પહેરાવાયેલા હારનું ક્વચીત્ ઝુલવું ઘણુબધું ઝુલાવી મુકતું…..

આજે વહેલી સવારે રહેવાયું નહીં. લાળ ઘણા સમય પછી ઓચીતી જ ટપકવા લાગી હશે, શી ખબર; પણ ચાને હજી વાર હતી. પુત્રવધુને મોડા ઉઠવાની ટેવ અને પુત્રને જમીને જ નોકરીએ જવાનું હોઈ કોઈ ઉતાવળ ન હોય. ધીમે રહીને લાઈટ કરીને જોયું તો ટેબલ ઉપર થોડું પરચુરણ પડ્યું હતું. ગણવાની જરુર ન હતી. ચાની લારી પાસે ક્યારે  પગ ખેંચી ગયા તેય સમજાયું નહીં.ઉકળતી ચાની સોડમ અને નીચે કાચવાળા ખાનામાં પડેલાં લેમનરંગી બન પક્ષીની આંખ જેમ ચોખ્ખાં દેખાતાં હતાં - અર્જુનને દેખાતાં હતાં તેમ જ.એ બનને વીંધી નાખવાને જ હશે ને -
એણે લારીવાળા સામે લાળમાં ભીંજવીને તીર છોડ્યું હતું –

” આ પાંઉંના કેટલા પૈસા ?”

એણે આઠ રુપીયા કહ્યા પછી ખીસ્સામાંનું પરચુરણ આજેય હારી ગયું. પણ લારીવાળો સારો હતો. એણે ઝીણી આંખ કરીને ફરી કહ્યું,

“કોરા બનના ફક્ત ત્રણ રુપીયા થશે.”

“એક કટીંગ ચા અને એક બટર વગરનું બન આપી દે ભાઈ !” ઘેર પહોંચવામાં વાર થવાની બીક છતાં ઓર્ડર મુકીને એ રાહ જોતો બેઠો. 

                        —====000====—

આનંદ વહેંચતો એક અનુભવ.

[ જન્મદીવસના અભીનંદન આપવા માટે કાવ્યનું માધ્યમ પસંદ કરીને એક રચના આપવાની એક મીત્રની ફરમાઈશ પર રચાયેલું ફરમાઈશી કવીતડું છે આ ! એને બેગાની શાદીવાળું શીર્ષક એટલે આપ્યું હતું કે કોઈના જન્મદીને પ્રકૃતી પણ ખુશ થઈ હતી ! ]  

ચતુરેન્દ્રીય આનંદ !                 –જુગલકીશોર.

(પરંપરીત કટાવ)

  

આજ અચાનક
પુર્વ દીશાનો સુર્ય
સામટાં
રંગ રંગનાં પુષ્પ
વેરતો દીઠો.

પવન લ્હેરખી
હળવે હળવે
-અંગ અંગને સ્પર્શે એવું-
કંઈક કાનમાં
કહી ગઈ.

પારીજાતની
ડાળ ડાળથી
ખરતી, ઝરતી
શ્વેત-કેસરી ગંધ
ઘ્રાણમાં
પ્રાણ ભરી ગઈ.

એક સામટાં
આટઆટલાં
ઈંગીત
-રોમે રોમ સ્પર્શતાં-
ભીતર-બાહર
છલકાવી દે.

મલકાવી દે -
પ્રગટાવીને રહસ્ય
છુપું -
‘આજ કોઈના જન્મદીવસ’નું !!

ચાર દીશાથી
ચતુરેન્દ્રીયને 
પ્રાપ્ત થયો આનંદ
સામટો -
કહી શકું ના,
સહી શકું ના.
ગ્રહી શકું; સંગ્રહી શકું ના 
એકલ -
એને
પત્રમ્,
પુષ્પમ્,
ફલમ્ સ્વરુપે
કરું તને, લે
અર્પણ !
—==00==—

મારાં કુલ લખાણો પર એક નજર નાખી, તો –

વર્ષાન્તે સીંહાવલોકન  !

–જુગલકીશોર.—————————————————–

NET-ગુર્જરી શરુ થયાંને પણ એક વર્ષ પુરું થયું. જોગાનુજોગએ બ્લોગ મારા જન્મદીવસે અર્થાત્ 26મી જાન્યુઆરીએઆરંભાયો હતો. પરંતુ શાણી વાણીનો શબદ એ બ્લોગથી મેં આ જગતમાં પગ મુક્યો હતો. એ વાતને આજે 14 માસ થયા. 26મી જાન્યુઆરીના રોજ આ જન્મદીન નીમીત્તે, થાય છે કે થોડું પાછળ ફરીનેય નજર કરી લઉં. કેટલું ચાલ્યાં એ જોવાનીય ખેવના થોડીઘણી રાખવી રહી, માનીને આજે આ કામ હાથમાં લીધું છે.

ઉડીને આંખે વળગે એવા આંકડા આ રહ્યા :

નેટ પરના કુલ માસ આશરે 14.

કુલ 19 વીભાગોમાં મારી કલમ ચાલી.
5 વીભાગો પદ્યના અને 14 વીભાગો ગદ્યના ગણીને જે લખાણો લખાયાં તેમાં :

કાવ્યો/કટાક્ષીકાઓ/ગઝલો/ હાઈકુઓ/અનુવાદોના પદ્યવીભાગોમાં કુલ 94 રચાનાઓ તથા ગદ્યના 14 વીભાગોમાં લખાયેલાં લખાણોકુલ 149  ગણતાં કુલ 243 જેટલાં લખાણો થવા જાય છે !

આ બધું સર્જન હું ક્યારેય કરી ન શક્યો હોત, જો નેટડે બંધાણો ન હોત !! આજે આ અવસરે હું મારા સૌ વાચકો-’વીવેચકો’/પ્રશંસકો-ટીકાકારો /મને શીખવાડનારાં-મારી કને શીખનારાં/મને આશીર્વાદ-શુભેચ્છાઓ આપનારાંઓ એ સૌનું ઋણ સ્વીકારીને આ આંકડાઓ એક સીંહાવલોકન રુપે પ્રગટ કરી રહ્યો છું.

મને ખબર છે કે મારા વાચકો બહુ ઓછા છે. અને તેથી જ મારા ચારેય બ્લોગ પરના કુલ વાચકો માંડ 21,751 થયાં છે, જે ચાર બ્લોગની દ્રષ્ટીએ નગણ્ય ગણાય. 

આ લખાણોની કક્ષા વીષે હું નહીં કહી શકું. સીદીભાઈને એનાં સંતાનો વીષે પુછાય નહીં ! એ કામગીરી સૌ વાચકો-વીવેચકો અને ભવીષ્ય ઉપર છોડીને બ્લોગીંગનું મને ભાંગ્યુંતુટ્યું કામ જેવું આવડ્યું તેવું કરીને આટલે પહોંચ્યાનું કંઈક સુખ અનુભવી લઉં છું; બસ એટલું ઘણું છે - આજના આ અવસરે.
—————————————————————
 
1.0  પદ્યવીભાગ: મારી પદ્યરચનાઓ:[ 93]

1.1 કવીતાઓ કુલ : 37 
1.1.1 છંદોબદ્ધ: 29
1.1.2 અછાંદસ :–
1.1.3 : ગેય : 8
1. 2 ગઝલો : 6
1. 3 કટાક્ષકાવ્યો : 11
1.3.1 છાંદસ : 6
1.3.2 અછાંદસ : 2
1.3.3. ગેય : 3
1. 4 હાઈકુઓ  : 39

2.0  ગદ્ય વીભાગ : કુલ લખાણો : 149

2.1  નીબંધો : 20
2.2  સળંગ વાર્તા: 14
2.3  પત્રલેખન : 27
2.4   સંવાદો : 10
2.5  આત્મકથનાત્મક: 6
2.6  સુત્રો-સુવીચારો : 3
2.7  સ્વગતોક્તીઓ(ગદ્ય-પદ્ય) : 8
2.8  રસદર્શનો- વીવેચનો : 5
2.9  વ્યક્તી/સંસ્થા/બ્લોગ- પરીચય : 17
2.10  સમાચારો/ સાંપ્રતચર્ચા:  3
2.11 અભ્યાસલેખો : [39]
2.11.1 ગુજરાતનો ઈતીહાસ : 2
2.11.2 સાહીત્ય વીષયક  લેખો : 3
2.11.3 ભાષા વીષયક  લેખો : (31)
2.11.3.1 પીંગળ-છંદો પરના પાઠો : 16
2.11.3.2 વ્યાકરણ અંગેના પાઠો : 12
2.11.3.3 ભુલસુધારણાના : 3
2.11.4  નેટજગતનાં સંગઠન-એકતા વીષયક : 3

3.0 : અન્ય વ્યક્તીઓનાં લેખો-કાવ્યો : 54 

3.1  : અન્યના ગદ્યલખાણો : (3 8)
3.1.1 ઈતીહાસ : 17
3.1.2 આખ્યાનો : 4
3.1.3 વીદ્યાગ્રહ-લેખમાળા(અધુરી) : 5
3.1.4 રસદર્શનો : 2
3.1.5 જોડણી વીષયક : 9
3.1.6 ડાયરી : 1

3.2  : અન્યનાં પદ્યો : (16)

ફળા’ર અને ફરાળ વચ્ચે અટવાતું પુણ્ય !

ઉપવાસ.

-જુગલકીશોર. ===========================================================

ઉપવાસ કરનારાંઓ જમતાં નથી. તેઓ ફરાળ કરે છે. જેનાથી ઉપવાસનો ભંગ ન થાય તેવી વાનગીઓની ગણતરી ફરાળમાં થાય છે જેને માટેનાં વ્યંજનોની એક ખાસ યાદી પણ હોય છે. આ યાદી વધતી જ રહે અને ઉપવાસીઓની સુવીધાઓ માટે આ બધી વાનગીઓમાં વીવીધતા આવતી રહે તે માટે ફરાળી વાનગી બનાવવાની હરીફાઈઓ યોજાતી હોય છે. સામયીકોમાં આવી હરીફાઈઓની જાહેરાતો પણ છપાતી રહેતી હોઈ એમાં ભાગ લેનારાંઓ ભવીષ્યનાં ઉપવાસીઓના લાભાર્થે પુણ્ય પણ કમાતાં રહે છે.  હવે તો આવી વાનગીઓનાં પુસ્તકો પણ પ્રગટ કરવામાં આવી રહ્યાં હોઈ ઉપવાસીઓનું પુણ્ય વધતું જ રહેવાનું… 

ઉપવાસને દીવસે આ સૌ પુણ્યશાળીઓની પવીત્ર થાળીમાં ભાતભાતની [ વાચકોએ અહીં 'જાતજાતની' એમ વાંચવું કારણ કે ભાત શબ્દ ફરાળી નથી ]  સ્વાદીષ્ટ અને મીષ્ટ વાનગીઓ ઉપલબ્ધ બની છે તેનાં કારણોમાં આ  હરીફાઈઓ અને છપાતાં સાહીત્યનો ફાળો પણ મહત્તમ છે.   હોટેલોમાં પણ આ ફરાળી દીવસો-તહેવારોમાં ફરાળી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. દુનીયાનો જઠરાગ્ની શાંત કરવામાં બહુ મોટો હીસ્સો જેમનો છે તેવી આ બધી હોટેલો ઉપવાસી દીવસોમાં પુણ્ય કમાઈ લેવાની સોનેરી તક શા માટે ગુમાવે ભલા ? તેઓ પણ આકર્ષક જાહેરાતો છપાવીને ઉપવાસીઓના મોંએથી પવીત્ર લાળ ટપકાવીને પછી એકબાજુ તેઓના પેટ વીષે અનેકવીધ વાનગીઓ [ફરાળી સ્તો] પધરાવડાવીને ગ્રાહકોને સંતોષ-ધન પુરું પાડવાનો અને પોતાને માટે ધન-સંતોષ મેળવી લેવાનો ધન્ય અવસર પ્રામાણીકતા પુર્વક ઉભો કરીને બેસી જાય છે! 

ઉપવાસને દીવસે જે આરોગવામાં આવે તેને ‘જમવું’ ક્રીયાપદથી ઓળખાવાતું નથી. ઉપવાસને દીવસે ‘ખવાય’ કે જમાય નહીં. એનાથી ઉપવાસ ‘ભાંગી’ જાય છે ! [ અને આવનારું પુણ્ય પણ દુરદુર ભાગી જાય છે ] જમવું કે ખાવું જેવા શબ્દોથી ઓળખાતું કશુંય તે દીવસે પેટમાં પધરાવી શકાય નહીં, તેથી તેને માટે વીશેષ શબ્દપ્રયોગ યોજાયો છે : ‘ફરાળ કરવું’ !  

હવે વાત જાણે એમ છે કે ગુજરાતીઓ, ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામીણ ગુજરાતીઓ શબ્દોને ઘણીવાર મારીમચકોડીને વાપરતા હોય છે ! ‘વરસાદ’ને તેઓ ‘વહરાદ’ કહે છે. લાંબે ગાળે ભાષામાં આવા ફેરફાર થતા રહે છે. [ સૌરાષ્ટ્રમાં આ જ શબ્દ ફારફેર બોલાય છે જે ઘણાં જાણતાં હશે. ]  મુળ સંસ્કૃતમાંથી અવતરેલા શબ્દો-શબ્દપ્રયોગો ધીમે ધીમે રુપ બદલતા રહે છે જેને અપભ્રંશ કહેવાય છે.  નર્મદા નદીમાં તણાતાં તણાતાં પથ્થરો ઘસાતાં જાય છે અને ગોળાકાર ધારણ કરીને છેવટે “કંકરમાંથી શંકર” બની જાય છે. શીવલીંગ રુપે પછી તો તેઓ પુજાય પણ ખરા ને દુધે નહાય પણ ખરા !  

આમ જ  મુળ સંસ્કૃતમાંથી ઘસાતાં ઘસાતાં કેટલાક શબ્દો એવું સ્વરુપ લઈ લેતા હોય છે કે એનું મુળ [નદીના મુળ કે ઋષીઓના કુળની માફક] શોધવું દુષ્કર બની રહે છે.  આવો એક શબ્દ છે ‘ફરાળ’ !  સૌરાષ્ટ્રીઅનોએ  જગતને આપેલો અને પવીત્ર ઉપવાસની ટર્મીનોલોજી સાથે ધર્મના બંધને બંધાયેલો આ શબ્દ ‘ફરાળ’ જાણીતો અને ઉપવાસીઓનો બહુ માનીતો બની રહ્યો જણાય છે.  ચાલતાં શીખી રહેલું બાળક બોલતાં પણ શીખી રહ્યું હોય ત્યારે ભુલથી જેમ ઓશીકું ને ઓકીશું કહી નાખે છે તેમ ફળાહારમાંથી જન્મેલા આ ફળા’ર શબ્દનું ફરાળ કરી મુકનારા ગુજરાતીઓને શું કહેવું ?  આવા ફારફેર, ભુલ્યો ફેરફાર કરવા પાછળનું લોજીક જે કાંઈ સમજાય છે તેને આપણે આ રીતે મુકી શકીએ :  

ફળાહારની જ છુટ ઉપવાસીઓને માટે હતી પરંતુ ફળોની યાદી બહુ લાંબી થઈ શકતી નથી હોતી. વળી અમુક ઋતુમાં બધાં ફળો મળે પણ નહીં. તેથી ઉપવાસને દીવસે પેટ વીષે પધરાવી શકાય તેવાં વ્યંજનોમાં ફળોની લીટીને જ નાની કરી દઈને એમાં બીજી અગણીત ચીજોને ઉમેરી દેવાની ચતુરાઈ તો આમાં નહીં હોય ? ફળાહાર ને બદલે ફરાળ કરી દઈને ફળોને એકબાજુ હડસેલી દેવાનો અને પાછલે બારણે બીજી અનેકાનેક ચીજોને પ્રવેશ અપાવી દેવાનો પેંતરો પણ આમાં હોય તો નવાઈ નહીં. 

 ઉપવાસના દીવસે આમ તો [ શક્ય હોય તો ગરમ ] પાણી અને દુધ સીવાય કશું ન લેવાય / લેવું જોઈએ. આરોગ્યની દૃષ્ટીએ પણ એ જ યોગ્ય છે. જીભ અને હોજરીથી લઈને છેક આંતરડાં સુધીનાં તમામ અવયવોને વાર-તહેવારે આમ આરામ આપીને આરોગ્ય જાળવવાની અદ્ભુત ચાવી આપણને બતાવાઈ છે. પરંતુ ભુલથી કે જાણીજોઈને આવી બધી ચાવીઓને ખોઈ નાખવાનું આપણને ફાવી-ભાવી-સદી ગયું છે. [ એમ તો ખુદ ભગવાનેય ઘણાંને દીવસમાં એક વાર ખાવું ને ત્રણ વાર ના'વું એવો આદેશ આપ્યો જ હતો ને ! ભીક્ષાવૃત્તી ઉપર રહેતા જીવો માટે આમેયતે આ આદેશ બહુ વ્યવહારુ પણ હતો જ ! દીવસમાં એકથી વધુ વાર ભીક્ષા કાંઈ મળે નહીં.  એટલે એક જ વાર ખાવાની વાત અને સમય પસાર કરવા માટે ત્રણ વાર નહાવાની વાત શું ખોટી હતી ?!  કર્મકાંડીઓએ આમેય ત્રણ વાર નહાઈને તમાકુસુવાસીત મુખના પ્રક્ષાલનનો વીધી પણ પુરો કરી શકાતો હતો !  

પરંતુ ભગવાનનોય આદેશ સાંભળ્યો ન સાંભળ્યો કરીને "ત્રણ વાર ખાવું અને એક વાર નહાવું "  એવું અર્થઘટન કરી લેનારાં આ સૌ જીવો  શા માટે પાછાં પડે ?  આવું થયું જ હશે, આ વાત ની નક્કર સાબીતી તો એમના વીશાળ ઉદરપ્રદેશથી જ મળી રહે છે.

આટલે સુધી તો બરાબર પણ ઉપવાસ કરનારાં પવીત્ર જીવોને માટે પાણી અને દુધ જેવી પદ્ય ચીજો સાથે કશુંક ઘન તત્ત્વ પણ ગદ્યરુપ આપવામાં આવે તો પવીત્ર પેટનો ખાલીપો પુરી શકાય તે માટે પછી તો ફળોને ખાવાનીય - માફ કરશો - આરોગવાની છુટ મળી ગઈ હશે.  

પરંતુ આગળ જતાં કેટલાક ક્રાંતીકારી ભક્ત-ઉપવાસી 'અકરાંતીયા'ઓએ [મુળ શબ્દ 'અ-ક્રાંતીકારી' હશે ?]  પેટને ભરચક રાખવા સારુ ફળો યાદ જ ન આવે એ માટે ફળા’ર નું ફરાળ કરી નાખ્યું હશે, જોજો !

એટલે પછી ઉપવાસીઓ  ફરાળ કરવા બેસે ત્યારે ફળ સીવાયના અનેકરંગી, અનેક સ્વાદોભર્યાં વ્યંજનો ભક્તીભાવથી છલકાતી થાળીમાં લઈને ઉદર કહેતાં પેટ વીષે પધરાવતાં જોવા મળે છે. છેવટે ઉપવાસના દીવસોમાં ચાલુ દીવસો કરતાંય વધુ પરીશ્રમ પેટના અવયવોને આપવામાંઆવે છે. આ પણ એક પ્રકારનું ‘તપ’ જ ગણાતું હશે ને ?  આવા તપને કારણે પછી વીજ્ઞાન કહે છે તે મુજબ ફરાળ પ્રવૃત્તી બાદ લોહીનું પરીભ્રમણ ઉદરપ્રતી અધીક બની રહેવાના કારણે જ હશે, મસ્તીષ્કપ્રતી શુન્યાવકાશ થવાની શક્યતાઓ વધી પડે છે !!  મનને ખાલી કરવાની વાત અધ્યાત્મવાદીઓએ કરી જ છે ને ! તો પછી એનાં નાનકડાં રીહર્સલો રોજે રોજ થતાં રહે તો ખોટુંય શું છે એમાં ?!  મસ્તીષ્ક તરફનો લોહીનો પ્રવાહ ઉદરપ્રતી થતો રહે ને મસ્તીષ્ક આ સમયગાળામાં આરામ જેવું કશું ક અનુભવતું રહે તો સમાધી જેવું કશુંક પ્રાપ્ત થઈ રહ્યાનો ભ્રમ પણ આપોઆપ વાગોળાતો રહે એમ બને ! સમાધીપણાની આ સ્થીતી બ્રહ્મભાવની પ્રાપ્તી માટે જો આશીર્વાદરુપ હોય તો આ ભ્રમ પણ ઉપવાસીઓને સેવાતો રહે એય શક્ય છે.  

 ઉપવાસ આપણી ધાર્મીકતાનું એક અવીનાભાવી અંગ હોઈ એને સમજવાના આ નમ્ર પ્રયત્નને પણ ફરાળમાં ગણી લેવા વીનંતી છે.

                              —===000===—
 

ઝાંખો ઝાંખો હાથ…

[એક-બે ઓચીંતી મળી આવેલી જુની રચનાઓમાંની એક આજે અહીં પ્રગટ કરી રહ્યો છું. બીજી રચના પણ મુકાયા બાદ બન્નેનું ભેળું વીવેચન કરવા ધારણા છે. આશા છે એક નવી જ શૈલીની આ રચના ગમશે.]

——————————————————–

છેટું
****************************
–જુગલકીશોર.

દુરના એ ઘાટેથી
કપડાં પર ધબેડાતા ધોકાનો
અહીં સુધી સંભળાતો ‘ધબ્બ’
અને
તારો વ્હેલો ઉંચકાઈ જતો દેખાતો
હાથ -
એ બેની વચાળ હોય જેટલું,
છેટું હતું આપણી વચાળ !

એવામાં ઓચીંતો
એકદમ પડી ગયો
પવન !

હવે –

દેખાતો રહ્યો ફકત
ઉંચોનીચો થતો તારો
ઝાંખો ઝાંખો
હાથ…
——————
લખ્યા તા.21-1-1973.

                              —===0000===—

Next Page »


ટેરવેથી નીતર્યો, ઝીલ્યો શબદ !

વાચકોની સંખ્યા

  • 10,010 વાચકો

દિવસવાર ટપાલ

May 2008
M T W T F S S
« Apr    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ

Flickr Photos

.fairy.

Estimating Houses

Buying a Nikon doesn't make you a photographer.  It makes you a Nikon owner.

More Photos